વેલેન્ટાઈનસ્ય દ્વિતીય દિવસે... !

જે રીતે ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ ગુજરાતી છાપાંના કોલમિસ્ટોને ‘કાલિદાસેરિયા’ નામનો ચેપ લાગુ પડે છે એ જ રીતે ગુજરાતનાં પ્રેમી પંખીડાઓને ફેબ્રુઆરીસ્ય ચતુર્થદર્શમ્ દિવસે ‘લવેરિયા’નો ચેપ લાગે છે ! હા ભઈ હા, પરંતુ વેલેન્ટાઈન-ડેના બીજા દિવસે શું ?

એ દિવસે ભગ્ન-હૃદય પ્રેમીઓ યાને કે બ્રોકન હાર્ટ સર્જરીના પેશન્ટોનાં પ્રેમનું બેસણું હોય છે ! અગરબત્તીની સામે બાષ્પીભવન પામી ચૂકેલી પ્રેમની વરાળનો ધૂંધળો ફોટો હોય છે… ફોટા ઉપર સુખડનો નહીં પણ દુઃખડનો હાર ચડાવેલો હોય છે… અને સામેની થાળીમાં પ્રેમિકાએ રિજેક્ટ કરેલાં ગુલાબનાં ફૂલોની વીંખાઈ ગયેલી પાંખડીઓનો ઢગલો હોય છે !

ઉપરથી ટ્રેજેડી એ કે જે લોકો સાંત્વના આપવા આવે છે એ પોતાના ખિસ્સામાંથી દસ-વીસ રૂપિયાની જે નોટો મુકે છે એમાંથી જે રાતે ખરખરો કરવા માટે બાટલી મંગાવવાની છે ! (આને કહેવાય કમીના દોસ્તો ! હરામખોરો પોતે જ જોડે બેસીને મોટા ભાગનું પી જવાના છે છતાંય કોઈ સો-બસ્સોનું કોન્ટ્રિબ્યુશન નહીં કરે.)

હદ તો ત્યાં થતી હોય છે કે એ હરામખોરોને સદગત દિલના તૂટવાની ઘટના શી રીતે અને ક્યારે બની એવું પૂછવાનું તો સૂઝતું જ નથી. ઉપરથી હલકટો એમ પૂછે છે કે ‘તારી જોડે કેટલા રૂપિયાનું કરીને ગઈ ?’ જાણે પોતે જે મૂડી-રોકાણો કરીને બેઠા છે એ સલામત હોય ! 

એમાંના અમુક હરામીઓ એવા હોય છે કે ગઈકાલે એમનાં મૂડી-રોકાણનું કેટલું વ્યાજ કઈ રીતે અને ક્યાં ક્યાંથી વસૂલ કર્યું એની દાસ્તાનો પેલો ના સાંભળવા માગતો હોય છતાં છેક એના કાનમાં સંભળાય એ રીતે બીજા છ રોમિયોને મોટે મોટેથી સંભળાવશે !

કહેવાય છે કે જ્યારે છોકરીઓનું દિલ તૂટે છે ત્યારે એ ખુબ બધી ચોકલેટો ખાવા માંડે છે. પરંતુ અંદરની હકીકત એ છે કે એ તમામ ચોકલેટો પેલા દિલ તોડનારા બોયફ્રેન્ડ સિવાયના જે બીજા બે ડઝન બોયફ્રેન્ડો છે એમણે જ આપેલી હોય છે !

વેલેન્ટાઈન-ડેના દિવસે બિચારા ગિફ્ટ-શોપવાળા કદી ‘એક હાર્ટ ઉપર બીજું ફ્રી’ એવી સ્કીમો રાખી શકતા નથી પણ સ્માર્ટ છોકરીઓ હંમેશા એક સ્ટેડી બોયફ્રેન્ડ સાથે બીજા બે ડઝન બોયફ્રેન્ડોને ‘ફ્રી’માં સ્ટેન્ડ-બાય રાખતી હોય છે.

પણ છોકરાઓ ? એમનાં તૂટેલાં દિલનું એક જ ફેવિકોલ હોય છે… બાટલી ! તમને શું લાગે છે, ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’વાળા ગાયનને યુ-ટ્યુબ ઉપર 192 મિલિયન વ્યુઝ આપનારાઓ કોણ છે ? આ જ, વેલેન્ટાઈનસ્ય દ્વિતિય દિવસેવાળા ! 

એમાં કવિરાજના શબ્દો જરા ધ્યાનથી સાંભળજો : ‘હાથમાં છે વ્હીસ્કીને આંખમાં છે પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની…’ મતલબ કે વ્હીસ્કીમાં જે પાણી ઉમેરવાનું થાય એનો સપ્લાય આંખનાં આંસુઓમાંથી આવી રહ્યો છે ! (સાલી વ્હીસ્કી સ્હેજ ખારી લાગે તોય કોને જાય ? એની બેવફાને?)

આની સામે ગીતા રબારીએ કેમ એવું નથી ગાયું કે ‘બાથમાં છે ટેડી-બેર ને હાથમાં છે ચોકલેટ, ગિફ્ટ-શોપવાળા તારી બહુ મહેરબાની…’ આનું કારણ એટલું જ કે છોકરીઓ પાસે વેલેન્ટાઈનસ્ય દ્વિતિય દિવસે કશું ગુમાવવાનું હોતું જ નથી !

છોકરીઓ ધારે તો છાપામાં ટચૂકડી જાxખ આપી શકે કે ‘સ્ટોક કાઢવાનો છે ! ખાલી કરવાના ભાવે…!’ નીચે વિગતમાં લખ્યું હોય કે ‘વેલન્ટાઈન ડે નિમિત્તે ગિફ્ટમાં મળેલાં બે ડઝન ટેડી-બેર, સવા બે ડઝન હાર્ટ-શેપનાં ઓશિકાં, અઢી ડઝન રોમેન્ટિક ફોટો-ફ્રેમો, ત્રણ ડઝન આઈ લવ યુ કાર્ડ્ઝ અને સવા ચાર કિલો ગુલાબોનો ડેડ-સ્ટોક તાત્કાલિક ભંગારના ભાવે કાઢવાનો છે ! ફૂલ બજાર માટે 50 ટકા અને ગિફ્ટ-શોપ્સ માટે 40 ટકા ડિસ્કાઉન્ટ…!’

આ બાજુ, છોકરાઓના વેલેન્ટાઈનસ્ય દ્વિતિય દિવસની શરૂઆત તો ખરેખર 14મીએ રાતના બાર વાગ્યાથી જ સ્ટાર્ટ થઈ જાય છે. પણ બિચારો રાત્રે બે વાગ્યા લગી પથારીમાં પડ્યો પડ્યો રાહ જોતો રહે છે કે મોબાઈલમાં હમણાં મેસેજ આવશે : ‘મેલા શોનાબાબુ શો ગયા થા, ક્યા ?’

છેવટે 15મીએ આની પૂર્ણાહૂતિની વિધિ મદિરા-રૂદન સાથે શરૂ થાય છે અને મદિરા-ગાલિપ્રદાન સાથે આગળ વધે છે. એમાં પેલાની હાર્ટ-સર્જરીના ઘાવમાં મલમ લગાડવા માટે હરામી દોસ્તો મદિરામાં નિંદારસ ઉમેરે છે : ‘જવા દે ને, એ તો સાલી છે જ એવી… તને શું કહું, એ તો સાલી ફલાણા સાથે, ઢીંકણા જોડે, અરે બકા, મારી જોડે બી ચાલુ હતી !’

આમાંને આમાં દોસ્તોનો નિર્દોષ મલમ ઘાવ ઉપર નમકનું કામ કરી બેસે છે ! જેના કારણે છંછેડાયેલો બકો પેલાની ફેંટ પકડીને ગુંબાવાળી કરવા લાગે છે કે ‘સ્સ્સાલા ? હલકટ ? તારી ભાભી માટે આવું બોલે છે ? તારી તો… હમણાં…’

બસ, આ જ રીતે આપણું ‘વેલેન્ટાઈનસ્ય દ્વિતિય દિવસે'ની વિધિ સંપન્ન થાય છે. સી યુ નેકસ્ટ યર.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments