ટામેટાંની શક્ય- ઘટનાઓ !

જે રીતે ખેતરમાંથી રાતોરાત સવા લાખ રૂપિયાનાં ટામેટાંની ચોરી થઈ ગઈ એ જોતાં લાગે છે કે ટામેટાંના મામલે ‘સત્યઘટના’ અને ‘શક્ય-ઘટના’માં કોઈ ફેર જ રહ્યો નથી !
જુઓ, હજી પણ કેવી કેવી ઘટનાઓ બની શકે છે…. 

*** 

ટામેટાંથી ભરેલો આખો ટ્રક ચોરાયો !

પૂણેથી મુંબઈ જતો આખો ટ્રક, જેમાં ટામેટાં ભરેલાં હતાં તે ગાયબ થઈ ગયો છે. ટ્રકના માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ટ્રક કરતાં એમાં ભરેલાં ટામેટાંની કિંમત વધારે હતી. ટ્રકનો તો વીમો છે પણ ટામેટાંનો વીમો ના હોવાથી વેપારી તેની પાસેથી 35 લાખ રૂપિયાની માગણી કરી રહ્યો છે.

પોલીસ તપાસમાં જણાયું છે કે ટ્રક એક અંધારી ટનલમાં પ્રવેશ્યા બાદ બીજા છેડે નીકળતી દેખાઈ જ નથી ! ટામેટાંના થેલાઓ સાથે ટ્રકના પણ સ્પેરપાર્ટસ છૂટા કરી દેવાયા હોવાની શક્યતા છે. 

ટ્રકનો ડ્રાયવર લાપતા છે પણ તેનો ક્લીનર બેહોશ અવસ્થામાં મળી આવ્યો છે. પોલીસનું માનવું છે કે વધુ પડતાં ટામેટાં ખાઈ જવાને કારણે અથવા આટલી બધી મિલકત એકસાથે અચાનક હાથમાં આવી જવાથી તે બેહોશ બની ગયો હશે. તેને સિવિલ હોસ્પિટલને બદલે સારવાર માટે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

*** 

ટામેટાં પાછળ જીવ ગુમાવ્યો

કિંમતી ટામેટાં તણાઈ જતાં બચાવવા જતા એક કાકાનો જીવ ગયો છે. બનાવની વિગત એવી છે કે કાકા પોતાની બચતની મૂડીમાંથી બે કિલો ટામેટાં ખરીદીને ઘરે આવી રહ્યા હતા. પરંતુ ધોધમાર વરસાદને કારણે સડક ઉપર ઝડપભેર વહી જતાં પાણીમાં તે ગબડી ગયા હતા. હાથમાંથી ટામેટાંની થેલી છૂટી જતાં તે મહામૂલાં ટામેટાં બચાવવા તેની પાછળ દોડ્યા હતા પરંતુ રસ્તામાં પડેલા ભૂવામાં તે ગરકાવ થઈ ગયા હતા.

રેસક્યુ ટીમે કાકાનો મૃતદેહ તો શોધી કાઢ્યો હતો પરંતુ લોકોને શંકા છે કે બે કિલો ટામેટાં રેસક્યુ ટીમે અંદરોઅંદર સગેવગે કરી લીધાં છે. જનતામાંથી તપાસની માંગણી ઊઠી છે પણ સત્તાવાળાઓ મોંમાં ટામેટાં ભરીને બેઠા લાગે છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments