અમુક સમાચારો, અમુક ઘટનાઓ, અમુક મંતવ્યો, અમુક આંકડાઓ… આ બધામાં સ્હેજ માથું ખંજવાળીને વિચારો તો થશે કે….
- ક્યાંક કંઈક ગડબડ છે ! જુઓ.
***
કહે છે કે પાકિસ્તાન પાસે હવે ફક્ત ત્રણ જ અઠવાડિયાં ચાલે એટલું વિદેશી હૂંડિયામણ બચ્યું છે ?
હા, પણ આવું તો આપણે છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી સાંભળી રહ્યા છીએ !
- કંઈક ગડબડ છે.
***
કહે છે કે, (હા ભારતના બુદ્ધિજીવી લોકો હે છે, બોઘા ડફોળો નહીં) … કે રાહુલ ગાંધી હવે મેચ્યોર થઈ રહ્યા છે.
હા. પણ આવું તો આપણે છેલ્લાં 19 વરસથી સાંભળી રહ્યા છીએ !
રાહુલબાબા પંચાવનના થયા !
- ભૈશાબ, કંઈક તો ગડબડ છે.
***
મોદીજી કહેતા હતા કે ભારતના ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થઈ જશે !
હા, પણ પછી શું થયું ?
- કંઈક ગડબડ છે.
***
કહે છે કે યુક્રેન યુધ્ધ માટે રશિયામાં ખુદ રશિયા સામે જ ભારે વિરોધ છે… પુતિનની ગાદી હવે સલામત નથી… પુતિનની તબિયત એટલી ખરાબ છે કે કોઈપણ દિવસે હોસ્પિટલ ભેગા થવાનો વારો આવશે…
હા, ભઈ હા, પરંતુ યુક્રેન યુધ્ધને આજે 353 દિવસ થઈ ગયા !
- કંઈક તો ગડબડ છે.
***
છેલ્લાં 20 વરસથી દુનિયાના મોટા મોટા દેશો ગ્લોબલ ‘વોર્મિંગ’ને અટકાવવા માટે કોન્ફરન્સો કરી રહ્યા છે…
પણ છેલ્લા પાંચ વરસમાં દર શિયાળે યુરોપ, અમેરિકા, કેનેડા અને ઇંગ્લેન્ડમાં ભયાનક ‘કોલ્ડ-વેવ’ આવી રહ્યાં છે.
- કંઈક તો ગડબડ છે.
***
અને હા, કહે છે કે ભારત એક દિવસ વિશ્વગુરુ બની જવાનું છે…
- પણ સોરી, એમાં હજી તો કોઈ ગડબડ નથી, હોં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment