ફિલ્મ ઉદ્યોગનું સરકારીકરણ !?

પેલી ‘પઠાન’ નામની ફિલ્મે 1000 કરોડનો વકરો કરી લીધો એ વાતથી સરકારમાં કેટલાક લોકોને તકલીફ છે. એ જ રીતે ‘પઠાન’ સિવાયની બાકીની સિત્તોતેર બોલીવૂડની મુવીઝ ચાલી નથી એ વાતથી બોલીવૂડમાં પણ ઘણા લોકોને તકલીફ છે.

આના કારણે એક સમય એવો આવશે કે જ્યારે આ ફિલ્મ નામના ‘ઉદ્યોગ’ને સ્થિરતા આપવા માટે સરકારે એમાં હસ્તક્ષેપ કરવો પડશે. … તો વિચારો, એવા વખતે શું શું થશે ?

*** 

લોન લેવા વાર્તા કહેવી પડશે
હવે સરકારના પ્રિય હોય એવા ઉદ્યોગપતિઓને ફિલ્મો બનાવવા માટે સરળતાથી લોન મળતી થઈ જશે. પરંતુ એમાંથી થશે શું, કે બેન્કના મેનેજરો બહુ ભાવ ખાતા થઈ જશે ! કહેશે કે ‘પહલે બતાઓ, કહાની ક્યા હૈ ?’

એટલે બિચારા પ્રોડ્યુસરો (યાને કે ઉદ્યોગપતિઓના સાળા, ભાણા, ભત્રીજા વગેરે) એ પોતાની સાથે હિરોઈનો, ડાન્સરો તથા લેખકોને લઈ જઈને વાર્તા સંભળાવવી પડશે. આમાં થશે એવું કે સ્ટોરી ઝટપટ પાસ થઈ જાય એના માટે લેખકો વાર્તામાં ક્યાંકને ક્યાંક કોઈ બેન્ક મેનેજરનું પાત્ર ઘુસાડશે !

જતે દહાડે એવું બનશે કે દસમાંથી સાત હિન્દી ફિલ્મોમાં હીરો બેન્ક મેનેજરનું પાત્ર ભજવતો હશે ! એટલું જ નહીં, સ્ટોરીઓ છેક સ્વીસ બેંક સુધી લંબાશે એટલે ‘પ્રોજેક્ટ સુપરવીઝન’ના બહાને બેન્ક મેનેજરો સ્વીટઝરલેન્ડમાં ફરવા પહોંચી જશે !

*** 

મોનોપોલી એક્ટ આવશે
યશરાજ અને ધર્મા પ્રોડક્શન જેવાં પ્રોડક્શન હાઉસો આ ઉદ્યોગ ઉપર મોનોપોલી ના જમાવી શકે એટલા માટે એવો નિયમ બનશે કે કોઈપણ પ્રોડક્શન હાઉસ વરસની ત્રણથી વધારે ફિલ્મો નહીં બનાવી શકે ! એટલું જ નહીં, તેને ત્રણથી વધારે થિયેટરોમાં રિલીઝ નહીં કરી શકે અને તેના ત્રણથી વધારે શો નહીં રાખી શકે. (જેથી 300 કરોડનો કદી વકરો થાય નહીં ! અને બાકીની ફિલ્મોને ‘લેવલ પ્લેઈંગ’ ગ્રાઉન્ડ મળી શકશે. બોલો કેટલું સારું !)

*** 

રિઝર્વેશન પોલીસી આવશે
જોકે એનું નામ ‘લઘુ-ફિલ્મ-ઉદ્યોગ’ અથવા ‘અંત્યોદય ફિલ્મનિર્માણ’ એવું કંઈક હશે. જેમાં દરેક કલાકારે ‘પિછડી જાતિ’નું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. જેથી કરીને પિછડી જાતિની સમસ્યાઓ વિશે પિછડી જાતિનો પ્રોડ્યુસર, પિછડી જાતિના લેખકે લખેલી વારતા, ઉપરથી પિછડી જાતિના હિરો, પિછડી જાતિની હિરોઈનો તથા પિછડી જાતિના વિલન વગેરેને લઈને પિછડી જાતિના ઓડિયન્સ માટે ફિલ્મો બનાવશે… જેના માટે દરેક થિયેટરની 49 ટકા સીટો પિછડી જાતિના પ્રેક્ષકો માટે અનામત રાખવામાં આવશે.

*** 

નવી જાતનાં કૌભાંડ થશે
દાખલા તરીકે હવાહવાઈ એન્ટરપ્રાઈઝ નામની કંપની વરસની ત્રણને બદલે માત્ર એક જ ફિલ્મ બનાવવા માટે 3000 કરોડ રૂપિયાની લોન પાસ કરાવશે. લોન પાસ થયાના સમાચાર મળતાં જ હવાહવાઈ એન્ટરટેઇનમેન્ટના લિસ્ટેડ શેરની કિંમતમાં ભારે ઉછાળો આવશે જેના કારણે તેમને મોરેશિયસ તથા મલેશિયાની ઓવરસીઝ ફિલ્મ કંપનીઓનું 30,000 કરોડનું વર્કીંગ કેપિટલ મળી જશે ! 

એટલું જ નહીં, આના લીધે હવાહવાઈ ઇન્ટરનેશનલ દુનિયાના 149 દેશો સાથે 300 બિલિયન ડોલરના MOU કરી નાંખશે… જેના કારણે… હવાહવાઈની આ ફિલ્મમાં જેને એકસ્ટ્રા કલાકારનો રોલ મળવાનો છે તે એકટર ભટીંડાના કોઈ લગ્નનીણ બારાતમાં નાચવાના એક નાઈટના 12 લાખ રૂપિયા માગતો થઈ જશે ! 

(બોસ, આને કહેવાય વિકાસ.)

*** 

નવી ઇન્શ્યોરન્સ પોલીસી હશે
હવે તો સૌ જાણે છે કે ફિલ્મ ભલે ગમે તેવી હોય પરંતુ જ્યાં સુધી એનો વિરોધ ના થાય, બહિષ્કાર ના થાય, તોડફોડ ના થાય, ધમકીઓ ના અપાય અને સોશિયલ મિડીયામાં ગાળાગાળી ના થાય ત્યાં સુધી ફિલ્મની હિટ જવાની કોઈ જ ગેરંટી નથી ! આના કારણે નવી વીમા પોલીસીઓ આવશે ! જેમાં મિનિમમ 100 કરોડના વકરા સામે વીમો ઉતારી આપવામાં આવશે !

કહેવાની જરૂર નથી કે આ જ વીમા કંપનીઓ તેનો વિરોધ પણ કરાવશે, તોડફોડ પણ કરાવશે અને પાછલે બારણે રાજકીય કનેક્શનો વડે ફિલ્મની કમાણીમાં 20 ટકાની પાર્ટનરશીપ રાખીને એ જ પૈસામાંથી નુકસાનીની રકમની ચૂકવણી પણ કરશે ! (છે ને સાવ નવું બિઝનેસ મોડલ ?)

*** 

નવા એવોર્ડો હશે
સ્વાભાવિક છે, સરકાર કલાનાં દરેક ક્ષેત્રની વિભૂતિઓને એવોર્ડોની નવાજેશ કરે જ છે. એટલે ફિલ્મી વિભૂતિઓ માટે ખાસ ‘છદ્મશ્રી’ ‘છદ્મવિભૂષણ’ અને ‘છદ્મરત્ન’ જેવા એવોર્ડો દરેક ભાષામાં અને દરેક રાજ્યદીઠ આપવામાં આવશે. જલસા કરો.

*** 

પ્રેક્ષકોનું શું ?
આ સવાલ જ અસ્થાને છે કેમકે અમુક ચોક્કસ ફિલ્મો સુપરહિટ છે એવું બતાડવા માટે ગામડે ગામડેથી ટ્રકો, ટ્રેક્ટરો અને સરકારી બસોમાં ભરી ભરીને પ્રેક્ષકો લાવવામાં આવશે ! અને હા, આવા શોમાં 'મોટેરા' મહેમાનો હાજર હશે, અને એથી યે 'મોટેરા' સ્ટેડિયમોમાં શો ચાલતા હશે ! જય સિનેમા.

***

- મન્નુ શેખચલ્લી


E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment