શું તમને ખબર છે કે 1962માં ‘રોકેટ ગર્લ’ નામની એક ફિલ્મ વડે ભારતે ચાંદ ઉપર ચડાઈ કરી જ નાંખી હતી ? પરંતુ 2023માં ભારતનું ચંદ્રયાન ચંદ્રની અંધારી સાઈડે ઉતરશે !
આમાં શક્ય છે કે ચંદ્રની ‘કાળી’ બાજુનાં રહસ્યો બહાર પડશે !
જોકે ચંદ્રના રહસ્યો બહાર આવે એ પહેલાં આપણી હિન્દી ફિલ્મોનાં ગાયનો લખનારા શાયરો અને ગીતકારોનાં ખતરનાક-ભેદી રહસ્યો બહાર આવવાની શક્યતા છે ! તમે એક પછી એક ગાયન લેતા જાવ… દરેકમાં કંઈ સસ્પેન્સ છૂપાયેલું જ છે !
***
(1) એક રાત મેં દો દો ચાંદ ખિલે, એક ઘુંઘટમેં, એક બદલી મેં…
આખી દુનિયા જાણે છે કે ચાંદ તો એક જ છે પણ આ કવિએ બે બે ચાંદ નજરે જોયાની ચશ્મદીદ ગવાહી આપેલી છે ! મિ લોર્ડ, એ શખ્સ જાતે કબૂલ કરે છે કે એક ચાંદ તેણે કોઈના ઘૂંઘટમાં છૂપાવીને રાખ્યો છે ! અને બીજો ચાંદ ફેકટરીના વર્કરોની જેમ ‘બદલી’ ભરે છે ! ઇસ બયાન પર ગૌર કિયા જાય, મિ લોર્ડ !
(2) ચાંદ જાને કહાં ખો ગયા, તુમ કો ચહેરે સે પરદા હટાના ન થા…
મિ લોર્ડ, આ બીજો શાયર પહેલા કવિથી અંદરો અંદર મળેલો લાગે છે ! એક તો એણે બેમાંથી એક ચાંદ ક્યાંક ખોઈ નાંખ્યો છે. ઉપરથી પોલીસમાં મુદ્દામાલ ખોવાયાની FIR પણ લખાવી નથી !
એ તો ઠીક, જ્યારે પોલીસ પોતાની રીતે છાનબીન કરવા આવી પહોંચી હતી ત્યારે આ મુલઝિમ પુલીસ ઉપર ખોટો ઇલ્ઝામ લગાડીને કહે છે કે તમારે ચહેરા ઉપરથી પરદો હટાવવાનો નહોતો ! એ પરદો તે હટાવ્યો એમાં જ ‘ચાંદ’ની હટી ગઈ અને તે ગાયબ થઈ ગયો !
(3) ચાંદ ચૂરા કે લાયા હું, ચલ બૈઠેં ચર્ચ કે પીછે…
હુજુર, ઇસ અંડરવર્લ્ડ શાયર કે બયાન પર ગોર કિયા જાય ! શાયરે પોતે ચાંદની ચોરી કરવાનો ઇકબાલે-જુર્મ કર્યો છે ! એટલું જ નહીં, શાયરોની આખી ગેંગ હોય તેવું લાગે છે ! કેમકે શાયર તેના ગેંગસ્ટર સાથીને કહે છે કે ચલ, ચર્ચની પાછળ જઈએ !
મિ લોર્ડ, અદાલત સે દરખ્વાસ્ત હૈ કિ ચર્ચ કે પીછ ખૂદાઈ કી જાય ! અમને શક નહીં બલ્કિ યકીન છે કે શાયરોની ગેંગે પેલા બીજા ચાંદને ત્યાં જ ક્યાંક દાટીને રાખ્યો છે !
(4) એ ચાંદ જરા છૂપ જા, એ વક્ત જરા રુક જા…
મિ લોર્ડ, આ એક શાયરનો ગુપ્ત મેસેજ છે, જે પોલીસે ‘ઇન્ટરસેપ્ટ’ કરીને ડિ-કોર્ડ કર્યો છે ! અહીં એક અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા શાયરે પેલા બીજા નંબરના ચાંદને આ મેસેજ પાઠવ્યો છે કે બોસ, તમે સંતાઈ જજો, કેમકે પોલીસ તમને શોધી રહી છે ! ઔર, ઇસ બાત પર ભી ગૌર ફરમાયા જાયા કે ખુદ ચાંદ ઇન શાયરોં સે મિલા હુઆ હૈ !
(5) આધા હૈ ચંદ્રમા, રાત આધી, રહ ન જાયે તેરી મેરી બાત આધી…
મિસ-લિડીંગ એવિડન્સ મિ લોર્ડ ! હકીકત એ છે કે શાયરોની ગેંગ દ્વારા આખેઆખા ચાંદની જ ચોરી કરવામાં આવી છે છતાં એક શાયર એવી અફવા ફેલાવી રહ્યો છે કે જુઓ, ચાંદ તો અડધો જ છે !
(6) સુરજ હુઆ મધ્ધમ, ચાંદ જલને લગા…
મિ લોર્ડ, આ વધુ એક અફવા છે, જે સરાસર જૂઠ છે ! શાયરોની આખી ગેંગ હવે સોશિયલ મિડીયાનો સહારો લઈને એવું તૂત ફેલાવી રહી છે કે બીજા ચાંદની ચોરી થવાને કારણે પહેલો ચાંદ ‘જલી’ રહ્યો છે ! ઔર મિ લોર્ડ, આખી વાતમાં સુરજ કો ક્યું ઘસીટા જા રહા હૈ ? હુજુર, સુરજ બિલકુલ પવિત્ર હૈ, બડજાત્યા કી તરહા !
(7) ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે..
જોયું ? વધુ એક ફેક-ન્યુઝ ! શાયરોની આખી ઇકો-સિસ્ટમ બની ગઈ છે જે જનતાના દિમાગમાં આખું બનાવટી નેરેટિવ ઠોકી બેસાડવા માગે છે કે નજીકના ભવિષ્યમાં ચાંદ-તારા કશાયનું અસ્તિત્વ જ નથી રહેવાનું !
(8) ચાંદ તારે, તોડ કે લાઉં બસ ઇતના સા ખ્વાબ હૈ…
મિ લોર્ડ ! CBI દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવેલો આ ગુપ્ત સંદેશો તો બિના શક કે ઇસ બાત કા સુબુત હૈ કિ શાયરોંને નયા ખૂફિયા આતંકવાદી ગ્રુપ બના લિયા હૈ ! હમેં પુરા યકીન હૈ કિ ભારત જે ચંદ્રયાન મોકલી રહ્યું છે તે ચાંદ ઉપર પહોંચે એ પહેલાં જ ચાંદને રિમોટ કંટ્રોલ વડે ઉડાવી દેવાનું આખું ષડયંત્ર રચાઈ ચૂક્યું છે ! મિ લોર્ડ, અદાલત સે દરખ્વાસ્ત હૈ કિ ફૌરન ઇસ પર કાર્રવાઈ કી જાય !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
आगे बढो,हम तुम्हारे साथ है....ચાંદકો ક્યા માલુમ,ચાંદામામા બુરકે, અય ચાંદ છૂપ ના જાના, તુ મેરા ચાંદ,મેં તેરી...
ReplyDelete+1...અય ચાંદ જહાં વો જાયે,હર રાત ખબર લાના..
ReplyDeleteઘણા ગીતો યાદ કરાવી દીધાં !!
ReplyDelete