પુરૂષોની ફેશન ભવિષ્યવાણી : 2040 !

જુઓ, પુરુષો આમેય ફેશિયલ કરાવતા થઈ ગયા અને અંબોડા વાળતા પણ થઈ જ ગયા છે ! તો સાહેબો આવનારાં વરસોમાં પુરુષોની ફેશન મહિલાઓથી પાછળ નહીં જ રહે ! જમાનો એવો આવવાનો છે કે પુરુષોએ ‘સ્ત્રી-સમોવડા’ થયા વિના છૂટકો જ નથી. એની સીધી અસર ફેશનમાં દેખાશે. જુઓ, ફેશન-ફ્યુચરબાબાઓ શું કહે છે…

મહાન ફેશન જ્યોતિષી રોહિત બાલ-બ-બાલ કહે છે કે જે રીતે  ’60-’70માં હિન્દી ફિલ્મની હિરોઈનો માથામાં મોટા મોટા અંબોડા ખોસતી હતી એ રીતે પુરુષો પણ ભવિષ્યમાં જાતભાતની વિગો પહેરતા થઈ જશે ! 

ભલે તમે એક દિવસ હાર્દિક પંડ્યાની જેમ માથામાં બુલડોઝર ફરી વળ્યું હોય એવા વાળ લઇને ફરતા હો, પણ બીજા દિવસે તમે વેસ્ટ-ઇન્ડિઝના ક્રિકેટર ક્રીસ ગેઇલ જેવી (અથવા કુંભમેળાના જટાધારી બાવા જેવી) વિગ પહેરીને ફરતા હશો ! એ જ રીતે કોઈ નવા ટ્રાન્સજેન્ડર ફેશન-વેવ મુજબ બે ચોટલા (બબ્બે ડઝન બંગડીઓ સાથે) પણ પહેરીને સ્ટાઈલો મારી શકશો ! વાઉ !

અચ્છા, છોકરીઓ પોતાના વક્ષસ્થળના ઉભાર માટે પેડેડ બ્રા પહેરે જ છે ને ? તો ફ્રેન્ચ ફેશન-પંડિત વચ-લા-વરસાચે ભવિષ્ય ભાખી રહ્યા છે કે પુરુષો પોતાનો સીનો ચૌડો બતાડવા માટે ટી-શર્ટની નીચે ‘પેડેડ ચેસ્ટ’ પહેરતા થઈ જશે ! એ તો ઠીક, છાતીથી કમર સુધીના વિસ્તારમાં મજબૂત સિક્સ-પેકનો લૂક આપવા માટે મેકપ વડે ‘શેડીંગ’ પણ કરતા હશે ! (ફોટામાં તો જબરા દેખાય ને?) વાઉ, ટુ-ઓસ્સમ ! નો?

અચ્છા, શરીર ઉપરના ટેટુઓનું શું ? હાલમાં તો સૂર્યકુમાર અને કોહલી જેવાઓ આખેઆખાં બાવડાં પરમેનેન્ટલી ચીતરાવીને બેઠા છે. પણ કાલે ઊઠીને ફેશન બદલાઈ ગઈ તો ? 

અનુષ્કા મેડમ, ચિંતા ના કરો ! ઇન્ટરનેશનલ ટેટુ આર્ટિસ્ટ ચિત્રા છુંદણા કહે છે કે ભવિષ્યમાં ‘રેડી-ટુ-વેર’ ટેટુ કરેલી સ્કીન (જી હા, ચામડી !) તૈયાર મળતી હશે ! તમારો વિરાટ સવારે શર્ટનાં બે બટન ખુલ્લાં રાખીને છાતી પર ચિતરેલો વાઘ બતાડશે અને રાત્રે ‘બેક-લેસ ટી-શર્ટ’ (હાસ્તો કંઈ માત્ર છોકરીઓ જ બેક-લેસ ચોલી પહેરશે એવું થોડું છે ?) પહેરીને નીકળશે ત્યારે પીઠ ઉપર ચીતરેલા મોર, ઘુવડ અને ચામાચિડીયાં વડે શો-ઓફ કરશે ! સ્સુપર્બ ! નો?

અચ્છા, પુરુષોના શરીરના વાળનું શું ? તો સાહેબાનો, તમે જોજો, થોડા જ વરસમાં ‘મેલ હેર રિમૂવર’ બજારમાં આવી ગયાં હશે ! (એની એડ.માં અનિલ કપૂર આવશે.) એટલું જ નહીં, જે રીતે ટાલિયા પુરુષો માથે વાળ ઇમ્પ્લાન્ટ કરાવે છે એ રીતે આખા શરીરે વાળ ઊગે જ નહીં એવી ‘હેર-એક્સ-પ્લાન્ટ’ ટ્રિટમન્ટો પણ આવી ચૂકી હશે ! 

અને છતાં, પ્રખ્યાત હેર-સ્ટાઈલિસ્ટ હેરી વૂલ્ફની ભવિષ્યવાણી છે કે આખા શરીરે રીંછ જેવો વાળનો જથ્થો હોય એવી ફેશન પણ પાછી આવશે ! તો એ વખતે તમે આખું બોડી મુંડાવીને બેઠા હો તો શું કરવાનું ? ચિંતા નહીં. હેરી વૂલ્ફ કહે છે કે સ્ટિક-ઓન-હેરનો ટ્રેન્ડ આવશે ! તમે છાતી ઉપર, બગલમાં કે ઇવન લાલુ યાદવની અનોખી બિહારી સ્ટાઇલમાં કાનમાં પણ વાળના ગુચ્છા ચોંટાડીને ફરતા હશો !

હવે જ્યારે ‘સ્ટિક-ઓન-હેર’ની વાત નીકળી જ છે તો જાણી લો કે ચહેરા ઉપર ચોંટાડવાની ‘નેચરલ-લુક’વાળી મૂંછો અને દાઢીઓ પણ મળતી જ હશે ! એ તો ઠીક દાઢી-મૂછ ચોંટાડવાની ફેશન તો મહિલાઓએ જ શરૂ કરી હશે ! (પુરુષ-સમોવડા તો બનવાનું જ છે, મેડમ !) 

તમને થતું હશે કે આમાં તો કોણ પુરુષ અને કોણ સ્ત્રી એ પારખવું જ મુશ્કેલ થઈ જશે, તો સમજી લો મિત્રો, હવે વાત ‘યુનિફોર્મ સિવીલ કોડ’ સુધી નથી રહી ! આવનારા વરસોમાં ‘યુનિફોર્મ ફેશન કોડ’ ચાલતો હશે… ‘વન વર્લ્ડ, વન ફેશન-જેન્ડર !’

તમે જુઓ, આ સ્લોગનની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. બોલીવૂડનો રણવીર સિંહ અત્યારથી જ પત્નીના ઘાઘરા, સરારા અને ફ્રોક પહેરતો થઈ ગયો છે ! જ્યારે ઇન્ડિયન ફેશનનો ઇતિહાસ લખાશે ત્યારે કહેવાતું હશે કે ‘રણવીર વોઝ પાયોનિયર ઇન વન-જેન્ડર ફેશન વેવ!’ 

વાત માત્ર ઘાઘરા-શરારાની નથી, સાઉથના જાણીતા ફેશન-ફોરકાસ્ટર સભ્યસાંચિદમ્ સ્વામી કહે છે કે લુંગીનો કમ-બેક થશે ! ભવિષ્યની લુંગી આજની જેમ લફડ-ફફડ અને ઢીલી નહીં હોય, બલ્કે પુરુષોના બોડી શેપને ‘એન્હાસ’ કરે એવી ટાઈટ ફિટીંગ હશે ! લુંગીમાં તમામ વરાયટી હશે : કાંજીવરમ, પૈઠણી, બનારસી, પટોળાં અને ઝરદૌસી !

અને હા, છોકરીઓ આજકાલ જુદી જુદી જાતના નખ ચોંટાડે છે ને ? તો પુરુષો પણ ચોંટાડતા હશે… વાઘના નખ, રીંછના નખ, ગરુડના નખ અને ઘુવડના નખ ! 

એક ગુજરાતી તરીકે જો તમને આખી વાતમાં રસ ના પડતો હોય, તો તમને કહી દઉં કે થોડાં જ વરસોમાં તમામ નોકરીઓમાં મોંઘવારી ભથ્થાંની જેમ ‘ફેશન ભથ્થું’ ફરજિયાત થઈ જશે ! બોલો, ફાયદાની વાત કરી ને?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. વાહ! છેલ્લે ફાયદાની વાત કરી એટલે હંધુય ગટાક દઇને ઉતર્યું. વાહ બાપલા વાહ!!

    ReplyDelete
  2. Thanks for the explanation !! 😄😄

    ReplyDelete

Post a Comment