અદાણીનો FPO કેમ પાછો ખેંચાઈ ગયો ? અદાણીની કંપનીઓના શેર કેમ 50 ટકા જેટલા ગગડી ગયા ? રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયા કયા ધોબીઘાટ ઉપર ધોવાઈ ગયા ?
આ બધા સવાલો અઘરા છે ને ! એટલે જ એની જોક્સ પણ અઘરી છે… સમજાય તેને સલામ અને ના સમજે તેનું ધોવાણ !
***
અદાણીના FPOમાં શું થયું ?
અદાણીએ FPO બહાર પાડ્યો. અદાણીએ જ એમાં પૈસા નાખીને ફૂલ્લી સબસ્ક્રાઈબ કર્યો. પછી અદાણીએ જ અદાણીને પૈસા પાછા આપી દીધા !
શા માટે ?
કેમકે પેલા જે 3 ટકા રીટેઈલ રોકાણકારો હતા ને, એમને વિશ્વાસ અપાવવાનો હતો કે બધું બરોબર છે !
***
અદાણી દુનિયાના અબજપતિઓમાં છેક ત્રીજને નંબરે શી રીતે ઉડતા હતા ?
ગેસ…. અદાણી ગેસ !
અદાણીનો ભારતમાં આટલો દબદબો શા માટે હતો ?
પાવર… અદાણી પાવર !
તો પછી અદાણીની હવા કેમ અચાનક નીકળી ગઈ ?
સિમ્પલ છે..
એ મંડ્યા હતા… ગ્રીન એનર્જી, ગ્રીન પાવર, ગ્રીન એનવાયરન્મેન્ટ…
આમાં ક્યાંય ‘સેફ્રોન’ તો હતું જ નહીં !
***
અદાણીએ એના સેક્રેટરીને પૂછ્યું : ‘આપણું માર્કેટ-કેપ આટલું ઘટી ગયું એની પાછળની હકીકત શું છે ?’
સેક્રેટરી : સાહેબ, હકીકત શોધી લાવે એવી એક જ ન્યુઝ ચેનલ હતી ! એ તો તમે ખરીદી લીધી !
***
ટેસ્લાએ ટ્વીટર ખરીદવાની વાત કરી…
ટ્વીટરના ભાવ ગગડી ગયા.
ટેસ્લાએ ટ્વીટરમાંથી હજારોની છટણી કરી…
ટેસ્લાના ભાવ ગગડી ગયા.
ગુગલ સામે અમેરિકન કોર્ટનો ચૂકાદો આવ્યો…
ગુગલના ભાવ ગગડી ગયા.
ફેસબુકે મેટાવર્સ પ્રોગ્રામ મુલતવી રાખ્યો…
ફેસબુકના ભાવ ગગડી ગયા.
આ બધા પાછળ શું અમેરિકાને તોડી નાંખવાનું કાવતરું હતું ?
ના ના… આ તો જસ્ટ, દેશ પ્રેમ ઉભરાઈ આવ્યો છે એટલે યાદ આવ્યું.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment