હોલિવૂડની 'કાઉ-બોય' ફિલ્મોના નિયમો !

કાઉ-બોય ફિલ્મોનું નામ ‘કાઉ-બોય’ શેના માટે પડ્યું હશે તે અમને આજ દિન સુધી સમજાયું નથી. એનું સીધું ગુજરાતી કરો તો ‘ગાય-છોકરો’ યાને કે ‘ગોવાળિયો’ એવો અર્થ થાય, રાઈટ ?

પણ ભૈશાબ, હોલીવૂડની એ કાઉ-બોય ફિલ્મોમાં એક પણ સીન એવો દેખા્ડ્યો હોય કે જેમાં ફિલ્મનો હિરો (અથવા હિરોઈન) ગાય-ભેંશ તો છોડો, ઘેટાં-બકરાં પણ ચરાવતો હોય તો આપણે 100 ડોલરની શરત હારી જવી !

આ કાઉ-બોય ફિલ્મો અથવા વેસ્ટર્ન એકશન મૂવિઝમાં અમુક તો ટેક્સ્ટ-બુક જેવી ગણાય છે. જેમ કે ‘ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી,’ ‘ફોર અ ફ્યુ ડોલર્સ મોર’, ‘માય નેમ ઇઝ નોબડી’ ‘વન્સ અપોન અ ટાઈમ ઇન ધ વેસ્ટ’ વગેરે. જોકે આવી ફિલ્મોના અમુક ખાસ નિયમો હતા ! જેમકે…

(1) ચારેબાજુ પથરાળ, સુક્કી જમીન હોય એની વચ્ચે એકાદ ગામડું હોય પણ એ લોકો ત્યાં શું ઉગાડીને ખાતા હશે તે કદી બતાડશે નહીં. મતલબ કે ક્યાંય ખેતરો જોવા નહીં મળે.

(2) દરેક ગામમાં એકાદ દારૂનો અડ્ડો એવો નહીં હોય જ્યાં ઢીશ્ક્યાંઉ… ઢીશ્ક્યાઉં… કરીને ગોળીઓ ના છૂટી હોય !

(3) ગોળીઓ છૂટવાથી દારૂની બાટલીઓ, કાચના ઝૂમ્મરો, ટેબલ, ખુરશી, ફોટાની ફ્રેમો, બારી-બારણાં વગેરે તમામ ચીજોનો કચ્ચરઘાણ વળી જશે પણ ગામમાં ‘રમખાણ-તોફાન કે મારામારી’ વડે થતા નુકસાન સામે વીમો ઉતારી આપનારી કોઈ વીમા કંપનીની ઓફિસ કદી જોવા મળશે નહીં.

(4) અચ્છા, ગામમાં એક ‘શેરીફ’ પણ હશે. (જે આખા ગામનો એકલો જ ‘જમાદાર’ હોય ! એની પાસે પાંચ-પંદર ‘સિપાઈડાં’ પણ ના હોય !) એ માથાફરેલ ગુનેગારો સામે ટણી કરીને રોલા મારતો ફરતો હશે પણ બાપ જન્મારામાં એ કદી પેલાં ફૂટેલાં પ્યાલા-બરણી, બાટલી, કાચ, ઝુમ્મર, ફર્નિચર વગેરેની ‘નુકસાની’ની રકમ અડ્ડાના માલિકને અપાવશે નહીં !

(5) તમે માર્ક કરજો, ગામમાં બૈરાંઓનું પ્રમાણ પુરુષોના ગુણોત્તરમાં માત્ર 1:100નું જ હશે ! અર્થાત્, ગામમાં જો 1000 માણસોની વસ્તી હોય તો એમાં મહિલાઓ 10થી વધુ નહીં જોવા  મળે ! (હવે એમ નહીં પૂછવાનું કે આ બધા મૂછાળા ભાયડા પેદા ક્યાંથી થતા હશે ?)

(6) એ ફિલ્મોમાં એવો નિયમ હોય છે કે સૌ આખી જિંદગી એક જ જોડી કપડાં પહેરીને ફર્યા કરવાનું છે ! અને ખબરદાર ! કોઈએ નહાવાનું પણ નથી !

(7) ગામમાં હેર-કટિંગ સલૂન તો હશે પણ એમાં માત્ર અસ્ત્રા વડે દાઢી જ થતી હશે ! કોઈના વાળ કાપવાનો સીન બતાડવાની મનાઈ છે.

(8) આ બધાં ગામડાંમાં નહાવાનો રિવાજ જ નથી એટલે ‘શોલે’ની જેમ કોઈ પાણીની ટાંકી પણ જોવા મળશે નહીં.

(9) છતાં, પાણીની ટાંકી તમને માત્ર રેલ્વે સ્ટેશન પાસે જોવા મળશે ! પરંતુ નવાઈની વાત એ હશે કે આવાં રેલ્વે સ્ટેશનો ઉપર કદી પેસેન્જરોની ભીડ જોવા જ નહીં મળે ! બધાં રેલ્વે સ્ટેશનો ઉપર બારેમાસ સન્નાટો જ હશે !

(10) તો પછી અહીં રેલ્વે-લાઈનો શેના માટે બનાવી છે ? મોડે મોડે તમને સમજાશે કે રેલ્વેના ડબ્બામાં વરસના વચલે દહાડે કોઈ ‘મોટો ખજાનો’ લઈ જવાતો હોય છે !

(11) આવા ખજાના કદી સહી-સલામત એના ઠેકાણે પહોંચશે જ નહીં ! રસ્તામાં એને લૂંટી લેનારા ‘કાઉ-બોય્ઝ’ ટાંપીને બેઠા જ છે !

(12) ગામમાં ત્રણ જ પ્રકારની દુકાનો ચાલે છે. એક, દારૂની દુકાન, બીજી હજામતની દુકાન અને ત્રીજી બંદૂકોની દુકાન !

(13) એટલે જ તમને જ્યાં ને ત્યાં ગુનેગારોનાં WANTEDનાં પોસ્ટરો જોવા મળશે, પણ નહાવા-ધોવાના સાબુ, પિત્ઝા-બર્ગર કે મેક્સિકન ફૂડ અથવા રેડી-મેઈડ ગારમેન્ટસનાં (ઇવન ચડ્ડી બનિયાનનાં ) પોસ્ટરો જોવા મળશે નહીં.

(14) અને હા, બધા કમરના પટ્ટામાં ગન ખોસીને ફરતા દેખાશે પણ જાહેરમાં સામસામે ગોળી ચલાવવાની હોય તો એ પહેલાં એટલી બધી વાર લગાડશે કે આખા ગામને ચારસો બગાસાં આવી જાય !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments