અમુક સમાચારો બહારથી જેવા દેખાય તેવા અંદરથી હોતા નથી ! જ્યાં સુધી તમે સ્હેજ લાંબો વિચાર નથી કરતા ત્યાં સુધી તમને ખબર પડતી નથી કે હકીકતમાં તો વાત કંઈ બીજી જ છે ! જેમકે…
***
જાવેદ અખ્તરે પાકિસ્તાનમાં જઈને કીધું કે મુંબઈ ઉપર હૂમલો કરનારા કંઈ નોર્વે કે ઇજિપ્તથી નહોતા આવ્યા.
હકીકતમાં તો…
વાત એમ છે કે જાવેદ અખ્તરને આ વાત છેક સાડા ચૌદ વરસ પછી જ યાદ આવી છે !
***
જો બાઈડને યુક્રેનની મુલાકાત લઈને કહ્યું કે અમેરિકા તમને 10 બિલિયન ડોલર્સનાં શસ્ત્રો આપશે.
હકીકતમાં તો…
જો બાઈડન એમ કહેવા માગતા હતા કે અમેરિકાએ વિયેતનામમાં 15 વરસ સુધી યુદ્ધ સળગતું રાખ્યું હતું. તમને તો એક જ વરસ થયું છે !
***
વિદેશી ધનપતિ જ્યોર્જ સોરોસે ગૌતમ અદાણી વિશે આકરી ટીકાઓ કરી છે.
હકીકતમાં તો…
મામલો સિમ્પલ છે. જગતના 345મા નંબરના ધનપતિ જગતના 17માં નંબરના ધનપતિથી જલી રહ્યા છે !
***
પાકિસ્તાનના એક મંત્રી કહે છે કે વિદેશી હૂંડિયામણ માટે પાકિસ્તાને થોડા પરમાણુ બોમ્બ અમુક દેશને વેચી નાંખવા જોઈએ.
હકીકતમાં તો…
છેક હવે એમને ભાન થયું કે સાલું, પરમાણુ બોમ્બ વડે ઘઉંનો લોટ પેદા કરી શકાતો નથી !
***
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું છે કે ભલે 100 મોદી અને 100 શાહ આવી જાય, 2024માં સરકાર તો કોંગ્રેસની જ બનશે.
હકીકતમાં તો…
કોંગ્રેસે એ વાતે ખુશ થવું જોઈએ કે કમ સે કમ પ્રમુખશ્રીને સપનાં તો સારાં આવી રહ્યાં છે ! શું કહો છો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment