અમદાવાદીનો વેલેન્ટાઇન લેટર !

બહુ જુની કહેવત છે કે ‘અમદાવાદીઓ તો રૂપિયામાં પણ ત્રણ અડધા શોધે !’

જોકે વેલેન્ટાઈન-ડે એક એવો તહેવાર છે જે બોયફ્રેન્ડોનાં ખિસ્સાં જ ખાલી કરાવવાનો ધંધો કરે છે. આવા સમયમાં પાકો અમદાવાદી બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડને કેવો લવ-લેટર લખી શકે ? જુઓ એક નમૂનો…

*** 

ડિયર બકુડી,
આમ તો તને ફોન જ કરવાનો હતો પણ મોબાઈલમાં બેલેન્સ પતી ગયું છે. ઉપરથી બાજુવાળા પાડોશીએ વાઈ-ફાઈનું રિચાર્જ પણ ભર્યું નથી !

એટલે, એક ભઈબંધની નોટમાંથી પાનું ફાડીને તને આ લેટર લખું છું.

એકચ્યુલી આ લેટરની જોડે મારે ગુલાબનો બુકે મોકલવાનો હતો પણ ફ્લાવર-શોપવાળાએ ‘ખાલી એક ગુલાબનો બુકે ના બને’ એવું કહ્યું એટલે બુકેનું કેન્સલ રાખ્યું.

કેમકે મેઇન ચીજ તો ફીલિંગ જ છે ને !

આખા બુકેને બદલે તને એક જ ગુલાબ મોકલવાનું બી પ્લાન કરેલું પણ દુકાનવાળાએ કીધું કે ‘એક ગુલાબ ઉપર બીજું ફ્રી’ એવી કોઈ સ્કીમ જ નથી ! બોલ.

આમાં બીજું ગુલાબ બીજી કોઈ બકુડી માટે હતું એવી મિસ-અંડરસ્ટેન્ડિંગ ના કરતી ! બીજું ગુલાબ તું જ મને આલે એવું સેટિંગ મેં વિચારેલું કેમકે એકના બજેટમાં બે જણાનું કામ પતી જાય ને !

ગિફ્ટમાં બી મેં એવું જ સેટિંગ પાડવાનું પ્લાન કરેલું. પેલી નીતા, ગીતા, શીલા, શર્લી… એ બધીને મેં કહી રાખેલું કે તમારી જોડે તમારા બોયફ્રેન્ડની જે ગિફ્ટો આયેલી હોય એમાંથી જે એકસ્ટ્રા વધી પડી હોય એ મને આલજો ને. મારું કામ પતી જાય પછી હું એ જ ગિફ્ટ તમને લોકોને ‘રિટર્ન-ગિફ્ટ’માં આલી દઈસ.
પણ એ લોકોએ ના પાડી. દુનિયામાં ટ્રુ લવની કોઈને કદર જ નથી.

પણ તું ચિંતા ના કરીશ. તારી જે ફેવરીટ વાનગી હોય એ બોલ. બેસ્ટમાં બેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરીને તું મંગાઈ લેજે. હું ખાવા માટે આઈ જઈસ. ઓકે ?

ચલ બકુડી, હવે વેલેન્ટાઈનની નાઈટે તારા ફ્લેટના ધાબા ઉપર મલીશું. હું મીણબત્તી અને માચિસ લેતો આઈશ. તું તારું દિલ લેતી આવજે.

લવ યુ.

***

- મન્નુ શેખચલ્લી

Comments