સિલેબસ બહારની લોકશાહી !

બોલો, NCERTએ 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી લોકશાહીનું આખું પ્રકરણ જ કાઢી નાંખ્યું !

ભારે કરી ! આમાં પછી એવું થશે કે…

*** 

10મું પાસ થયેલો સ્ટુડન્ટ જ્યારે મત આપવા જેવડો મોટો થશે ત્યારે પૂછશે કે ‘લોકશાહી ? એ વળી શું હોય ?’

*** 

એ તો ઠીક, જતે દહાડે દસમું પાસ નેતાઓ પણ કહેશે કે ‘લોકશાહીને લગતા સવાલો ના પૂછો ! એ તો સિલેબસ બહારનું થયું !’

*** 

NCERTના અધિકારી કહે છે કે આ તો વિદ્યાર્થીઓનો બોજ ઓછો કરવા માટે કર્યું છે.

- અચ્છા ? આમાં વિદ્યાર્થીઓનો બોજ ઓછો થશે કે નેતાઓનો ?

*** 
10મા ધોરણના એ પ્રકરણમાં ‘લોકશાહી સામેનાં જોખમો’ એવો પણ એક ટોપિક હતો.

- કદાચ NCERTને લાગ્યું હશે કે આવું બધું સિલેબસમાં રાખવું એ જ ‘લોકશાહી સામેનું જોખમ’ છે ! (જોખમને ઉંગતું જ ડામો !)

*** 

સાથે સાથે NCERTના પાઠ્ય પુસ્તકમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનું ચેપ્ટર પણ કાઢી નાંખ્યું છે.

- એ સારું કર્યું, કેમ કે હવે તો જૂની લોકસભાની ઉત્ક્રાંતિ થયા પછી નવી લોકસભાનું ભવ્ય મકાન બની ગયું છે. એ જ રીતે કદાચ લોકશાહીની પણ ઉત્ક્રાંતિ થઈ ગઈ હશે !

*** 

આમાં જે સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો વગેરે દસમું પણ પાસ નથી થયા એ તો સાવ બચી ગયા ને ? એ લોકો તો ખભા ઉલાળીને કહેશે કે : 

‘અમને તો કોઈએ લોકશાહીના પાઠ જ ક્યાં ભણાવ્યા છે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments