ફક્ત ઈન્ડિયામાં જ... !

ઇન્ડિયા એવો અજાયબ દેશ છે કે તમે જ્યાં આંખ ખોલીને જુઓ ત્યાં અજાયબીઓ જ જોવા મળશે ! દાખલા તરીકે…

*** 

ફક્ત ઇન્ડિયામાં…
બધા લોકો ઉતાવળમાં જ હોય છે, છતાં ટાઈમસર કોઈ પહોંચતું નથી !

*** 

ફક્ત ઇન્ડિયામાં...
લોકો પોલીસથી ડરે છે અને ગુન્ડાઓ પાસે ‘પ્રોટેક્શન’ માગે છે !

*** 

ફક્ત ઇન્ડિયામાં…
બેન્કનું 500 કરોડનું કરી નાંખો તો કંઈ થતું નથી પણ 5000નો લોનનો હપ્તો ના ભરો તો નોટિસ પર નોટિસ આવે છે !

*** 

ફક્ત ઇન્ડિયામાં…
લોકો 20 અલગ અલગ ભારતીય ભાષાઓ બોલે છે પણ એક વિદેશી ભાષા આખા ઇન્ડિયામાં ચાલે છે !

*** 

ફક્ત ઇન્ડિયામાં…
ધર્મસ્થાનોની બહાર ભિખારીઓ ભીખ માગતા હોય છે અને ધર્મસ્થાનોની અંદર અમીરો ભીખ માગતા જોવા મળે છે !

*** 

ફક્ત ઇન્ડિયામાં…
જુતાં એરકન્ડીશન્ડ શો-રૂમમાં વેચાતાં મળે છે પણ શાકભાજી આપણે ફૂટપાથ ઉપરથી ખરીદીએ છીએ !

*** 

ફક્ત ઇન્ડિયામાં…
IASની પરીક્ષામાં જે ઉમેદવાર ભારતમાં દહેજ પ્રથા દૂર કરવા માટે શું કરવું તેના લાંબા લચક ઉપાય સુચવીને પાસ થાય છે એ જ ઉમેદવાર લગ્ન માટે લાખોનું દહેજ માગે છે !

*** 

ફક્ત ઇન્ડિયામાં…
લોકો મોબાઈલ ઉપર સ્ક્રેચપ્રુફ ગોરીલા સ્ક્રીનગાર્ડ લગાવે છે જેથી તે તૂટે નહીં, પણ બાઈક ઉપર નીકળે ત્યારે હેલમેટ પહરેવાનું ગમતું નથી !

*** 

ફક્ત ઇન્ડિયામાં…
વેલકમ ડ્રીન્કમાં લેમન ફલેવર આર્ટિફીશીયલ હોય છે પણ હાથ ધોવા માટેના ફિંગર બાઉલમાં અસલી લીંબુની ચીરીઓ નાંખે છે!
- બોલો, અજબ છે ને આ દેશ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments