બુફે ડિનરમાં જોવા જેવું !

આજકાલનાં લગ્નોમાં જે બુફે ડિનરો હોય છે એ કંઈ માત્ર ‘ખાવાના ખેલ’ નથી હોતા ! એમાં પણ જાતજાતની ફની વાતો બનતી હોય છે, માત્ર એ જોવાની નજર જોઈએ ! જુઓ…

*** 

રિસેપ્શનના બુફે ડિનર વખતે ટાઈ, જેકેટ અને સૂટ પહેરીને ફરનારા સૌથી વધુ લોકો કોણ હોય છે, ખબર છે ?

- કેટરિંગના સ્ટાફવાળા છોકરાઓ !

*** 

રિસ્પેશન કમ ડિનર વખતે બે જ જગ્યાએ લાંબી લાંબી લાઈનો જોવા મળે છે.

એક, લાઈવ ઢોંસાના કાઉન્ટર પર અને બીજી વર-કન્યા સાથે ફોટો પડાવવાના સ્ટેજ પાસે.

*** 

આ પ્રસંગે લોકો એકબીજાની સાથે જે વાતો કરે છે એમાં ત્રણ વાક્યો કોમન હોય છે.
(1) તમે જમી લીધું ?
(2) જમવામાં કઈ આઈટમ સારી છે ?
(3) શું લાગે છે અદાણીનું ?

*** 

આવા પ્રસંગે એકસરખી સાડી, એકસરખાં બ્લાઉઝ અને ઇવન એકસરખી હેર-સ્ટાઈલ કરેલી બે મહિલાઓ એકબીજાને મળે, ત્યારે બન્ને વચ્ચે શું વાતચીત થાય છે ?

‘અલી સાંભળ, પેલી સાઈડે બેઠેલા ગેસ્ટને શું જોઈએ છે, જરા ધ્યાન આપ.’

કેમ ? ...કારણ કે એ બન્ને જણી કેટરિંગના સુપરવિઝન સ્ટાફમાં છે !

*** 

આવા વખતે સૌથી વધુ કન્ફ્યુઝ્ડ લોકો કોણ હોય છે, ખબર છે ?

જેમણે વારાફરતી તમામ આઈટમો ડીશમાં ભરી લીધી છે અને પછી ખબર પડે છે કે આ તો ‘જૈન કાઉન્ટર’ હતું !
- હવે આ ભરેલી ડીશનું કરવું શું ?

*** 

અચ્છા, ત્યાં સૌથી વધુ અવ્યવસ્થિત અને ગંદકીભર્યું કાઉન્ટર કયું હોય છે ?

ના, એંઠી ડીશોનું નહીં ! પણ જ્યાં પ્લાસ્ટિકના કપ વડે પાણી લેવાનું હોય છે !
- અમુક લોકો તો ત્યાં હાથ મોઢું ધોઈને કોગળા પણ કરી લે છે !

*** 

અને સૌથી મોંઘુ કાઉન્ટર કયું ?

મુખવાસનું કાઉન્ટર. કેમ કે ત્યાં જ પેલા બે જણા ચાંલ્લો લખવાનો ચોપડો લઈને બેઠા હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments