આજે અમુક જુની ફિલ્મો જુઓ તો વિચાર આવે કે યાર, એ જમાનામાં હિરો લોગ શું જોઈને હિરોઈનોના પ્રેમમાં પડી જતા હતા ?
દાખલા તરીકે, આજે કોઈ છોકરી પોતાના DPમાં માત્ર પોતાના પગના જ ફોટા મુક્યા કરે તો ? (કદાચ પ્રોફેશનલ મહેંદી મુકવાવાળી એવું કરે ય ખરી) ના ના, તો શું એના પગની મહેંદી જોઈને કોઈ છોકરો એના પ્રેમમાં પડી જવાનો હતો ? નહીં ને ?
પણ ‘પાકિઝા’ ફિલ્મમાં એવું થાય છે !
રાજકુમાર સાહેબ ટ્રેનમાં જતા હોય છે અને સામી પાટલીએ માથે ઓઢીને સૂતેલી મીનાકુમારીના પગ જોઈને તે ઓન-ધ-સ્પોટ એના આશિક બની જાય છે ! ઉપરથી ચીઠ્ઠી લખે છે ‘આપ કે પાંવ દેખે, બડે ખુબસુરત હૈં, ઇન્હેં જમીન પર મત ઉતારિયેગા મૈલે હો જાયેંગે !’
સાલું, તે વખતે આપણામાંથી શું કોઈને પણ એવો વિચાર આવેલો કે બોસ આ માણસ નવાબ છે કે જુતાં, ચપ્પલ, મોજડી વગેરેનો વેપારી ? (કેમકે ઉઘાડા પગ જમીન પર મુકવાથી મેલા થઈ જાય એવો વિચાર તો એને જ આવે ને ?)
જરા આગળ વિચારો કે નવાબ સાહેબ પ્રેમમાં તો પડી ગયા પણ પછી એ સામેવાળાં બહેન ચહેરા ઉપર શીતળાનાં ચાઠાંવાળાં નીકળ્યાં હોત તો ? ઓ નવાબ સાહેબ, થોડું તો ડિટેલમાં જાવ ? પણ ના, એ જમાનાના અમુક હિરો ફક્ત ‘સેમ્પલ’ જોઈને આખા તાકામાં ભરાઈ પડતા હતા. ભલા માણસ, છ ઇંચ બાય છ ઇંચના કાપડનું સેમ્પલ સારું હોય પણ આખો તાકો ખરીદ્યા પછી જો ખબર પડી કે એમાં અંદરથી ચીંદરડીઓ નીકળી ! તો શું કરશો ?
ભાઈશ્રી રાજેન્દ્રકુમારે પણ એવું જ બાફેલું ફિલ્મ ‘મેરે મહેબૂબ’માં ! ભાઈ સાહેબ ભિટકાઈ ગયા કોઈ બુરખાવાળી જોડે અને બુરખાની જાળીમાંથી બે આંખો જોઈ, એમાં તો આખેઆખી ગઝલ લખી નાંખી ! મૂળ વાત તો સેઈમ જ થઈ ને, કે ખાલી સેમ્પલ જોયું, પણ તાકો ખોલીને જોયું જ નહીં ! આમાં ને આમાં તો પોણા ભાગનું પિક્ચર નીકળી જાય છે ! બોલો.
નવા જમાનામાં પણ અમુક હિરોને હજી અક્કલ આવી હોય એવું લાગતું નથી. જુઓને પેલા ‘સિર્ફ તુમ’ પિક્ચરમાં સંજય કપૂર ફક્ત પત્રો લખવામાં પ્રેમમાં પડી જાય છે ! પેલી પણ એવી અક્કલની ઓછી છે કે હિરો છેક ચેન્નઈમાં રહે છે તોય એના માટે મોટું જાડું ‘સ્વેટર’ ગૂંથે છે ! બેન, ત્યાં એટલી ઠંડી ના હોય !
અચ્છા, અમુક હિરોને એમના DNAમાં જ કોઈ કબાડીવાળાનાં જિન્સ મળતાં હશે ! કેમકે એમને ટકોરાબંધ ચીજને બદલે હંમેશાં ડિફેક્ટીવ પિસમાં જ રસ પડતો હતો ! (બહેનોને ડિફેક્ટીવ સાડીના સેલમાં રસ પડતો હોય એ અલગ વાત થઈ) અહીં તો હીરો પુરેપુરો હેન્ડસમ હોય, સ્ટાઈલિશ હોય, છતાં એકાદ આંધળી કે એકાદ ગુંગી જ એને ગમી ગઈ હોય ! (એ ગુંગી પાછી ડ્રિમ સિકવન્સમાં ગાયનોમાં ખુલ્લા અવાજે લતા મંગેશકરના વોઈસમાં ગાયનો ગાતી હોય, ‘સરગમ’ની જેમ !) જોવાની વાત પાછી એ કે હિરોઈન કદી કોઈ બહેરા-મુંગાની શાળામાં ગઈ જ ના હોય !
જોકે આંધળી હિરોઈનના (મામલામાં) હિરોલોગની ચોઈસ હંમેશાં ઊંચી રહેતી હતી. એમાં એ લોકો ફેસની બ્યુટિ અને બોડી ફિગરમાં સહેજ પણ ડિફેક્ટીવ હોય એવું ચલાવી લેતા નહોતા. તમે સ્હેજ યાદ તો કરો ? ‘ચિરાગ’ ‘કિનારા’ ‘ઝીલ કે ઉસ પાર’ ‘અનુરાગ’ ‘બરસાત કી એક રાત’… એકથી એક બ્યુટિઓ હતી કે નહીં ? આશા પારેખ, હેમા માલિની, મુમતાજ, મૌશુમી ચેટરજી, રાખી… એ જમાનામાં જો ફેસબુક હોત તો ય ફેસના ફોટા જોઈને જ હિરોલોગ પ્રેમમાં પડ્યા હોત. (આને ‘બ્લાઈન્ડ ડેટ’ કહેવાય !)
પરંતુ ડિફેક્ટીવ પિસના મામલે હિન્દી ફિલ્મોના હિરોએ સૌથી ભેદી ગોથાં ત્યાં ખાધા છે જ્યાં પેલી હિરોઈન, અડધી રાતે સફેદ સાડી પહેરીને કોઈ ભૂતિયું ગાયન ગાતી ગાતી નીકળી પડે અને ડફોળ હિરો એની પાછળ-પાછળ હાલ્યો જતો હોય ! કેમ જાણે પેલી બિચારી ઊંઘમાં ચાલતી હોય અને રસ્તામાં ક્યાંક ‘કામ ચાલુ રસ્તો બંધ’નું પાટિયું એને ના દેખાય અને બાપડી ખાડામાં પડવાની હોય એની છેલ્લી ઘડીએ ખાડામાં ભૂસકો મારીને એને નીચેથી ઝીલી લેવાની હોય !
જોકે આવી બધી ફિલ્મોમાં એટલું સારું હતું કે હિરોઇનો ખરેખર ભૂતડીઓ કે ડાકણો નહોતી. નહિતર કલ્પના કરો, હિરો એને પરણીને ઘરે લાવે અને સુહાગરાતે જ એનો ઘુંઘટ ઉઠાવે ત્યાં હિરોઇનનું માથું 360 ડિગ્રીમાં ગોળગોળ ફરતું હોય ! (સાલું, હોઠ ઉપર કીસ કરવા જતા અંબોડામાં થઈ જાય !)
એમ તો જુની ફિલ્મોના હિરોને વિધવા હિરોઈનોમાં પણ બહુ રસ પડી જતો હતો. અને હા એક આદત તો હજી ગઈ નથી. જ્યાં રૂપાળી 'કેન્સર પેશન્ટ' જોઈ નથી કે પ્રેમમાં પડ્યો નથી ! જાણે પેલીનો વીમો પાકવાની જ રાહ જોતો હોય ! શું કહો છો.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Mazaa aavi gai!
ReplyDelete