પહેલાં સગાના પ્રકારો !

આપણે ત્યાં પાડોશીને પહેલો સગો કહ્યો છે. પરંતુ આ સગાઈમાં પણ ઘણી વરાયટી જોવા મળે છે !

*** 

વાટકી પાડોશી
જે પાડોશી વાટકી ખાંડને નામે મહિનામાં તપેલું ભરીને ખાંડ લઈ જાય અને સામેથી માત્ર મીઠા મીઠા શબ્દો જ પધરાવી જાય એને પણ વાટકી વહેવાર કહે છે, હોં !

*** 

સીસીટીવી પાડોશી
તમારે ત્યાં કોણ આવ્યું ? કોણ કેટલા વાગે, શું પહેરીને, ક્યાં ગયું ? રાતે કેટલા વાગે બેડરૂમની લાઈટ બંધ થઈ ? આ તમામ હરકતો ઉપર તમારા પાડોશી માત્ર એટલા માટે નજર રાખે છે કે ક્યાંક તમારા ઘરમાં ‘ચોર’ ના ઘૂસ્યા હોય ! બોલો.

*** 

બ્રેકિંગ ન્યુઝ પાડોશી
‘લો, તમને ખબર નથી ? પેલા શંભુકાકાના બાથરૂમમાંથી ઘરોળી નીકળી એમાં તો સાસુ ને વહુ વચ્ચે ઝગડો થઈ ગયો !’… અગાઉ આવી વાતોને પંચાત કહેતા હતા, આજે બ્રેકિંગ ન્યુઝ કહે છે !

*** 

કોમન-વુમન પાડોશી
કોમન-વુમન એટલે ? જેને ત્યાં કામવાળી બાઈ કોમન હોય ! પછી ભલે ને એ પંદર ઘર દૂર રહેતી હોય, તો પણ પૂછવા આવશે. ‘તમારા ઘરે વાસણ કરી ગઈ ? અમારા ઘરે તો કચરા-પોતાં કરવા ય નથી આવી, બોલો.’

*** 

હૉટ પાડોશી
રંગ રૂપે દેખાવડાં હોય એની વાત નથી ! આ તો તમારાં કપડાં, ફર્નિચર, પગાર, સંતાન, પતિ, પત્ની કે વેકેશનની ટુર જેવી દરેક બાબતે ‘જલતા’ હોય અથવા ‘જલાવતા’ રહેતા પાડોશીની વાત છે ! ‘તમે ક્યાંય ફરવા જ ના ગયા ? અમે તો કાશ્મીર જઈને આવ્યા, હોં !’

*** 

ફેસબુક પાડોશી
આજકાલ આ ‘દૂરનાં સગાં’ હોવા છતાં પહેલા પાડોશીઓ આ જ છે ! બોલો, ખોટી વાત છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments