‘તમામ સબૂતોં ઔર ગવાહો કે બયાનાત કો મદ્દેનઝર રખતે હૂએ અદાલત યે નતીજે પે પહુંચી હૈ કિ….’ આવું કડક ઉર્દૂમાં બોલાતું કોર્ટનું જજમેન્ટ આપણે જૂની ફિલ્મોમાં સાંભળતા હતા ને ? પછી મોટા થયા ત્યારે ખબર પડી કે બોસ, ઇન્ડિયાની મોટી મોટી કોર્ટોમાં તો બધો વહેવાર ઇંગ્લીશમાં જ ચાલે છે ! આજની તારીખે પણ એકેય જજમેન્ટ એવા કડક ઉર્દૂમાં અપાતા જ નથી ! બોલો.
એ જ રીતે ‘તાઝિરાત-એ-હિન્દ… દફા તીન સૌ દો’ યાને કે ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 મર્ડર માટે હોય છે, એ સિવાય બીજી ‘તાઝિરાતો’ કઈ હતી એની ખબર જ નહોતી. પરંતુ IPC 420 હકીકતમાં ઠગાઈ, છેતરપીંડીની કલમ છે એવું તો રાજકપૂરની શ્રી420 જોતી વખતેય ક્યાં ખબર હતી !
જુની હિન્દી ફિલ્મોમાં બતાવેલી કોર્ટો જોઈને અમે તો એમ જ માનતા થઈ ગયેલા કે ત્યાં બધા વકીલો મોટી મોટી ડાયલોગબાજીઓ જ કરતા હશે ! પરંતુ એક વાર અમારા એક વકીલ મિત્રને એની સ્મોલ-કોઝ કોર્ટમાં મળવા ગયા ત્યારે રીતસરના ડઘાઈ જ ગયેલા ! કેમકે ભાઈશ્રી કોર્ટની બહાર, પતરાંના છાપરાં નીચે, બીજા ડઝનબંધ મામૂલી વકીલોની જેમ એક લોખંડનું ટેબલ અને એક લોખંડની ખુરશી લઈને બેઠા હતા !
એટલું જ નહીં, પેલાં ખુરશી-ટેબલ રાત્રે કોઈ ચોરી ના જાય એટલા માટે ઘરે જતાં પહેલાં તેને સાંકળ વડે છાપરાંના લોખંડી થાંભલા સાથે બાંધીને તાળું મારવું પડતું હતું ! મેં પૂછ્યું કે ‘અલ્યા, તમારી કોર્ટમાં જ ચોરી થઈ જાય ?’ તો કહે, ‘ચોરી થાય એનો પ્રોબ્લેમ નથી, પણ ચોર પકડાઈ જાય એ પછી પણ ગુનો સાબિત થતાં મહિનાઓ લાગી જાય ! ઉપરથી મુદ્દામાલ (ખુરશી ટેબલ) પાછાં ના પણ મળે !’
બોલો, અસલી કોર્ટ અને જુની ફિલ્મોની ફિલ્મી કોર્ટો વચ્ચે કેવું આભ-જમીનનું અંતર હતું ? એ તો 2013માં બનેલી જોલી LLB નામની ફિલ્મ આવી ત્યારે નવાઈ લાગી કે બોસ, અસલી કોર્ટો આટલી બોરિંગ હોય છે ? પણ જુની ફિલ્મોમાં કોર્ટ-રૂમ ડ્રામાની જે મઝા હતી એ તો નવી ફિલ્મોમાં રહી જ નહીં !
અમે તો સ્કુલમાં પણ માસ્તરે પૂછેલા સવાલનો જવાબ કોઈ છોકરો સાવ ખોટો આપી રહ્યો હોય તો બૂમ પાડી ઉઠતા હતા : ‘ઓબ્જેક્શન મિ. લોર્ડ !’ ક્લાસમાં છોકરાંની ધાંધલ ધમાલ વધી જાય ત્યારે એમને શાંત કરવા માટે માસ્તર જ્યારે ટેબલ ઉપર ડસ્ટર પછાડતા ત્યારે અમને કાનમાં ‘ઓર્ડર ! ઓર્ડર !’ ના ભણકારા વાગતા હતા !
1960માં બી આર ચોપરાએ બનાવેલી ‘કાનૂન’ ફિલ્મ આવી ત્યારે ગામેગામ એવી વાત ફેલાઈ ગયેલી કે ‘આખ્ખુ પિચ્ચર ગાયન વિનાનું જ છે !’ એમાં પાછું સસ્પેન્સ એવું ખુલે કે જે કાકો જજ તરીકે બેઠો છે એ પોતે જ ખૂની છે ! બોલો. પણ એ કાકો (અશોકકુમાર) વકીલ (રાજેન્દ્રકુમાર)નો સગ્ગો સસરો બનવાનો હોય છે એટલે સસ્પેન્સમાં નવું સસ્પેન્સ એવું ઘુસાડેલું કે અશોકકુમારનો ડબલ-રોલ હતો !
જે હોય તે, જુની ફિલ્મોમાં કોર્ટના સીનો આવે ત્યારે ભલભલા પ્રેક્ષકો (જે મારામારીના ઢીશૂમ ઢીશૂમમાં પણ ઊંઘી જતા હોય એવા પણ) પોતાની ખુરશીની ધાર ઉપર આવીને ગરદન લાંબી કરીને બેસી જતા હતા !
અરે, સાઉન્ડ રેકોર્ડીંગ પણ કેવું ? સાક્ષીના પિંજરામાં કોઈને બોલાવે તો એનાં બૂટ કે સેન્ડલનો અવાજ પણ આખી કોર્ટમાં (પિન ડ્રોપ સાયલન્સ વચ્ચે) સંભળાતો હતો ! અમુક વાર કેસમાં મોટો ખુલાસો થાય ત્યારે ઢેન્ટેણેન… મ્યુઝિકને બદલે કોર્ટમાં બેઠેલી ભીડનો કોલાહલ જ સંભળાતો ! (પછી તરત જ પેલો હથોડો પછાડીને જજ બોલે : ‘ઓર્ડર ! ઓર્ડર !’)
જજ બનનારા એક્ટરોનાં ડાચાંનો નક્શો પણ ફીક્સ હતો : જડબાં પહોળાં હોવાં જોઈએ, આંખો ખતરનાક અને માથે ટાલ કાં તો બનાવટી ધોળા વાળની વિગ ! આમાં પેલા મુરાદ નામના કલાકાર હંમેશાં બહુ ‘ઝેરી’ લાગતા હતા. કે. એન. સિંઘ પણ જજ તરીકે ઝેરી લાગતા હતા.
‘આવારા’માં રાજ કપૂરના બાપા (સ્ટોરીમાં પણ બાપા હતા) પૃથ્વીરાજ કપૂરનું પણ જબરું વજન પડતું હતું. જોકે એમાં સાવ મામૂલી ચોરમાંથી ખૂનના આરોપી બનેલા રાજકપૂરને શા માટે પ્રાણી સંગ્રહાલય જેવા પાંજરામાં ઊભો રાખતા હતા એ હજી સુધી સમજાયું નથી.
જુની ફિલ્મોની કોર્ટોનો સૌથી મોટો ફાયદો એ હતો કે એક-બે હિયરીંગમાં જ કેસનો ફેંસલો આવી જતો હતો. (પંદર-વીસ મુદતો પડી હોય એવું તો ડાયલોગમાં પણ નહોતું સાંભળવા મળતું) એ તો ઠીક, લગભગ દરેક ફિલ્મમાં ચાલુ કેસે કોઈને કોઈ ઢેન્ટેણેન… કરતું કોર્ટમાં ધસી આવતું હતું અને ‘ઇકબાલ-એ-જુર્મ’ કરીને આખી ફિલ્મનો ધી એન્ડ લાવી મુકતું હતું !
જે હોય તે, આજકાલની ફિલ્મોમાં કોર્ટો એટલી બોરિંગ થઈ ગઈ છે કે જો પેલા આતંકવાદી કસાબનો કેસ ઉપરથી બનાવેલી ફિલ્મ બનાવે તોય બધાને ઊંઘ આવી જવાની શક્યતા છે ! શું કહો છો ! આમાં વાંક ફિલ્મોનો નથી, કોર્ટોનો છે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Great. Observation
ReplyDelete