વર્ક ફ્રોમ હોમ વાળાની હાલત !

WFH એટલે વર્ક ફ્રોમ હોમ ! કોરોના ગયો, કોરોનાની એમિક્રોન લહેર પણ ગઈ, છતાં અમુક લોકો હજી વર્ક ફ્રોમ હોમમાં જ છે ! (ખાસ કરીને IT કંપનીવાળા)
આજે એ WFHવાળાની શી હાલત છે ? જુઓ…

*** 

ટેવ એવી પડી ગઈ છે કે સવારે 10 વાગ્યા પહેલાં આંખ ખુલતી નથી, અને જ્યારે ખૂલે છે કે તરત છાતી ઉપર લેપ-ટોપ લગાડી દેવું પડે છે !

*** 

આના કારણે દશા એ થઈ છે કે છાતી ઉપર લેપટોપનાં છાલાં પડી ગયાં છે !
કેમકે 10 વાગે બોસનાં દર્શન થઈ જાય પછી જે આંખ બંધ થઈ જાય છે તે છેક 12 વાગે જ ખૂલે છે ! ત્યારે લેપટોપ છાતી ઉપર જ હોય છે !

*** 

આખો શિયાળો સરસ મઝામાં ગયો કેમકે બ્રશ 12 વાગે કરતા હતા, નાસ્તો 1 વાગે કરતા હતા અને નહાવા જતા હતા… આરામથી બપોરે 2 વાગે !!

*** 

આખી બપોર ઊંઘવામાં જાય છે અને સાંજે 4 વાગે કામ શરૂ થાય છે, કેમકે ડેડલાઈન તો 6.30 વાગ્યાની છે…
છતાં રાત્રે 12.30 સુધી કામ પતતું જ નથી. કેમકે વચમાં થોડા રીલ્સ જોવામાં, ફેસબુકમાં અને હોલિવૂડની વેબસિરિઝના એપિસોડ જોવામાં ટાઈમ લાગી જાય છે !

*** 

છેલ્લાં અઢી વરસમાં માત્ર બાવીસ દિવસ એવા ગયા છે જ્યારે કમરની નીચે પેન્ટ, મોજાં અને શૂઝ પહેર્યાં હોય !

*** 

છેલ્લાં અઢી વરસમાં ઇન્ક્રિમેન્ટ પણ સારું એવું થયું છે. કમરના ઘેરાવામાં પુરા આઠ ઇંચનો વધારો થયો છે !
- અને હવે સાલું, એક પણ જુનું પેન્ટ પહેરવાલાયક રહ્યું નથી !

*** 

હાલત એ છે કે છેલ્લાં અઢી વરસમાં એટલા બર્મુડા ઓનલાઈન ખરીદ્યા છે કે હવે વડાપાંવ મંગાવવા માટે પણ મોબાઈલ ખોલે છે તો સાલી બર્મુડાની જાહેરાતો ટપકી પડે છે !

*** 

બીજું તો શું કહું ?
હવે તો એ હાલત છે કે જો ફોન આવે કે ‘ઓફિસ ચાલુ થઈ ગઈ છે, કાલથી ઓફિસે આવવું પડશે’…

- ત્યારે WFHવાળાને ખ્યાલ આવશે કે કમર નીચેના ભાગમાં પેરેલિસિસ થઈ ગયો છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments