લગ્નોમાં ખાસ જોજો... !

આજકાલ લગ્નોની મોસમ ચાલી રહી છે. આમ તો બધા મેરેજો સરખાં જ હોય છે પણ જરા ધ્યાનથી જુઓ તો એમાં ઘણી જોવા જેવી વાતો હોય છે !

*** 

તમે ખાસ જોજો
કે વરઘોડો નીકળ્યો હોય ત્યારે અમુક જુવાનિયાઓ ‘યે દેશ હૈ વીર જવાનોં કા…’ ઉપર બહુ ઉછળી ઉછળીને નાચતા હોય છે. પણ યાર, ત્યાં ‘વીર જવાન’ તો એક જ હોય છે… જે વરરાજા છે !

*** 

તમે ખાસ જોજો….
કે જાન મંડપ પાસે પહોંચે ત્યારે જ પેલો બેન્ડનો ગાવાવાળો શરૂ કરશે : ‘તૂઉઉ ઔરોં કી ક્યું હો ગઈ ?’ અલ્યા, કન્યા તારી શું સગી હતી ?

*** 

તમે ખાસ જોજો…
‘આજ મેરે યાર કી શાદી હૈ’ ગવાતું હોય ત્યારે કાકાઓ, મામાઓ, માસાઓ અને બીજા વડીલો પણ શું સમજીને જોડે જોડે નાચતા હશે ?

*** 

તમે ખાસ જોજો…
મંડપમાં સાઈડમાં બેસીને પેલા ‘લાઈવ’ લગ્ન ગીતો ગાનારી મંડળી સિચ્યુએશન બહારનું જ ગાતાં હશે ! જેમકે…

- એ લોકો ગાતા હશે : ‘માંડવે તોરણિયાં બંધાવો, સાથિયા પુરાવો…’ પણ હલો ! ડેકોરેટર્સે માંડવો ઓલરેડી બાંધીને રેડી કરી દીધો છે, દેખાતો નથી ?

- ઉપરથી ફટાણું ગાશે કે ‘ઘરમાં નહોતાં પાન, તો શીદ તેડી ’તી જાન, મારા નવલા વેવાઈ…’ અલ્યાઓ, તમને પંદર હજારનું એડવાન્સ આપ્યું છે તે કોઈ ભોજિયોભાઈ આપી ગયો હતો ? અને બાકીના પૈસા લેવાના છે કે નહીં ?

- અને ખાસ જોજો. હજી તો કન્યાએ ફેરા પણ નહીં ફર્યા હોય ત્યાં વિદાયનું ગાણું ગાવા મંડશે… ‘તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી…’

*** 

તમે ખાસ જોજો…
જાન માંડવે આવે ત્યારે નાચનારાઓનું સૌથી મોટું ઝુંડ માત્ર ગરબા વખતે હોય છે.
એ પછી તો ફક્ત બાર જણા નાચ્યા કરતા હોય છે અને બાકીના બારસો જણા સહનશીલતાની પરીક્ષા આપતા હોય એમ રાહ જોતાં બોર થતાં હોય છે !

*** 

અને ખાસ જોજો…
કે કપલ ઉપર ફૂલો વરસાવવા માટે કોઈ ઘરેથી એક પણ ફૂલ લાવતું નથી. બધા મંડપમાંથી જ તોડી તોડીને વઘાર કરતા હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments