આપણી હિન્દી ફિલ્મો ભલે આડેધડ બનતી હોય, પરંતુ આપણી ટીવી સિરિયલો તો ચોક્કસ પ્રકારના નિયમો મુજબ જ બને છે ! જુઓ…
***
નિયમ (1)
ઘરમાં મસ્ત મસ્ત પોચા-પોચા સોફાઓ હોય તો પણ બધા ઊભા ઊભા જ વાતો કરશે !
***
નિયમ (2)
ઘરમાં લાખો રૂપિયાનું ઇન્ટિરીયર કરાવ્યું હશે પરંતુ મા કસમ, કોઈના ઘરમાં ટીવી તો નહીં જ હોય !
***
નિયમ (3)
છતાં કોઈ ખતરનાક બ્રેકિંગ ન્યુઝ બતાડવાના હોય ત્યારે અચાનક ક્યાંકથી ટીવી દેખાશે ! ફરી પાછું ન્યુઝનું કામ પતી ગયા પછી ટીવી ગાયબ થઈ જશે !
***
નિયમ (4)
તમામ ખાનદાનોના બિઝનેસમાં ઘરનાં બૈરાં માથું મારતાં હશે. એમાંથી અમુક તો ૫૦ જણાના સ્ટાફવાળી મોટી ઓફીસમાં ફક્ત પસાર થવા માટે જશે… પછી પોતાની કેબિનમાં બેસીને ફોન ઉપર ઝગડા કરવાનું જ કામ કરતી હશે !
***
નિયમ (5)
ભલભલાં અબજોપતિ ખાનદાનોનાં ઘરોમાં કોઈ કામવાળીઓ, કામવાળાઓ વગેરે કદી જોવા જ નહીં મળે !
(આમાં એક જ અપવાદ હતો… ‘ઇમલી’ ! પરંતુ હવે તો એ પણ કામવાળીમાંથી ઘરવાળી થઈ ગઈ ! બોલો.)
***
નિયમ (6)
જ્યારે પણ કોઈ એક્સિડેન્ટ થાય ત્યારે એ લોકો સગા વ્હાલાંને ફોનો કરી કરીને રડારોડ કર્યા કરશે પણ 108માં ફોન નહીં કરે !
***
નિયમ (7)
બંગલામાં એકાદ વિધવા ફોઈ સતત શાક સમારતી જોવા મળશે ! પરંતુ એ જે શાક સમારતી હોય એ શાક રંધાઈને કોઈ દહાડો ડાઈનિંગ ટેબલ ઉપર જોવા નહીં મળે !
***
નિયમ (8)
… અને આ તો મોસ્ટ કંપલ્સરી નિયમ છે… કે કોઈપણ સિરિયલમાં કોઈપણ ખાનદાન હળીમળીને, શાંતિથી નહીં જ રહેતું હોય ! જે ખાનદાન આ નિયમનો ભંગ કરશે તેની સિરિયલ બંધ કરી દેવામાં આવશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment