ટામેટાંની શક્ય-ઘટનાઓ -2

સમાચાર મળે છે કે 2.5 ટન ટામેટાંની લૂંટ થઈ ગઈ ! આ હિસાબે તો સત્યઘટનાઓમાં કંઈ પણ શક્ય છે ! વાંચો આ શક્ય-ઘટનાઓ…

*** 

ટામેટાંને લીધે હવાલદાર સસ્પેન્ડ

200 રૂપિયે કિલોની વિક્રમી સપાટી કૂદાવી ચૂકેલાં ટામેટાંએ ગઈકાલે એક હવાલદારની નોકરીનો ભોગ લીધો હતો.

ઘટનાની વિગતો એવી છે કે ફૂટપાથ ઉપર લારી લઈને ઊભા રહેતા એક શાકવાળાની લારીમાંથી એક હવાલદારે લગભગ દોઢ કિલો જેટલાં ટામેટાં લઈ લીધાં હતાં. જ્યારે લારીવાળાએ પૈસાની માગણી કરી તો હવાલદારે દાદાગીરી કરતાં કહ્યું હતું કે પૈસા માગીશ તો ધંધો બંધ કરાવી દઈશ. રોજ મફતમાં શાક લઈ જાઉં છું. તો ટામેટામાં શું વાંધો છે.

પરંતુ ફેરિયાએ માથાકુટ કરતાં રકઝક વધી પડતાં હવાલદારે લાત મારીની શાકની લારી ઉથાલાવી દેતાં ફેરિયાએ વજનકાંટા વડે હુમલો કરતાં જવાબમાં હવાલદારે ડંડો ઉગામતાં ફેરિયાને માથામાં ઇજા થતાં લોહી નીકળતાં તેને બચાવવા જતાં બીજા ફેરિયાએ ધસી આવતાં હવાલદાર અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ થતાં અચાનક બે ફેરિયા રોડ પર ગબડી જતાં ચાર સ્કુટરો એકબીજા સાથે અથડાતાં ખુબ જ અફરાતફરી મચી ગઈ હતી.

ટ્રાફિકના હવાલદાર દ્વારા ટ્રાફિકમાં ખલેલ પહોંચાડવાની ઘટના બનવાથી હવાલદારને હંગામી ધોરણે સસ્પેન્ડ કરાયા છે. તથા દોઢ કિલો ટામેટાંને મુદ્દામાલ તરીકે પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે.

*** 

ચૂંટણીમાં દારૂને બદલે ટામેટાં વહેંચાયાં

બંગાળમાં પંચાયતની ચૂંટણીની આગલી રાત્રે અમુક બુથ વિસ્તારોમાં મતદારોને લલચાવવા માટે દારૂને બદલે ટામેટાં વહેંચાયા હોવાની ફરિયાદ ચૂંટણીપંચમાં નોંધાઈ છે. જોકે ચૂંટણી અધિકારીએ પુરાવાને અભાવે આગળ કાર્યવાહી નહીં કરી શકવાની મજબૂરી દર્શાવી છે કેમકે ટામેટાં ખવાઈ પણ ગયાં છે અને પચી પણ ગયાં છે હવે ઝાડા પેશાબમાં પણ તેના અંશ મળી આવવાની શક્યતા નહિવત છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments