ટામેટાંની શક્ય-ઘટનાઓ -3

એક ખેડૂતે ટામેટાં વેચીને 1 કરોડ રૂપિયાની કમાણી કરી… બીજો એક ખેડૂત ટામેટાં વેચીને 60 લાખ કમાયો પણ તેનું પૈસા માટે મર્ડર થઈ ગયું…

જ્યારે આવી સત્યઘટનાઓ બની રહી છે ત્યારે વિચારો ‘શક્ય-ઘટનાઓ’ કેવી કેવી બની શકે…

*** 

ટામેટાંનાં ખેતરો માટે પોલીસ-સુરક્ષાની માંગ ઉગ્ર બની

ટામેટાંના ખેતરોમાંથી રાતોરાત પાકની ચોરી થવાની ઘટનાઓ બનવાના કારણે હવે ખેડૂતો માગણી કરી રહ્યા છે કે તેમનાં ખેતરોને સરકાર દ્વારા પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે.
આ માંગ સરકારની વિચારણા હેઠળ છે. દરમ્યાનમાં પોલીસબેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો પગાર, ભથ્થું વગેરે ઉપરાંત રોજનાં બે કિલો ટામેટાં મફતમાં મળતાં હોય તો લગભગ તમામ પોલીસકર્મી આ ડ્યૂટી કરવા તૈયાર છે.

*** 

બેન્ક લોકરોમાં ફ્રીજર રાખવાની નવી માંગ ઊઠી

અમુક ખેડૂતો, જેમનાં થોડા દિવસો પહેલાં બેન્કોમાં માત્ર જનધન ખાતાં હતાં તેઓ આજે ડિમાન્ડ કરી રહ્યા છે કે અમારી બેન્કોમાં સેફ ડિપોઝિટ વોલ્ટ હોવાં જોઈએ. જેથી અમે અમારાં મુલ્યવાન ટામેટાં તેમાં સાચવીને રાખી શકીએ.
સરકારે આ માગણી ઉપર વિચારણા કરવા માટે એક કમિટી નીમી છે. કમિટીનો રીપોર્ટ આવે ત્યાં સુધી ટામેટાંના ભાવ ફરી 4 રૂપિયે ક્વિન્ટલ થઈ જવાની શક્યતા છે.

*** 

UAE સાથે ટામેટાંની કરન્સીમાં વ્યવહાર કરવાની માંગ ઊઠી

આ સિઝનમાં જે ખેડૂતો 50 લાખથી 1 કરોડ રૂપિયા ટામેટાં વેચીને કમાઈ ગયા છે  તેમની PMOમાં અરજી આવી છે કે UAE સાથે રૂપિયાને બદલે ટામેટાંની કરન્સી માન્ય કરવામાં આવે. જોકે સૂત્રોં સે પતા ચલા હૈ કિ આ અરજી હવામાં ઊડી ગઈ હતી કેમકે તેની ઉપર ટામેટાનું ‘વજન’ નહોતું મુક્યું !

***

- મન્નુ શેખચલ્લી

Comments