થોડા ચૂંટણીલક્ષી સુવાક્યો !

ચૂંટણીના સમયમાં સ્લોગનોની તો ભરમાર છે ! એટલું જ નહીં, દરેક નેતા જાણે પોતે જ ડહાપણનો ભંડાર હોય તેમ જનતાને જાતજાતની સલાહો આપે છે !

પરંતુ અમારી ફરજ છે કે પબ્લિકને આવા સમયે કેટલુંક પરમ જ્ઞાન આપવું જરૂરી છે…

*** 

‘તને જિંદગીભર ખુશ રાખીશ’ એવું કહેનારો પ્રેમી અને ‘તમારી હંમેશાં સેવા કરીશ’ એવું કહેનારા નેતા વચ્ચે માત્ર ચૂંટણીની તારીખ અને લગ્નની તારીખ જેટલો જ ફરક હોય છે !

*** 

જવાહરલાલ નહેરુએ જે ‘પંચવર્ષીય યોજના’ શરૂ કરી હતી એનો અર્થ પ્રજાને તો છેક હવે સમજાય છે ! બાકી નેતાઓ તો એ જ વખતથી જાણતા હતા…

*** 

ચૂંટણીપંચ માત્ર ખર્ચની મર્યાદા બાંધે છે. બાકી દંભ, નફ્ફટાઈ, જુઠ્ઠાણાં, છેતરપિંડી અને સ્વાર્થની કોઈ મર્યાદા બંધારણમાં પણ લખાઈ નથી !

*** 

કંપનીમાંથી ખરીદેલો સામાન અને ચૂંટણીમાં પસંદ કરેલા નેતા વચ્ચે એક મોટો ફરક હોય છે… કંપનીવાળાને કોઈ કંપ્લેઇન કરવી હોય તો સર્વિસ સ્ટેશનનો ફોન નંબર આપેલો હોય છે.

*** 

‘નામ ગુમ જાયેગા… ચહેરા યે બદલ જાયેગા…’ 
ગુલઝારે આ પંક્તિઓ પ્રચાર કરી રહેલા કોઈ ઉમેદવારનું મોઢું જોઈને જ લખી હતી !

*** 

‘આપનો કિંમતી અને પવિત્ર મત…’ 
આમાં એવું છે કે તમે તમારા મતને જેટલો વધારે ‘પવિત્ર’ માનો છો, એટલી જ એની ‘કિંમત’ ઓછી થતી જાય છે !

*** 

‘તારું કર્મ માત્ર ‘કર્મ’ કરવાનું છે, ‘ફળ’ ઉપર તારો કોઈ અધિકાર નથી…’
આવું જે ગીતામાં લખ્યું છે તે માત્ર મતદારને લાગુ પડે છે, નેતાઓને નહીં !

*** 

લોકશાહીની સિસ્ટમ સિમ્પલ છે : 
‘થોડા પૈસાના બદલામાં ગરીબોના મત લઈ લો, અને પછી ઘણા બધા પૈસાના બદલામાં ધનવાનોને કોન્ટ્રાક્ટ આપી દો !’

*** 

પાંચ વરસમાં રૂપિયા ડબલ કરવાની એક જ બેસ્ટ સ્કીમ છે ! … ધારાસભ્ય બની જાવ !

***

- મન્નુ શેખચલ્લી

Comments