લગ્નોમાં જોવાલાયક નમૂના !


આમ તો બધાં લગ્નો લગભગ સરખાં જ હોય છે, માત્ર વર કન્યાનાં પાત્રો બદલાય છે. પરંતુ દરેક લગ્નમાં અમુક કેરેક્ટરો ખરેખર જોવાલાયક હોય છે. જેમકે…

*** 

દરેક લગ્નમાં એક સિનિયર સિટીઝન આન્ટી એવાં જરૂર હશે જે ગરબામાં તો બાર-બાર રાઉન્ડ જોશથી ફરતાં હશે…
પણ બુફે ડિનર વખતે એક ટેબલ પકડીને બેસી જશે ! કહેશે ‘ભૈશાબ, મને તો અહીં જ ડીશમાં આપી દો !’

*** 

દરેક લગ્નમાં એકાદ ફેમિલી તો એવું જરૂર હશે જે એડ્રેસના લોચાને કારણે કોઈ બીજા જ પાર્ટી પ્લોટનો ધક્કો ખાઈને અહીં આવતું હશે…
સાથે સાથે એકાદ ફેમિલી એવું પણ જરૂર હશે જે જાણીજોઈને અજાણ્યા બનીને આવશે, પેટ ભરીને જમશે અને પછી ‘હાય હાય ! આ તો બીજું જ લગન છે !’ એમ કહીને ચાંલ્લો કર્યા વિના જતું રહેશે !

*** 

દરેક લગ્નમાં એકાદ NRI એવા હશે જે રગડા પેટિસ, ચીઝ-પકોડા, પનીર મસાલા, તળેલાં ગોટા અને પાન-મસાલા-માવા બધું જ દાબી દાબીને ખાશે…
… છતાં પાણી તો પોતાની સાથે લાવેલી ડઝનબંધ મિનરલ વોટર બોટલનું જ પીશે ! કેમ ? તો કહેશે. ‘યુસી, ઇન્ડિયાના વોટરથી પેટમાં તકલીફ થાય છે !’

*** 

દરેક લગ્નમાં એકાદ NRI એવો પણ હશે જે વરઘોડામાં DJના મ્યુઝિક ઉપર નાચશે, ગાશે, ચીસો પાડશે… બધું જ કરશે…
પણ રાત્રે સૂતાં પહેલાં શીખામણ આપશે કે ‘અમારા ફોરેન કન્ટ્રીમાં જો આટલો બધો નોઈઝ કરે તો પોલીસ પકડીને લઈ જાય !’

*** 

અને દરેક લગ્નમાં તમને દૂરનાં છતાં ખાસ હોય એવાં સગાં વ્હાલાં જરૂરથી મળશે…
… જે તમને સાત વરસથી ફક્ત લગ્નોમાં જ મળતાં હોય છે ! એ છતાં બન્ને લોકો એકબીજાને કહેતા હશે :
‘તમે તો કદી અમારે ત્યાં આવતા જ નથી ! બોલો, ક્યારે આવો છો ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments