સહેલી ફિલ્મોના 'અઘરા' રિવ્યૂ !

ફેસબુકમાં અને છાપામાં કોલમ લખતા અમુક મહાન લેખકો જ્યારે આપણે જોયેલી, માણેલી કોઈ મસ્ત મજાની ફિલ્મનો રિવ્યુ લખે ત્યારે એ વાંચીને આપણે ગુંચવાઈ જતા હોઈએ છીએ કે ‘બોસ એવું હતું ।? યાર, મેં એ ફિલ્મ જોઈ ત્યારે તો મને એમાં એવું કશું દેખાયું જ નહીં !’

બસ ત્યારે ! એ જ છે ‘અઘરા અઘરા’ રિવ્યુ લખવાની આર્ટ ! આમાં અમુક છુપી ફોર્મ્યુલાઓ હોય છે, જેની બિચારા વાચકને કદી ખબર જ નથી હોતી. દાખલા તરીકે ‘જ્હોની મેરા નામ’ જેવી સુપરહિટ ફિલ્મનો રિવ્યુ લખવાની શરૂઆત કરતાં પહેલાં મગનું નામ મરી પાડવાનું જ નહીં ! મતલબ કે ફિલ્મનું નામ જ નહીં લખવાનું ! 

સૌથી પહેલાં તો એક ભલતી જ કવિતા ફટકારી દેવાની કે ‘મૃદુ મિટ્ટી કે હૈ બને હુએ, મધ ઘટ ફૂટા હી કરતે હૈ, લઘુ જીવન લેકર આયે થે, પ્યાલે તૂટા હી કરતે હૈં’ વગેરે વગરે કરીને આખેઆખી કવિતા લખી નાંખવાની ! પછી જમણા હાથે ડાબો કાન પકડતા હોઈએ એ રીતે કંઈ ભલતી જ ફિલસોફી ફાડવા માંડવાની કે જીવન કેટલું ક્ષણભંગૂર છે… આ તો માટીનો લોંદો છે.. પળમાં ફૂટી જાય એવો પરપોટો છે… અને પરપોટાંને વળી નામ શેના હોય ? છતાં લોકો પોતાનાં નામો પાડે છે, પડાવે છે, પથ્થરમાં કોતરાવે છે, કાગળ પર ચીતરાવે છે વગરે વગેરે… 

તમને થશે કે, બોસ, આમાં ‘જ્હોની મેરા નામ’ ક્યાંથી આવશે ? તો અચાનક ઇન્ટરનેશનલ ફિલ્મોના કોઈ દિગ્દર્શકનું ક્વોટ ટાંકીને લખી નાંખવાનું કે 'એક્સિસ્ટેન્શિયલાઝિમમાં માનતા જાણીતા ફ્રેન્ચ દિગ્દર્શક કાફકાએ એકવાર ગોદાર્દને કોફીની ચૂસ્કી લેતાં લેતાં કીધેલું કે (પછી કૌંસમાં ઉમેરવાનું કે વાચક બિરાદર, આ એ જ ઝ્યાં લુક ગોદાર્દ છે જેણે ‘વીકએન્ડ’ જેવી એબ્સર્ડ ફિલ્મ બનાવતા પહેલાં ‘બ્રેથલેસ’ જેવી એક ફિલ્મ બનાવી હતી. જેમાં એક ગેંગસ્ટરના અસ્તિત્વવાદના ડીપ લેયર્સ હોવા છતાં તે આઉટ – એન્ડ – આઉટ એન્જોયેબલ થ્રિલર હતું. એમાં બેક-એન્ડ-ફોર્થ સ્ટોરીટેલિંગ વડે ગોદાર્દે જ ડિફરન્ટ ટાઈમઝોન-ટ્રાવેલનો એક્સપેરિમેન્ટ કર્યો હતો તે આજની ‘ઇન્ટાસ્ટેલર’ જેવી સાઈ-ફાઈ ક્લાસિકો સુધી પડઘાતો રહ્યો છે.) 

ટુંકમાં, હવે તમે સમજી ગયા હશો કે ફિલ્મ ભલે ‘જ્હોની મેરા નામ’ કેમ ના હોય, તમારે બે ચાર ફ્રેન્ચ-સ્વીસ-ઝેકોસ્લોવેકિયન ડિરેક્ટરોનાં નામો ફરજિયાત રીતે ભભરાવવાનાં છે ! એટલું જ નહીં, તમને ફિલ્મો વિશે વાપરવામાં આવતા અઘરા અઘરા શબ્દો (જેમ કે લેયર્સ, મેટાફર, સિમ્બોલ, ક્રોસ રેફરન્સ વગેરે )  ‘આવડે’ છે એવું બતાવવા માટે તેને છૂટ્ટે હાથે ગમે ત્યાં છાંટતા  રહેવાનું છે.

જોકે પાછા પેલા કાફ્કાની વાત ઉપર પણ આવવું પડશે ને ? તો લખવાનું કે ‘શેક્સપિયર જે વાતને ઓવર સિમ્પ્લીફાઈડ સ્ટેટમેન્ટમાં ખપાવી ચૂક્યા હતા કે ‘વોટ ઇઝ ઇન અ નેમ?’ એ જ વાત હજી પણ માનવ જગતને ખળભળાવી રહી છે ! એટલે જિનિયસ ડિરેક્ટર વિજય આનંદે પ્રાણ જેવા વેટરેન એકટરના ડીપ-રૂટેડ એક્સ્પ્રેશન વડે બોલાવડાવ્યું છે કે ‘જ્હોની… જ્હોની… જ્હોની જિસ કા એક નામ હૈ, જગમોહન દૂસરા ઔર ઉસ્માન અલી તીસરા ! વો હર નયે કારનામે કે લિયે એક નયા નામ રખ લેતા હૈ ! જ્હોની, પુલીસ કા આદમી હૈ !’

સાલું, આપણે માથું ખંજવાળતા રહી જઈએ કે વિજય આનંદ એક જ ડાયલોગ વડે આટલું બધું ‘અઘરું અઘરું’ કહેવા માગતા હતા ? મારું બેટું, આપણને કેમ ના સમજાયું ? 

હજી તમારો વાચક આ મૂંઝવણમાં ઝોલાં ખાતો હોય ત્યાં નવી જ લાઈન લઈ લેવાની કે ‘દુનિયામાં દર બીજા દિવસે એક કોપ-મૂવી બને છે. પણ આ ‘જોનર'માં, ઇન્ડિયન પોપ્યુલર સિનેમામાં, સલીમ-જાવેદે ‘જંજીર’નું જે કોપ-પોર્ટ્રેયલ કર્યું છે તેનો ‘પ્રિ-ડેટર’ છે..' અહીં કચકચાવીને 'પ્રિ-ડેટર' વિશે લખી નાંખવાનાં ! એમાં બૅટ-મેન, હરક્યુલિસ, ઓથેલો, આર્નોલ્ડ શ્વાઝનેગર વગેરેથી લઈને ભીમ, લક્ષ્મણ, હનુમાન અને જટાયુ સુધીનું જે કંઈ આવડતું હોય એ ઓકી મારવાનું !

બિચારો વાચક તો ટોટલી મુંઝાઈ જશે કે ‘યાર, આપણે દેવ આનંદનું કનેક્શન છેક જટાયુ, અને જાંબુવાન સુધી જોડવાનું હતું ? સાલી, ફિલ્મ હતી બહુ અઘરી હોં ! પણ આપણને સમજતાં જ ના આવડી !’

તમે કહેશો કે મન્નુભાઈ, ‘જ્હોની મેરા નામ’ તો અમે જોયેલી છે ! એમાં આવું બધું ક્યાં આવે છે ? તો મિત્રો, તમારી વાત સાચી જ છે ! પણ ખરી માસ્ટરી જે ફિલ્મનો રિવ્યુ લખવાનો છે એની પસંદગી કરવામાં જ છે ! ‘જ્હોની મેરા નામ’ને બદલે એકાદ મલયાલમ, કોરિયન કે ઇરાનીયન ફિલ્મ વિશે આવું બધું લખ્યું હોય તો વાચકો ડઘાઈ જાય કે નહીં ? બસ ત્યારે ! 

બાકી, ‘જ્હોની મેરા નામ’ વિશે જો તમે એમ લખો કે ‘ચિત્રપટની નાયિકાની અંતર્યાત્રાનાં બે બહિર્બિંદુ છે : એક તરફ તે પોતાના કદી ન જોયેલા પિતાની શોધમાં નીકળી છે પરંતુ તેની બીજી અંતર્યાત્રા કૃષ્ણ મંદિરનાં ઘરેણાં ચોરવાના ષડયંત્રમાં અટવાયેલી હોવા છતાં પોતાને સમાંતરે મીરાં-સ્વરૂપે નિહાળી રહી છે તેમાં છે. આમ કૃષ્ણ જ તેના પિતા એવમ્ પ્રભુના દ્વિબિંબમાં એકાકાર થાય છે…’ 

તો એને ‘સાહિત્યીક’ વિવેચન કહેવાય ! સમજ્યા ?

***

- મન્નુ શેખચલ્લી

 E-mail : mannu41955@gmail.com

Comments

  1. Superb creative!!! Maathu chakraavi didhu!

    ReplyDelete
  2. વો બોલો ! તમારું માથું ચકરાઈ ગયું એને મારી સફળતા ગણવાની કે નિષ્ફળતા ? 😢😢😢

    ReplyDelete

Post a Comment