તમે મિડલ-ક્લાસિયા છો ? અને સુખી પણ છો? સાહેબ, આજના જમાનામાં મિડલ-ક્લાસિયા લોકોને સુખી હોવાના અનેક કારણો છે ! જેમકે…
***
મિડલ ક્લાસિયો સુખી છે...
કેમકે, જો અમુલ શક્તિનો ભાવ બે રૂપિયા વધે તો એને જરૂર ફરક પડે છે પરંતુ…
જો મર્સિડીઝ, ઓડી કે આઈ-ફોનના લાખો રૂપિયા વધે તો એને કશોય ફરક પડતો નથી !
***
મિડલ-ક્લાસિયો સુખી છે…
કેમકે, અદાણીની મિલકતમાં 50 લાખ કરોડનું ધોવાઈ થઈ જાય તો અદાણીને ટેન્શન થતું હશે. પણ…
મિડલ-ક્લાસિયાને ઉનાળામાં ધાબા ઉપર સૂવા માટે ફક્ત ધાબામાં જ ચાર બાલ્ટી વડે ધોવાણ કરવાનું છે !
***
મિડલ-ક્લાસિયો સુખી છે…
કેમકે, જો BBC ઉપર રેઈડ પડે છે તો છેક બ્રિટનમાં બેઠેલા ધોળિયાઓ કકળાટ કરી મુકે છે. પણ…
મિડલ-ક્લાસિયો એના ઘરના ઓટલે બેસીને મોદી માટે જે બોલવું હોય તે બોલે, છતાં ઇન્કમટેક્ષ તો શું મનોરંજન ટેક્સની પણ રેઈડ પડતી નથી ! શું કહો છો.
***
મિડલ-ક્લાસિયો સુખી છે…
કેમકે, તેણે 30,000ના સૂટ, 45,000ના શૂઝ કે 1.5 લાખનું પરફ્યુમ કદી ખરીદવા જ નથી પડતાં ! છતાં…
એના એર-કન્ડીશન્ડ શોરૂમમાં જઈને ભાવ પૂછવાને બહાને તે પોણો કલાક સુધી ફ્રીમાં ઠંડક માણી શકે છે !
***
મિડલ-ક્લાસિયો સુખી છે…
કેમકે, બજેટ વખતે ઉદ્યોગપતિઓથી લઈને ખેડૂતો સુધીના તમામ લોકો ભિખારીની જેમ ખેરાત અને રાહતની રાહ જોતાં બેઠા હોય છે. પણ…
મિડલ-ક્લાસિયાએ ફક્ત એટલું જ જોવાનું છે કે ઇન્કમટેક્ષની લિમીટમાં કંઈ વધારો થયો છે કે નહીં !
***
મિડલ-ક્લાસિયો સુખી છે…
કેમકે, બિચારા શાહરૂખખાનને પોતાની ડૂબતી ઈજ્જત બચાવવા માટે કરોડો ખર્ચીને થિયેટરોમાં ઓડિયન્સને ભરવું પડે છે ! પણ…
મિડલ-ક્લાસિયો વિચારે છે કે કશો વાંધો નહીં, બે મહિનામાં તો ‘પઠાન’ OTTમાં હશે અને છ મહિનામાં તો TVમાં હશે ! શું ઉતાવળ છે ? શું નાસી ગયું હતું, હેં ?!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment