સુવિચાર ? કે કુ-વિચાર?

ક્યારેક ક્યારેક આપણું અવળચંડુ દિમાગ એવા વિચારો કરે છે કે એને ‘સુવિચાર’ કહેવા કે ‘કુવિચાર’ એ જ સમજાતું નથી ! દાખલા તરીકે…

*** 

ઘરડા થવાની એક નિશાની એ છે કે કમર પહોળી થતી જાય છે અને દિમાગ સાંકડુ થતું જાય છે !

*** 

વાંઢાઓ પહેલી વાર પરણે કે ડોસાઓ બીજી-ત્રીજી વાર પરણે ત્યારે મહેંદીની રસમ સાથે ‘ડાઈ’ કરવાની પણ રસમ હોવી જોઈએ !

*** 

રાજકારણીઓ એક જ વાર સાચું બોલતા હોય છે ! ક્યારે ? જ્યારે તેઓ એકબીજાને ‘જુઠ્ઠા’ કહેતા હોય છે !

*** 

અમુક ટાઇપના બિઝનેસમેનો બહુ ‘બિઝી’ હોય છે. 

એનાથી ઊંચા ટાઈપના બિઝનેસમેનોનો ટાઇમ બહુ ‘કિંમતી’ હોય છે. 

પણ એમનાથી યે ઊંચી જાતના બિઝનેસમેનો એવા હોય છે જે હેર-કટિંગ સલુનમાં આવીને પૂછે છે : ‘કેટલી વાર લાગશે ?’

જો જવાબ મળે કે અડધો કલાક લાગશે, તો આ ઊંચી જાતનો બિઝનેસમેન ઘડિયાળમાં જોઈને કહેશે :

‘ઠીક છે, ત્યાં સુધીમાં બે કામ પતાવીને આવું છું. મારો નંબર આવે તો મને મિસ-કોલ મારજે ને !’

*** 

તમે નહીં માનો, પણ ત્રાજવાંની શોધ થઈ પછી જ છેતરપિંડીની શોધ થઈ છે !

*** 

અચ્છા, શું મને ખબર હતી, કે પાપડ એકમાત્ર એવી ચીજ છે કે તમે એને જ્યાંથી તોડવા માગતા હો ત્યાંથી એ કદી નહીં તૂટે !

*** 

માણસના મોઢા ઉપર સૌથી વધુ માસુમિયત ક્યારે દેખાય છે ? જ્યારે એ દુકાનદારને ફાટેલી નોટ આપી રહ્યો હોય છે !

*** 

બાકી, જે રીતે બોલીવૂડનો બહિષ્કાર થઈ રહ્યો છે તે જોતાં તો ગુટકા કંપનીના માલિકોએ જાતે જ એડ.માં આવવું પડશે ! શું કહો છો…

***

- મન્નુ શેખચલ્લી

Comments