એક આંતરરાષ્ટ્રિય સંસ્થા દર વરસે વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સ નામની જોક બહાર પાડે છે ! આમાં જરા ડિટેલમાં ઉતરીએ તો ડગલે ને પગલે હસવું આવ્યા વિના રહેશે નહીં ! જેમકે…
***
જે દેશમાં પેટ્રોલ 450 રૂપિયે લિટર છે, લોટ માટે લૂંટાલૂંટ ચાલે છે, ચા 1600 રૂપિયે કિલો છે, ચિકન મીટ 720 રૂપિયે કિલો છે અને દેશના ત્રીજા ભાગમાં વારંવાર વીજળી ડૂલ થવાથી અંધારપટ થઈ જાય છે…
- એ પાકિસ્તાન નામનો દેશ હેપ્પીનેસમાં ભારત કરતાં 33 ક્રમે આગળ છે ! બોલો.
***
એ જ રીતે શ્રીલંકા, જ્યાં અનાજ ખતમ, પેટ્રોલ ખતમ, વીજળી ખતમ, આખેઆખી અર્થ-વ્યવસ્થા ખતમ, પ્રજાની ધીરજ ખતમ અને દેશની નેતાગિરી પણ ખતમ …
- એ દેશ ભારત કરતાં 10 ક્રમે વધારે હેપ્પી છે ! જી હા.
***
હજી હસવું નથી આવતું ? તો સાંભળો…
જે દેશમાંથી લાખો ઘૂસણખોરો બોર્ડર પાર કરીને ભારતમાં ઘૂસે છે, અહીં આવીને રેશનકાર્ડ, આધારકાર્ડ અને મતદાર કાર્ડ પણ બનાવીને ઝૂંપડપટ્ટીઓમાં જીવે છે…
- એ બાંગ્લાદેશ નામનો દેશ તો પાકિસ્તાન કરતાં ય 4 ક્રમ આગળ છે ! શ્રીલંકા કરતા 27 ક્રમ આગળ છે અને ભારત કરતાં 37 ક્રમ આગળ છે !
બોલો, હસવું આવે છે રડવું ?
***
અને...
જ્યાં રોજ સવારે કરોડો લોકોના મોબાઈલમાં દસ પંદર નવી જોક્સ આવે છે, જ્યાં કપિલ શર્મા નામનો શો જોઈને દેશના કરોડો લોકો ખડખડાટ હસે છે, અરે, જ્યાં દેશના વિરોધપક્ષના એક નેતાની ભોળી વાતો જ પેટ પકડીને સૌને હસાવે છે…
- એ ભારત નામના દેશ કરતાં ફક્ત દસ દેશો વધારે દુઃખી છે ! ગુડ જોક, નો ?
***
અને અમેરિકા નામનો દેશ, જ્યાંના લોકો ગન વડે ગોળીઓ ચલાવીને દર વરસે 20,000 લોકોને ખુશી ખુશી મારી નાંખે છે, જ્યાંના સૈનિકો દુનિયાભરના દેશોમાં હસતાં હસતાં યુદ્ધો કરવા પહોંચી જાય છે અને જ્યાં ‘હેટ ક્રાઈમ’ની સંખ્યા વરસે 15000 છે…
- એ દુનિયાના સૌથી ખુશ દેશોમાં 19મા નંબરે છે ! વૉટ અ જોક.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment