બોલો, ગુજરાતમાં 86 જેટલા અબજોપતિઓ એવા છે જેમની પાસે 1000 કરોડથી વધુ સંપત્તિ છે !
બહુ સારી વાત છે. પણ મારા જેવા મિડલ ક્લાસિયાઓને આવું સાંભળીને કેટલાક સાવ ભોળા સવાલો થાય છે ! જેમકે…
***
તમારા મોબાઈલમાં જ્યારે ‘શું લઈને દુનિયામાં આવ્યા હતા અને શું લઈને જવાના છો…’ એવા મેસેજો આવે છે ત્યારે તમે શું વિચારો છો ?
- મોબાઈલ લઈને તો જઈશું… એવું ?
***
અમને તો જ્ઞાની લોકો એવું જ્ઞાન આપે છે કે ‘મિત્રોથી મોટી કોઈ મૂડી નથી’…
તો સાહેબો, તમે આ ટાઈપની મૂડીને શેમાં ઇન્વેસ્ટ કરો છો ? જરા ટિપ્સ આપોને …!
***
અચ્છા, એક સાવ સીધો સાદો ભોળો સવાલ થાય છે કે જ્યારે તમે એવું સાંભળો કે ‘પેટ્રોલના ભાવ રાતોરાત 4 રૂપિયા વધી ગયા…’
- ત્યારે તમને શું એવા વિચારો આવે છે કે ‘બોસ, હવે આ પ્રાયવેટ હેલિકોપ્ટર મોંઘું પડે છે હોં ! ડિઝલવાળું નીકળ્યું હોય તો આ કાઢીને એ લઈ લેવું છે…’
- કે પછી એવો વિચાર આવે છે કે ‘એ બધું છોડને, આપણે હેલિકોપ્ટરમાં CNGની કિટ નંખાવી દઈએ, એટલે પત્યું !’
***
અચ્છા, તમે લોકો સિઝનના ઘઉં સામટા ભરી રાખો છો કે પછી આખું વરસ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવતા રહો છો?
- સોરી, તમે લોકો તો અગાઉથી આખું ખેતર જ બુક કરી લેતા હશો, નહીં ?
***
અને સાચું બોલજો, સરકારે વરસોથી આટલા બધા ટેક્સ ના નાંખ્યા હોત તો તમારી પાસે આના કરતાં ય વધારે પૈસા હોત કે નહીં ? ના ના, સાચું બોલજો…
***
અને છેલ્લે સાવ ભોળો સવાલ :
આ આપણું આધારકાર્ડ પાનકાર્ડ જોડે લિન્ક કરવાના 1000 રૂપિયા માગે છે એ તમને બી વધારે તો લાગે જ છે ને ?
- બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment