કોલેજમાં નવા ડેય્ઝ !

આજકાલ કોલેજોમાં જાતજાતના ડે મનાવવાની સિઝન ચાલી છે. જેમકે મિસ-મેચ ડે, કેરેક્ટર ડે, સાડી ડે, ધોતી ડે, ટ્રેડિશનલ ડે…વગેરે.

છતાં અમારું સજેશન છે કે અમુક નવા દિવસો ઉજવવાની જરૂર છે.

*** 

ફૂલ એટેન્ડન્સ ડે
પ્રિન્સિપાલને, પ્રોફેસરોને, લેકચરરોને ચોંકાવી દો ! એક દિવસે નક્કી કરીને કોલેજના તમામ સ્ટુડન્ટો ક્લાસમાં હાજર રહો !

*** 

ફૂલ એટેન્શન ડે
એક દિવસ એવો રાખો જ્યારે તમામ ક્લાસના તમામ લેકચરોમાં પુરેપુરું ધ્યાન આપો ! બગાસાં આવતાં હોય તો રોકી રાખો, ઊંઘ આવતી હોય તો પાણીની છાલક મારો !

*** 

લાયબ્રેરી ડે
સૌથી પહેલી ચેલેન્જ તો એ છે કે લાયબ્રેરી ક્યાં છે તે શોધી કાઢવાનું છે ! પછી હિંમત કરીને લાયબ્રેરીમાં જવાનું છે… તાળાં મારેલાં કબાટોને ખોલાવવાનાં છે… પુસ્તકો બહાર કઢાવવાનાં છે… અને… અને… યસ, બિગેસ્ટ ચેલેન્જ છે…. કે પુસ્તકો વાંચવાનાં છે !

*** 

સ્લો ફૂડ ડે
ફાસ્ટ ફૂડથી ઊંધું ! પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન્ડવીચ, વડાપાંવ, નૂડલ્સ…. વગેરેની જે લારીઓ કોલેજની બહાર ઊભી હોય છે ત્યાં જઈને સામે બેસીને ઘરેથી મમ્મીએ બનાવી આપેલાં થેપલાં, ઢેબરાં, ઢોકળાં, ભાખરી અને છુંદો જેવાં સ્લો-ફૂડ ખાવાનાં !
(છાપામાં ફોટા આવશે !)

*** 

નો મોબાઈલ ડે
ના ના ! મોબાઈલ ઘરે મુકીને નથી આવવાનું ! મોબાઈલો લાવવાના જ છે ! પણ કોલેજમાં દાખલ થતાં પહેલાં એક બોક્સમાં તમામ મોબાઈલો મુકીને, એને તાળું મારીને, ચાવી સિક્યોરીટીને આપીને પછી જ અંદર આવવાનું છે ! બોલો.
(ટીવીમાં ન્યુઝ આવશે, બોસ !)

*** 

મોટિવેશન ડે
આ દિવસે તમારે તમારા મોટિવેટરોને જ મોટિવેટ કરવાના છે ! તમારા ટિચર્સ, પ્રોફેસરો અને પ્રિન્સિપાલને હિંમત આપો કે… ‘તમારી મહેનત જરૂર રંગ લાવશે… તમતમારે તમારું કામ નિષ્ઠાથી કર્યા કરો…’ અમારું ભવિષ્ય તો સારું જ છે ! ઓકે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments