બિચ્ચારા હિન્દી ફિલ્મોના ડોક્ટરો !

એક દૃશ્ય તો આજ સુધી સૌને યાદ હશે કે… ‘ઓપરેશન થિયેટર’નું પાટિયું હોય, તેની ઉપર લાલ બલ્બ સળગતો હોય… બહાર બે ચાર જણા કપાળમાં શક્ય એટલી કરચલીઓ પાડીને ચિંતાના એક્સ્પ્રેશનો આપતાં ઊભાં હોય… ત્યાં પેલી લાલ લાઈટ બંધ થાય અને એક સફેદ કોટ પહેરેલો માણસ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને બહાર આવે… અને કહે : ‘હમ ને બહોત કોશિશ કી, મગર મરીઝ કો બચા ન સકે !’

આ સાથે જ ઢેન્ટેણેન… મ્યુઝિકમાં તીણું વાયોલિન રડી ઊઠે અને પેલાં સગાંઓ રડારોડ કરી મુકે ! અમને તો છેક આટલાં વરસ પછી દિમાગમાં બત્તી થઈ કે અલ્યા, પેલો ડોક્ટર જો અંદર ઓપરેશન કરતો હતો તો ગળામાં સ્ટેથોસ્કોપ શા માટે લટકાવી રાખ્યું હતું ? શું અંદર પેલું હાર્ટ-બિટ્સ માપવાનું મશીન (કાર્ડિયોસ્કોપ) નથી હોતું ?

હિન્દી ફિલ્મોમાં બિચારા ડોક્ટરોની બહુ ખરાબ દશા હોય છે. એક તો એમને જે ડાયલોગો આપવામાં આવે એ પાછલાં પંદર વરસના ડાયલોગ્ઝની ઝેરોક્સ કોપી જ હોય : 

‘મૈં ને ઇન્જેક્શન દે દિયા હૈ, કુછ દેર મેં ઇન્હેં હોશ આ જાયેગા…’ 
‘મેં ને દવાઈયાં લિખ દી હૈં, બાજાર સે ઇન્હેં મંગવા લેના…’ 
અને પેલો સ્ટાન્ડર્ડ ડાયલોગ : ‘લગતા હૈ ઇન કે દિમાગ કો કોઈ બડા સદમા પહુંચા હૈ !’

અલ્યા, ધોળા કોટવાળા ! એ હિરોઇનને પેલો હિરો ટોપી આપીને, પ્રેગનન્ટ કરીને રફૂચક્કર થઈ ગયો છે, એ તો સ્ટોરીમાં ઓલરેડી આવી ગયું ! ‘દિમાગ કો સદમા પહુંચા હૈ’ એ તો હિરોઇને ભીંતમાં માથું પછાડ્યું ત્યારે જ અમે સમજી ગયા હતા ! એમાં તેં નવું શું કીધું ?

અચ્છા, મા-બાપ ગરીબ હોય, ઝુંપડું તૂટેલું ફૂટેલું હોય તો પણ એ લોકો ફ્રી ઈલાજ માટે સરકારી હોસ્પિટલમાં જવાને બદલે ડોક્ટરને છેક ઘરે બોલાવશે ! છતાં ડોક્ટર એની ‘વિઝિટ ફી’ માગતો હોય એવું કદી નહીં દેખાડે ! ઉપરથી ‘મૈં ને દવાઈયાં લિખ દી હૈ’ વાળું કાગળિયું હાથમાં ઝાલીને પેલી વિધવા માં ગ્લિસરીનનાં આંસુએ રડીને કહેશે ‘હમ ઇતને પૈસે કહાં સે લાયેંગે ?’ 

ઓ બેન, એ જમાનામાં ત્રણ ટાઈમની દવાના ફક્ત બે રૂપિયા થતા હતા અને ડોક્ટરની વિઝિટ ફી પુરી ૨૦ રૂપિયા હતી ! તો માશીબા, તમે કઈ કમાણી ઉપર ડોક્ટરને છેક ઘરે બોલાવી લાવ્યા હતા ?

તમે ભલભલા એક્સ્પર્ટો પાસે રિસર્ચ કરાવી જોજો, આખા હિન્દી ફિલ્મના ઇતિહાસમાં ‘લિન્ફોસોકોમા ઓફ ઇન્ટેસ્ટાઈન’ એક જ એવું બિમારીનું નામ છે જે ફિલ્મના પરદે બોલાયું હોય ! બાકી,  ‘મુન્નાભાઈ MBBS’માં આખેઆખી હોસ્પિટલ ચાલે છે છતાં એકેય પેશન્ટને કીડની સ્ટોન, લિવર ઇન્ફેક્શન, લંગ કેન્સર કે ઇવન ભગંદર પણ થયું હોય એવું બતાડ્યું છે ? અરે, કોઈને સીધાં સાદાં ન્યુમોનિયા, ટાઈફોઈડ કે લૂઝ મોશન પણ ક્યાં થયાં છે ?

એ તો ઠીક, દવાઓનાં કેટલાં નામ તમે ફિલ્મોમાં સાંભળ્યાં ? બસ, બે જ ડાયલોગ ફીક્સ હોય : ‘બાબુજી આપ કી દવાઈયાં લેને કા ટાઈમ હો ગયા.’ અને ‘બેટા, કબ તક મૈં દવાઈયાં ખા કર જીતા રહુંગા?’ 

એમાં વળી મુન્નાભાઈ તો દવા, ઇન્જેક્શનો અને ઓપરેશનોની અવેજીમાં ‘જાદૂ કી ઝપ્પી’ લઈ આવ્યા ! તમે જોજો, જુની ફિલ્મોમાં નૈનિતાલ, મસુરી, શિમલા કે ઉટીના મસ્ત સિન-સિનેરી વચ્ચે હિરો-હિરોઈનોને ગાયનો ગવડાવવાનાં હોય તો એની પહેલાં એક દ્રશ્ય જરૂર આવશે જેમાં ડોક્ટર કોઈને કહેતો હશે ‘ઇન્હેં કહીં ઘુમને લે જાઈયે. તાજા હવા કી ઇન્હેં સખ્ત જરૂરત હૈ !’

હિન્દી ફિલ્મોમાં દિમાગની કઢી થઈ જાય એવી ટ્રિટમેન્ટો તો મેન્ટલ હોસ્પિટલોમાં જ જોવા મળે ! જેવો કોઈ હેન્ડસમ દર્દી આવ્યો નથી કે એકાદ સિનિયર ડોક્ટર એની ખુબસુરત જુનિયર ડોક્ટરને એના પ્રેમમાં પડવાની સલાહ આપશે ! આમાંને આમાં ‘ખામોશી’માં વહીદા રહેમાનની પોતાની જ ડાગળી ચસકી જાય છે. 

‘ખિલૌના’ અને ‘અનહોની’ જેવી ફિલ્મોમાં તો પાગલ હિરોને સાજા કરવા માટે કોઠાવાળી બાઈને જ આખો કેસ સોંપવામાં આવે છે ! સાલું, કઈ મેડિકલ જર્નલમાં આવા ઈલાજો લખ્યા હશે?

આવી જ એક દુર્લભ અને ચમત્કારિક ટ્રિટમેન્ટના કોપીરાઈટ પણ હિન્દી ફિલ્મો પાસે છે. એમાં માથામાં ચોટ વાગવાથી જે યાદદાસ્ત જતી રહે છે તે યાદદાસ્ત ફરી એ જ જગ્યાએ એવી ચોટ મારવાથી પાછી આવી જતી હોય છે ! 

બાકી, અમને હજી નથી સમજાતું કે ટીવીમાં ટુથબ્રશ અને ટુથપેસ્ટની જાહેરખબરોમાં જે ડેન્ટિસ્ટો બતાડે છે એ ગળામાં સ્ટેથોસ્કોપ શા માટે રાખતા હોય છે ? શું દાંતમાં પણ હાર્ટ-બિટ્સ સંભળાતા હશે ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments