પહેલો સવાલ તો એ જ થવો જોઈએ કે અહીં આપણી પાસે હનુમાન, ભીમ, ક્રીશ અને મોદી સાહેબ જેવા સુપરમેન હોવા છતાં આપણે હોલીવૂડના સુપરમેનને શા માટે સવાલો પૂછવા જોઈએ ? પણ એ વાત સાઈડમાં રાખો. છેક 1978થી લઈને આજસુધી આપણે સુપરમેનની ફિલ્મો જોતા આવ્યા છીએ છતાં અમુક સવાલોના જવાબો હજી આપણને મળ્યા જ નથી ! જેમ કે…
(1) આ સુપરમેન કપડાં બદલવા માટે હંમેશાં કોઈ ટેલિફોન બૂથમાં જ કેમ જાય છે ? શું એની પેલી છાપાની ઓફિસમાં વોશરૂમ જેવું કંઈ છે જ નહીં ?
(2) બીજું, ભૈશાબ, હવે તો ઇન્ડિયા જેવા ઇન્ડિયામાં પણ સ્માર્ટફોનો આવી જવાને કારણે ટેલિફોન બુથો રહ્યાં જ નથી ! તો ભઈલા, તારી ગોથામ સિટી હજી કેમ આટલી પછાત છે ? ત્યાં બધે લેન્ડલાઈન અને STD જ ચાલે છે ?
(3) ત્રીજો સવાલ તો અમને ખુબ જ સતાવે છે કે ભાઈ સુપરમેન, તું ટેલિફોન બુથમાં જઈને તારાં રેગ્યુલર પેન્ટ, શર્ટ, બનિયાન, જાંઘિયો, મોજાં અને શૂઝ (ચશ્મા પણ ખરાં) વગેરે તારી સુપર સ્પીડમાં કાઢીને તારો સુપરમેનનો ડ્રેસ સુપર સ્પીડથી પહેરી લે છે એ તો બરોબર, પણ પછી પેલાં રેગ્યુલર કપડાં તું રાખે છે ક્યાં ? તારી ચડ્ડીમાં ? (કેમકે ટેલિફોન બૂથમાં જ મુકીને જાય અને ત્યાંથી ચોરાઈ જાય તો ફરીથી ‘પહેરવાનું’ શું ?)
(4) અચ્છા, એ સવાલ પણ સખ્ખત સતાવે છે કે તું જ્યારે હવામાં 200 થી 400 KMની સ્પીડે ઉડતો હોય છે ત્યારે તારા વાળ કેમ ઉડતા નથી ? તું એવી તે કેવી ‘જેલ’ લગાડે છે કે વાળની એક લટ પણ આમથી આમ નથી થતી !
(5) અચ્છા, આટલી બધી સ્પીડમાં ઉડતી વખતે તારા મોં ઉપર કોઈ મચ્છર, માખી, કાગડો, કાબર, ચામાચિડીયું, ચીબરી વગેરે કેમ કદી અથડાતા નથી ? અમારા અમદાવાદમાં તો ભૈશાબ વિમાનોમાં નાનકડું ‘બર્ડ-હિટ’ થઈ જાય તો આખી ફ્લાઈટ કેન્સલ કરી નાંખવી પડે છે !
(6) અને હા, ખાસ એ પૂછવું હતું કે બોસ, હવામાં 500ની સ્પીડે ઉડતી વખતે તું એક જ હાથ કેમ આગળ રાખે છે ? બીજા હાથે શું હવાના ફોર્સથી નીકળી જતી તારી ચડ્ડીને પકડી રાખવી પડે છે ?
(7) અને ભઈ, આટઆટલાં વરસથી એક જ લાલ-ભૂરા કલરનાં કપડાં પહેરીને ઉડ્યા કરતાં શરમ નથી આવતી ? તમારા એ ગોથામ સિટીમાં કોઈ ફેશન ડિઝાઈનર છે જ નહીં ? તું કહેતો હોય તો અહીંથી અમે અમારા રણવીર સિંહને મોકલી આપીએ ! બોલ. (એ તો દિપીકાનાં કપડાં પણ તને પહેરાવી શકશે.)
(8) અને હા, છાતી ઉપર ફક્ત એક સુપરમેનનો ‘S’ લોગો કેમ લઈને ફર્યા કરે છે ? જરા અમારા IPLના ક્રિકેટરો પાસેથી થોડું શીખ ? તને તો મિમિમમ બે ડઝન કંપનીની સ્પોન્સરશીપ મળી શકે છે !
(9) અચ્છા, સ્પોન્સરશીપથી યાદ આવ્યું, તને તો ‘સ્વિગી’ કે ‘ઝોમેટો’ના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે ઇઝિલી 30-40 કરોડ મળી શકે છે ! પછી તારી એડ આવશે ‘વર્લ્ડ્ઝ ફાસ્ટેટ ડિલિવરી બોય’ !
(10) અને હા, તું પેલા છાપામાં ફાલતુ પત્રકારની નોકરી કરે છે એના કરતાં ‘સ્વિગી’ કે ‘ઝોમેટો’માં જ નોકરી લાગી જા ને ! એ લોકો પછી એડમાં ક્લેઇમ કરશે : ‘30 સેકન્ડમેં નહીં મિલા તો પૈસા વાપસ !’
(11) અચ્છા, એક પર્સનલ સવાલ હતો, યાર, તું તો પેલા ‘ક્રિપ્ટોન’ નામના ગ્રહથી અહીં આવ્યો છે ને ? તો કદી તું તારા મામા-મામીના ઘરે કેમ નથી જતો ? તારા માસા-માસી પણ કદી તને મળવા અહીં આવતા નથી… એવું કેમ ?
(12) એક રિક્વેસ્ટ પણ હતી, બોસ, તમે ધનાધન સ્પીડમાં જતી ટ્રેનનો એક્સિડેન્ટ થતાં બચાવવા માટે એને એક જ હાથે રોકી શકો છો એ તો ગ્રેટ વાત છે, પણ બોસ, અમારે ત્યાં જે ટ્રેનો હંમેશાં લેટ પડે છે એને સ્હેજ ધક્કો મારવા માટે ઇન્ડિયામાં ના આવી શકો ?
(13) અને છેલ્લો સવાલ… આ રજનીકાન્ત તમારો શું સગો થાય ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment