ફિલ્મી હિરોની સૌથી 'મલાઈદાર' નોકરી !

હિન્દી ફિલ્મના હિરોની નોકરીઓની વાત કરીએ તો સૌથી વધુ પોપ્યુલર રહેલી નોકરી પોલીસ ઇન્સ્પેક્ટરની છે ! 

જોવાની વાત એ છે કે જ્યાં સુધી ‘જંજીર’ નહોતી આવી ત્યાં સુધી આ નોકરીની કોઈ ડિમાન્ડ જ નહોતી ! કોઈ ફિલ્મમાં છાપામાં પણ પોલીસ ભરતીની ‘વોન્ટેડ’ છપાયેલી જોવા મળી નહોતી ! અરે, કોઈ ફિલ્મનો હિરો પોતાના ઠોચરાં જેવાં ઘરમાં દાખલ થઈને એની માને એવું કહેતો દેખાયો નહોતો કે ‘માં…માં… મૈં પુલીસ ઇન્સ્પેક્ટર બન ગયા !’ એટલું જ નહીં, મા પણ હરખાઈને એવું નથી બોલી કે ‘અબ તો બાઈક, બંગલા ઔર બહુ… તીનોં હપ્તે હપ્તે લે આયેંગે !’

‘જંજીર’ પહેલાંની પોલીસ બિચારી છેક છેલ્લા રીલમાં જ આવતી હતી, જ્યારે પેલો ટ્યૂશન માસ્તર હિરો મોટેભાગના ગુન્ડાઓની ધૂલાઈ કરી ચૂક્યો હોય ! ભલુ થજો સલીમ-જાવેદનું કે ફિલ્મી ઇન્સ્પેક્ટરોને એમણે ઇજ્જત અપાવી. બાકી, બિચારા ઇફ્તેખાર જેવા ઇફ્તેખારને ખાખી ચડ્ડી પહેરીને પરદા ઉપર આવવું પડતું હતું ! (આમાં છેવટે ‘પ્રમોશન’ પણ ઇફ્તેખારનું જ થયું કેમકે હવે એમને ઇન્સ્પેક્ટરને બદલે પોલીસ કમિશનરના રોલ મળવા લાગ્યા હતા.)

પહેલાં તો ફિલ્મી ઇન્સ્પેક્ટરોને ભાગે ‘પુલીસને તુમ્હેં ચારોં ઔર સે ઘેર લિયા હૈ’ અને ‘યુ આર અંડર અરેસ્ટ!’ આ બે સિવાય ત્રીજો ડાયલોગ પણ બોલવા મળતો નહોતો. પણ પછી તો ઇન્સ્પેક્ટરો ગાયનો પણ ગાવા લાગ્યાં ! સાલું, આપણને થાય કે બોસ, કઈ પોલીસ એકેડમીમાં પોલીસોને ગાયનો ગાતાં શીખવતા હશે ? જરા અમને પણ બતાડો ને ?

‘સિંઘમ’માં તો હવાલદારો પણ ખાખી પેન્ટ અને બનિયાન પહેરીને સડક ઉપર સેંકડોની સંખ્યામાં ઉતરી પડીને સમૂહગાન ગાય છે ! સેવન્ટીઝના દશકમાં એક અમોલ પાલેકર જ એવો હશે જેણે ઇન્સ્પેક્ટરની વરદી ના પહેરી હોય, બાકી નવીન નિશ્ચલ અને વિજય અરોડા જેવા પપલુઓ પણ ઇન્સ્પેક્ટરો બનીને રોલા મારતા હતા.

એ જમાનાની ફિલ્મી પોલીસ એકેડમીએ ફિલ્મી ઇન્સ્પેક્ટરોનો ‘ફેશન-કોડ’ પણ નક્કી કરી રાખ્યો હતો ! ગોગલ્સ તો ગોલ્ડન ફ્રેમવાળા ‘રે-બેન’ના જ પહેરવાના અને બાઈક તો રોયલ એન્ફિલ્ડનું ‘બુલેટ’ જ હોય. આ તો વળી સારું થયું કે રાજકુમારે ઇન્સ્પેક્ટર બનીને સફેદ જુતાં પહેરવાનો આગ્રહ ના રાખ્યો ! 

બાકી, હા એકેડમીના ડ્રેસ-કોડ મુજબ સેવન્ટીઝના ઇન્સ્પેક્ટરોએ શર્ટનાં ત્રણ બટન તો ખુલ્લાં જ રાખવા પડતાં હતાં. જેથી છાતીના વાળ બરોબર દેખાય ! (અનિલ કપૂર ભલે આ ફેશનનો કોપી રાઈટ પોતાનો સમજતો હોય, બાકી પોલીસ એકેડમીમાં એની ઝુંબેશ તો ફિરોઝ ખાને જ ચલાવી હશે !)

ઇન્સ્પેક્ટરોના ફેશન-કોડની વાત કરીએ તો માથાના વાળ લાંબા રાખવાના અને થોભિયાં કાન સુધીનાં જ હોવાં જોઈએ એવો નિયમ અમિતાભ બચ્ચને તેના ભાઈબંધ રાજીવ ગાંધીની લાગવગ લગાડીને છેક દિલ્હીથી પાસ કરાવ્યો હોવો જોઈએ ! એ જ રીતે ડ્યૂટી પર હોવા છતાં ‘સાદા ડ્રેસ’ને નામે કોઈપણ લાઈટ કલરનું શર્ટ, ડાર્ક કલરનું પેન્ટ ભલે પહેર્યું પણ ‘સોનેરી ફ્રેમવાળા ‘રે-બેન’ના ગોગલ્સ પહેર્યા હોય તો જ એ ઇન્સ્પેક્ટર ગણાશે’ એવું પણ રૂલ-બુકમાં લખાવી લીધું હશે.

આ બધા ઇન્સ્પેક્ટરોમાં ફક્ત રજનીકાંત જ એવો નીકળ્યો કે જે રે-બેનના ગોગલ્સને હવામાં ઘુમાવીને જાતજાતના અવાજો પેદા કરી શકતો હતો. સલમાન ખાને બહુ ટ્રાય કરી, પણ છેવટે ફાવ્યું નહીં એટલે શર્ટના કોલરના પાછળના ભાગમાં ગોગલ્સ ખોસવાનું ચાલું કર્યું ! 

રજનીકાંત તો રિવોલ્વર, ટોપી, સિગારેટ અને હપ્તામાં મળતી રૂપિયાની થોકડી પણ હવામાં ગોળગોળ ઘુમાવીને તેની પ્રોપર જગ્યાએ સેટ કરી શકતો હતો પણ એને આ લોકોએ પોલીસ એકેડમીમાં સિનિયર ટ્રેઈનર તરીકેની પોસ્ટ આપી નહીં ! એમાં બીજા બધા ફિલ્મી ઇન્સ્પેક્ટરો થોડા ડોબા રહી ગયા.

‘જંજીર’ પછી કમસે કમ 500 ફિલ્મી ઈન્સ્પેક્ટરો આવી ગયા હશે પણ તેમાં એક વાત માર્ક કરી ? આ ઇન્સ્પેક્ટરોને લાંચ લેતા બતાડ્યા છે, મેડલ લેતા દેખાડ્યા છે પણ બોસ, કોઈ દહાડો કોઈ ઇન્સ્પેક્ટર ‘પગાર’ લેતો દેખાયો છે ?

- અને હા, પગાર-વધારાની માગણી કરતો પણ નથી દેખાડ્યો ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments