જુની ફિલ્મોના ૩૧ ઝેરોક્ષ નકલ જેવા ડાયલોગ !

‘તારીખ પે તારીખ… તારીખ પે તારીખ…’ આ એક સુપર ફેમસ ડાલોગ એવો હતો જે ફિલ્મી કોર્ટો વિશેના અગાઉના લેખમાં લખવાનો રહી ગયો હતો. એમ તો બીજા ચીલાચાલુ ફિલ્મી કોર્ટના ડાયલોગો પણ સમન્સ બજાવ્યા છતાં હાજર નહોતા. જેમકે…

(1) 'મૌકા એ વારદાત પર મકતૂલ કી ઉંગલીયોં કે નિશાન પાયા જાના ઇસ બાત કી ગવાહી હૈ કિ કત્લ ઉસીને કિયા હૈ !’ 
(2) ‘મેરે કાબિલ દોસ્ત યે ભૂલ રહે હૈં કિ બિના પુખ્તા સબૂત કે કોઈ જુર્મ સાબિત નહીં હોતા !’ 
(3) ‘મોહતરમા, જો ભી કહના હૈ, કટઘરે મેં આકર કહીયે’ અને પેલું તો ખાસ… 
(4) ‘યે અદાલત કી તૌહિન હૈ !’

આ હિસાબે જોવા જાવ તો આપણી જુની ફિલ્મોમાં કેવા કેવા ચાલુ ડાયલોગો હતા ? જેની ઝેરોક્સ કોપીઓ આવ્યા જ કરતી હતી ! જેમ કે બિચારા ડોક્ટરોના ભાગે અમુક ફિક્સ ઝેરોક્સો હતી, જેમકે –

(5) ‘ઇન્હેં અબ દવા કી નહીં, દુવા કી જરૂરત હૈ…’’
(6) ‘અબ તો કોઈ ચમત્કાર હી ઉસે બચા સકતા હૈ..’ 
(7) ‘ખૂન બહોત બહ ગયા હૈ, મરીઝ કા બચના મુશ્કિલ હૈ…’

અને જ્યારે સ્ટોરીમાં હીરો પાસે કોઈ ખતરનાક ક્રાઇમ કરાવવાનો હોય તો એની ‘વજહ’ પણ ડોક્ટરો જ આપતા હતા... (8) ‘ઓપરેશન કે લિયે દસ હજાર રૂપિયે લગેંગે !’ 

છેવટે જ્યારે હીરો જીવ સટોસટની બાજી લગાડીને રૂપિયા લાવવા જતાં પોલીસની ગોળીનો શિકાર થયો હોય ત્યારે ડોક્ટરે જ સિરિયસ ડાચું રાખીને ડાયલોગની એકાવનમી ઝેરોક્સ કોપી બોલવાની રહી હતી કે.. 
(9) ‘મરીઝ કો હોશ આ ગયા હૈ, અબ આપ ઉસ સે બાત કર સકતે હૈં !’ 

તમને નવાઈ લાગશે કે ન્યુઝ ચેનલોમાં જે લાખો વાર પૂછાઈ ચૂકેલો સવાલ છે એ હકીકતમાં તો ડોક્ટરોના સાવ ચવાઈ ગયેલા ડાયલોગનું જ વર્ઝન છે કે... (10)‘અબ કૈસા લગ રહા હૈ ?’ 

બિચારા પોલીસવાળાને પણ કોઈ નવા ડાયલોગ મળતા નહોતા ! એ જ કાર્બન કોપીઓ… જેમ કે -
(11) ‘પુલીસને તુમ્હેં ચારોં ઓર સે ઘેર લિયા હૈ, અપને હથિયાર ડાલ દો !’ 
(12) ‘ખબરદાર ! કિસી ને અપની જગહ સે હિલને કી ભી કોશિશ કી તો ભૂન કે રખ દૂંગા !’ 
અને આ...(13) ‘કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈં, મિસ્ટર ફલાના, એક ન એક દિન તુમ પકડે હી જાઓગે !’ 
અથવા (14) ‘મુજરિમ કિતના ભી ચાલાક હો, વો એક ગલતી તો જરૂર કરતા હૈ…’ 

ઉપરથી પેલો સ્ટાન્ડર્ડ ડાયલોગ તો ખરો જ કે (15) ‘તહકીકાત જારી હૈ, કુછ ખબર મિલતે હી આપ કો ઈત્તિલા કી જાયેગી…’

આવું બોલ્યા પછી છ-છ રીલ જતા રહે છતાં પોલીસને ‘ઇત્તિલા’ કરવાનું યાદ જ નહોતું આવતું ! બસ, એક જ સહેલું કામ આવડતું હતું... (16) ‘યુ આર અંડર અરેસ્ટ !’ 

એ તો ઠીક, પોલીસો હજારો ગુનેગારોને હાથકડી વડે બાંધી રાખે છતાં, દુનિયાભરમાં કહેતા ફરે કે.. (17) ‘પુલીસ કે હાથ બંધે હુએ હૈં !’

અચ્છા, જ્યારે ફિલ્મમાં લાંબો ફ્લેશ-બેક બતાડવાનો હોય ત્યારે પણ પોલીસનો ડાયલોગ આવશે (18) ‘શુરુ સે બતાઓ, ક્યા હુઆ થા ?’ પછી ભલે ને એમાં ચાર ગાયનો કેમ નથી આવતાં ! 

અને બિચારા પોલીસો પાસે પોતાની જ બેઇજ્જતી કરાવતો ડાયલોગ છે… (19) ‘તુમ ક્યા સમજતે હો, પુલીસ ઇતની બેવકૂફ હૈ ?’ 

નાના મોટા હવાલદારોને તો કંઈકે ય અલગ કોમેડીવાળા ડાયલોગ મળે છે પણ સિનિયરોને ભાગે પ્રશ્નપત્રનો પહેલો પ્રશ્ન ફરજિયાત હોય એમ અમુક ડાયલોગ તો બોલવા જ પડે.

(20) ‘સારે શહર મેં નાકાબંધી કર દો, મુજરીમ ભાગને ન પાયે…’ પછી પૂછશે-
(21) ‘પોસ્ટમોર્ટમ કી રિપોર્ટ આ ગઈ?’ અથવા હુકમ કરશે- (22) ‘સારા ઇલાકા છાન મારો !’ 

અલ્યા તમે પણ સારી ફિલ્મેં છાન મારો, અને કંઈ નવું બોલવાનું રાખો, ભૈશાબ !

સામાજિક ફિલ્મોના ઇમોશનલ ડાયલોગમાં પેલો તો સરતાજ ડાયલોગ છે : (23) ‘માં… માં… મૈં પાસ હો ગયા !’ અને જવાબમાં (24) ‘કાશ, આજ તેરે બાપુ જિન્દા હોતે !’ 

ફિલ્મી સસરાઓ પાસે એક જ ડાયલોગ હતો : (25) ‘બેટી, ઇસે અપના હી ઘર સમજો !’ 
અને ફિલ્મી સાસુઓની પિન પણ એક જ ડાયલોગ ઉપર ચોંટેલી રહેતી હતી (26) ‘દેખો, હમારી બહુ ને ક્યા ગુલ ખિલાયે હૈં !’ 
બહુ પણ ચીસ પાડીને પરીક્ષાના પેપરનું જોડકું ગોઠવતી હોય તેમ કહેતી હતી (27) ‘નહીંઈઈ, યે સરાસર જૂઠ હૈં !’

એવામાં કોઈ ચરિત્ર અભિનેતા એન્ટ્રી મારીને બોલતો...
(28) ‘રુકીયે, અભી કુછ દેર મેં દૂધ કા દૂધ ઔર પાની કા પાની હો જાયેગા !’ 
છતાં સાસુનું ટેપ-રેકોર્ડર ચાલુ જ હોય (29) ‘તુમ્હેં અપને કુલ કી મર્યાદા કી  જરા સી પરવા ન થી?’ 

પછી બિચારી હિરોઈને મંદિરમાં જઈને પચ્ચીસ ફિલ્મો પહેલાનું પેપર ખોલવું પડે કે (30) ‘ભગવાન, આજ તક મૈં ને આપ કે પાસ કુછ નહી માંગા,  મગર આજ મૈં અપની ઝોલી ફૈલાયે તુમ્હારે સામને ખડી હું…’ 

છેવટે સાઈડ-હિરોને ભૂલથી ગોળી વાગી જાય અને તે મરતાં મરતાં હિરોને ફૂટેલું પેપર પકડાવતો જાય કે... 
(31) ‘દોસ્ત, તુમ્હારી બીવી ગંગા કી તરહા પવિત્ર હૈ, મૈં ને ઉસે હાથ તક નહીં લગાયા !’ બોલો.

હજુ બીજા કોઈ ઝેરોક્ષ ડાયલોગ યાદ આવતા હોય તો કોમેન્ટમાં લખજો !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments