હવે તો તમારે ધાર્મિક ભક્તિ કરવી હોય તો એનાં, અને દેશભક્તિ કરવી હોય તો એનાં પણ ‘એપ’ મળતાં થઈ ગયાં છે !
એ જ રીતે અમને થાય છે કે હવે થોડાં રાજકીય સ્ટાઈલનાં એપ્સ પણ હોવાં જોઈએ ! જેમકે...
***
સોનિયા ગાંધી એપ
આ એપ ટોપ-સિક્રસી માટે બેસ્ટ છે. તમે ક્યાં જાવ છો, કોને મળો છો, તમારી ઉપર કોના ફોન આવે છે, તમે કોને ફોન કરો છો એની કોઈને ખબર જ નહીં પડે !
જેમના પતિ ખુબ જ શંકાશીલ છે એવી પત્નીઓ માટે તો આ બેસ્ટ એપ છે કેમકે તમે શાકભાજીમાં કેટલા ખર્ચ્યા અને પાણીપુરી કેટલાની ખાધી એ પણ કોઈને ખબર નહીં પડે !
તકલીફ આ એપમાં એક જ છે કે તમને પોતાને શી બિમારી છે એ પણ તમારાથી ગુપ્ત રાખવામાં આવશે !
***
રાહુલબાબા એપ
આ ખુબ જ મનોરંજક એપ છે. તમે સોશિયલ મિડીયામાં કંઈ પણ ટાઈપ કરો કે કંઈ પણ બોલો એનું તરત જ ફની અગડમ બગડમ થઈ જાય છે !
જેમકે તમે ‘વિષ્વેષ્વરૈયા’ એવું બોલો તો એની મેળે ‘વિશ-વેશ-શ્વર-વિશ્વેશવૈયા’ એવું થઈ જશે ! તમે ‘બાર હજાર ત્રણસો કરોડ’ બોલશો તો એનું ‘ત્રણસો હજાર બાર કરોડ’ થઈ જશે !
એપનો ગેરફાયદો એટલો જ છે કે તમે છો એના કરતાં તમને વધારે ‘મેચ્યોર’ તો દેખાડે છે, પણ લાંબે ગાળે તમારો IQ ઘટાડી શકે છે !
***
રેઈડ એલર્ટ એપ
‘રેડ’ એલર્ટ નહીં, ‘રેઈડ’ એલર્ટ ! તમારી ઓફીસ, ફેકટરી, દુકાન કે શાકભાજીની લારી ઉપર ક્યારે અને કેવી રીતે IT અથવા EDની રેઈડ પડશે તેની સચોટ આગાહી કરી શકે છે !
જોકે આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. તમે તમારા મોબાઈલમાં કેવા વિડીયો જુઓ છો, કેવા ટ્વીટ શેર કરો છો અને કેવા કન્ટેન્ટને લાઈક કરો છો એના ઉપરથી જ એપને ગંધ આવી જાય છે!
ગેરફાયદો એટલો જ કે કઈ ન્યુઝ ચેનલ ઉપર રેઈડ પડશે અને કઈ ન્યુઝ ચેનલ રાતોરાત ખરીદાઈ જશે તે પ્રિડીક્ટ કરી શકતું નથી.
***
સાહેબ-ભક્તિ એપ
સોરી. આ એપ બજારમાં બિલકુલ ફ્લોપ છે કેમકે એપ વિના જ બધું કામકાજ પૂરજોશમાં થઈ રહ્યું છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment