‘છન છન કી સુનો ઝનકાર.. યે પૈસા બોલતા હૈ…’ આ ગાયન તમે છેલ્લે ક્યારે સાંભળ્યું ?
સ્હેજ માથું ખંજવાળો તો યાદ આવશે કે કાળો સિલ્ક કુર્તો-પજામો પહેરેલો એક મહાકાય યુવક બાહુબલિ ફિલ્મના ડેકોરેટેડ હાથીની જેમ મદમસ્ત ચાલે ચાલતો કેમેરા તરફ આવી રહ્યો છે અને તેની સાથે એક સોનેરી સફેદ વસ્ત્રોમાં સજ્જ યુવતી તેની સામું સ્મિત કરતી કરતી તેની આ ગજરાજ ચાલને હંસિની ચાલ વડે સાથ આપી રહી છે.
હજી યાદ ના આવ્યું ? અરે સાહેબ, થોડા દિવસ પહેલાં મુકેશ અંબાણીના સુપુત્ર, અનંત અંબાણીની સગાઈ થઈ હતી તેનો કોઈએ આ કહેવાતો ‘ફની વિડીયો’ સોશિયલ મિડીયામાં વહેતો કર્યો હતો ! યાદ આવ્યું ?
અમારા કાચા અંદાજ મુજબ દેશના સાડા સત્તર કરોડ લોકો આ જોઈને હસતા હતા. યાર, કોઈ તો બિચારા અનંતની દયા ખાઓ ? એની કાયા જ આટલી વિશાળ છે એમાં એનો શું વાંક છે ?
બીજી બાજુ, કોઈ જો પેલી કોમેડીયન ભારતીની સાઈઝ વિશે મજાક કરે તો દેશની કરોડો સ્વમાની મહિલાઓ રીતસર તૂટી પડશે : ‘શરમ કરો ! મહિલાનું બોડી-શેમિંગ બંધ કરો !’
અરે, ડબલ XL સાઈઝ ઉપર એ જ નામનું એક બોલીવૂડ મૂવી પણ આવી ગયું. એના માટે તો સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી ઉપર ઇન્ડિયાના નેટિજનો (નેટિઝન્સ) રીતસર કપાળે આંગળાંના ટચાકા ફોડી ફોડીને ઓવારી ગયા હતા. પણ બોલો, એમાંથી એક પણ ટ્વીટ પેલા અનંતના બચાવમાં આવ્યું ખરું ?
ઉપરથી કોમેન્ટો ફરી કે ‘બધો પૈસાનો ખેલ છે… ધન કે સામને મન ક્યા ચીજ હૈ…’ વગેરે. અરે ભાઈ, અનંતના પપ્પા અબજોપતિ છે. એમાં અનંતનો શું વાંક ? એણે તો એના બાપાની કમાણીમાં કદાચ બે પૈસાનું ય કોન્ટ્રીબ્યુશન નહીં કર્યું હોય. (અને હવે સગાઈ કરીને તો કર્યું જ કહેવાય, કેમકે હવે ઘરમાં ‘લક્ષ્મી’ આવશે ને !)
વળી, એવું પણ નથી કે અનંતે વજન ઘટાડવાની ટ્રાય જ ના કરી હોય. યાદ છે, વચ્ચે એને IPLની મેચમાં જોયેલો ત્યારે કેવો ફીટ-એન્ડ-ફાઈન લાગતો હતો ? (હાથમાં પોપકોર્નનું પેકેટ પણ નહોતું. સળંગ ચાર કલાક સુધી એણે ચૂઈંગ-ગમ સુધ્ધાં ચાવી નહોતી.) પણ શી ખબર કોઈ કારણસર ફરી કાયા વધી ગઈ અને સૌને હસવાનું મળી ગયું ! કમ સે કમ એનો એટલો પાડ તો માનો કે એ બધાને હસાવે જ છે ! અંબાણીની જેમ રડાવતો તો નથી ને ?
જરા વિચાર કરો, બાળપણથી આજ સુધી અનંતની દશા કેવી થઈ હશે ?
જ્યારથી એ પોતાના પગ ઉપર ઊભો થતાં શીખ્યો હશે ત્યારથી કદી ઊભાં ઊભાં પોતાના બૂટની દોરી નહીં બાંધી શકતો હોય. અરે, દોરી બાંધવાનું છોડો, પોતાના બૂટ પોતાને કેવા લાગે છે એ જોવા પણ નહીં મળતું હોય. જરા વિચારો, વજનકાંટા ઉપર ઊભા પછી પોતાનું વજન કેટલું થયું તે તેને આજ દિન સુધી કદી નરી આંખે જોવા નહીં મળ્યું હોય. (અનંતનો ભાઈ એને ચીડાવવા માટે દસ કિલો વધારી દેતો હશે અને મમ્મી એને ખુશ રાખવા માટે દસ કિલો ઘટાડી દેતી હશે.)
અચ્છા, ભલભલાં બ્રાન્ડેડ રેડીમેઈડ ટી-શર્ટો કે જીન્સ તો કદી એને પહેરવા જ નહીં મળ્યાં હોય ને ? (બોલો, અબજોપતિના દિકરા હોવાનો શું ફાયદો ?) એ તો છોડો, અંડરવેર અને બનિયાનનું શું ? કઈ કંપની આ સાઈઝનું બનાવી આપે ? મતલબ કે જે ‘ફેમિલી દરજી’ હોય તેના માથે જ આ જવાબદારી આવે ને ? મુકેશભાઈ ખાસ એક જણ માટે આખેઆખી હોઝિયરીની ઇન્ડસ્ટ્રી થોડા ચાલુ કરવાના હતા ?
એ જ રીતે ટોઈલેટ સીટનું શું ? અનંતબાબા જ્યાં સુધી ઉંમરમાં નાના હતા ત્યાં સુધી તો મમ્મી-પપ્પાની સીટ ચાલી જતી હતી પણ મોટા થયા પછી શું ? દુનિયાના ધનકુબેરો પોતાના બાથરૂમોમાં સોનાનાં ટોઈલેટો બનાવડાવે છે પણ મુકેશભાઈએ સેનિટરી ફિટીંગ્સવાળાને પૂછવું પડતું હશે : ‘મટિરીયલ તો ટકાઉ તો છે ને ?’
દુનિયા આખી ભૂખમરાથી હાડપિંજર જેવાં થઈ ગયેલા લોકોને જોઈને દયા ખાય છે પણ જેનાં શરીર કોઈપણ ઉપાયે ઘટતાં જ નથી એની દયા ખાનારું કોઈ છે, અહીં ?
કોઈ ‘હેશટેગ-પિટી-ફેટ’ ચાલુ કરો યાર !
અચ્છા, એ બધું છોડો, અનંતની સગાઈ જેની સાથે થઈ છે એ છોકરી (રાધિકા મર્ચન્ટ)ની હિંમતની પણ કોઈ દાદ આપો ને ? ‘પૈસા ખાતર… પૈસા ખાતર…’ એવું બધું કહેવું સહેલું છે પણ મને કહો, કોઈ સુંદર યુવતી કોઈ અપંગ યુવક અથવા કોઈ વ્યક્તિને પરણે તો તમે એની ભાવનાની કદર કરો કે નહીં ? તો પછી રાધિકાએ શું ખોટું કર્યું છે ?
આમ તો બધા બહુ મોટી ફિલોસોફીઓ ફાડે છે કે ‘બ્યુટિ લાઈઝ ઇન ધ આઈઝ ઓફ બિહોલ્ડર…’ તો યાર, રાધિકાને અનંતમાં જે ‘ઇનર બ્યુટિ’ દેખાઈ હશે એની તો કદર કરશો કે નહીં ?
છતાં લોકો હજી નહીં સમજે તો નાછૂટકે મુકેશભાઈએ ‘જીઓ’ના ભાવ વધારી દેવા પડશે, સમજ્યા ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment