અમારો બેખૌફ ખૂફિયા બેખબરપત્રી ક્યાંકથી કોઈ સાહેબની ડાયરીનાં છૂટક પાનાં શોધી લાવ્યો છે ! જુઓ એમાં શું લખ્યું છે…
***
આ સેંગોલવાળું સારું મળી ગયું… 75 વરસના ઇતિહાસને બદલે 750 વરસ જુના ઇતિહાસની વાતમાં જ લોકોને વધારે રસ પડે…
***
એમાં વળી જવાહરલાલની ‘બેદરકારી’ના પુરાવા મળી આવ્યા ! આ તો ભાવતું હતું ને વૈદ્યે કીધું…
***
વળી એ પણ સારું થયું કે આ રાજદંડ કયા ભગવાનના હાથમાં હતો, કયા રાજાના હાથમાં હતો એની વારતાઓ પણ ઘડનારાઓએ ઘડી કાઢી… મારે તો કોઈ નવી મહેનત જ ના કરવી પડી…
***
રાજદંડનું નામ પડ્યું એટલે રાજાની જ વાતો હોય ને ? આમાં લોકશાહીની તો વાત જ ક્યાંથી હોય ? આ પણ સારું ગોઠવાઈ ગયું !
***
આમેય મને દંડ યાને કે ડંડા સાથે રમવાની વધારે મઝા પડે છે… નોટબંધી વખતે, લોકો લાઈનમાં નથી ઊભા રહેતા ? મારો દંડા ! કોરોના વખતે, જ્યાં ત્યાં રખડવા નીકળ્યા ? મારો દંડા ! માસ્ક નથી પહેર્યું ? ભરો દંડ અથવા ખાઓ દંડા ! પહેલવાનો ક્યાંક ધરણાં પર બેઠા છે ? મારો દંડા…
***
જરીક મનમાં વિચાર આવી જાય છે કે આ રાજદંડ તો હમણાં શોધી કાઢ્યો. બાકી, આપણી પાસે CBI અને ED તો હતી જ ને ?
***
બિચારા વિરોધપક્ષો પણ વિચારતા હશે કે આ રાજદંડમાં એવું તે શું છે કે સાહેબે લાંબા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ?
તો એમાં એવું છે કે મેં મનોમન પ્રાર્થના કરેલી કે ભૈશાબ, મારા હાથમાં જ રહેજે… જતે દહાડે મારી જ પીઠ પાછળ ના ફરી વળતો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment