કવિના મનમાં ક્યારની ગડમથલ ચાલી રહી હતી ! સાલું, હવે છાશ ઉપર પણ GST ? એ તો ઠીક, લોટ ઉપર પણ GST ? મતલબ કે લોટ પણ ફાકવો અને GST પણ ભરવો ?
ગડમથલના મૂળમાં કવિની સધ્ધર આર્થિક સ્થિતિ હતી. ગઈકાલનો વધેલો રોટલો અને પાડોશીના ઘરેથી આવેલ છાશ વડે તે ‘લંચ’ કરવાના મૂડમાં હતા પરંતુ આ GSTની ગડમથલમાં એમની ભૂખ મરી ગઈ. એમણે એમના ટેક્સ કન્સલ્ટન્ટને ફોન લગાડ્યો !
અહીં સ્પષ્ટતા કરી દઉં કે જ્યાં કવિની આવકના જ ફાંફા હોય ત્યાં વળી ટેક્સ કન્સલ્ટન્ટ ક્યાંથી આવ્યો ? તો વાત એમ છે કે એક જમાનામાં એમણે પોતાની લોકપ્રિયતા કેટલી પ્રચંડ છે તે બતાડવા માટે ઇન્કમટેક્સના રિટર્નમાં ‘એન્ટરટેઇનમેન્ટ ટેક્સ’ના નામે 125 રૂપિયા બતાડ્યા હતા !
ટેક્સ ખાતાના અધિકારીએ પૂછ્યું કે તમે કોનું મનોરંજન કરેલું ? તો કવિએ કીધેલું કે આ તો એક કવિ સંમેલનમાંથી મળેલો પુરસ્કાર છે. ત્યારે પેલા સાહેબે કીધેલું કે એને ‘સર્વિસ’ ટેક્સમાં બતાડો કેમકે ઉઘરાણી કરનારા ગુંડાઓ પણ મારામારી અથવા મારામારીની ધમકીને ‘સર્વિસ કરી દીધી’ એમ કહે છે.
બસ, એ જ દિવસથી કવિને GST યાને કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં રસ પડવા માંડ્યો હતો ! આમાં ‘ગુડ્ઝ’ તે પોતાની કવિતાઓને ગણતા હતા (GOODS જ કહેવાય ને ! BADS તો કોણ કહે, પોતાની જ કવિતાને ?) અને ‘સર્વિસ’ એ કવિતાઓને શ્રોતા સમક્ષ ફટકારવાની ક્રિયાને ગણતા હતા. પરંતુ આ ‘દહીં’વાળા ન્યુઝ આવ્યા પછી જ ખરી ગડમથલ શરૂ થઈ !
એમાં થયું એવું કે હજી થોડા જ દિવસો પહેલાં એમને કોઈએ ધમકી આપેલી કે ‘હવે જો મગજનું દહી કર્યું છે તો તારાં હાડકાં ભાગી નાંખીશ !’ કવિ હવે મુંઝાયા છે કે આ મગજના દહીં ઉપર GST ભરવાનો આવે તો શી દશા થાય ?
થોડી તપાસ કરતાં ખબર પડી કે જો ‘છૂટક’ દહીં હોય તો GST ના લાગે પણ ‘પેકિંગમાં’ હોય તો લાગે ! કવિ વધુ મુંઝાયા ! કેમ કે અહીં તો સામેવાળાનું મગજ (કવિ સંમેલનમાં તો એક નહીં સેંકડો મગજ) ‘ખોપડીના પેકિંગમાં’ હોય છે ! વળી ‘દહીં કરી આપવાની સર્વિસ’ પણ કવિના માથે જ ગણાય ! ઉપરથી મગજનું દહીં થવાની ‘કિંમત’ તો પેલો ઘરાક જ નક્કી કરે ને ?
અહીં કવિને ટેકનિકલ સવાલ એ થઈ રહ્યો છે કે મગજ યાને કે રો મટિરીયલ ઘરાકનું, પેકિંગ યાને કે ખોપડી ઘરાકની, ફક્ત કવિતા રૂપી ‘મેળવણ’ જ કવિનું ! તો એ દહીં ઉપર ટેક્સ કોણે ભરવાનો ? શું મેળવણ ઉપર પણ GST લાગે ?
જોકે કવિ હજી કોઈ ટેક્સ અધિકારીને પૂછવાની હિંમત નથી કરી રહ્યા કેમકે મગજનું દહીં કરી નાંખવાની ‘સર્વિસ’ તો એમણે જ આપી કહેવાય ને ? કવિને એવા વિચારો પણ આવી રહ્યા છે કે જો કવિ સંમેલન કોઈ રેસ્ટોરન્ટમાં રાખ્યું હોય, તો તો નવા નિયમ મુજબ સર્વિસ ટેક્સ ના લગાડી શકાય ને ?
આમાં ને આમાં કવિના મનમાં જબરદસ્ત વિચાર-વલોણું ચાલુ થઈ ગયું ! અરે, આ ‘વિચાર-વલોણું’ શબ્દ આવતાં જ કવિના મનમાં ઝબકારો થયો કે યાર, મારા મગજમાં જે વિચાર-વલોણું ચાલે છે એ પ્રક્રિયાને કારણે જ કવિતા રૂપી માખણ નીકળે છે ને ! તો તો બોસ, કવિતા ‘બટર’ કહેવાય ને ? અને બટર ઉપર તો GST છે જ ! મતલબ કે જેટલી કવિતાઓની પસ્તી ભેગી થઈ છે એની ઉપર જો કદી ‘રેઇડ’ પડી તો ? સાલું, ક્વિન્ટલોના હિસાબે GST ભરવાનો આવે !
હવે કવિ બરોબરના ફસાયા છે… કેમકે મગજમાં વિચાર-વલોણું બંધ થતું નથી, કવિતારૂપી માખણનું ઉત્પાદન પણ થતું નથી, મગજનું દહીં પણ થઈ રહ્યું છે અને વલોણાને કારણે નકામી છાશનું પ્રવાહી છર્રર્રર્ર… છર્રર્રર્ર… એવા વિચિત્ર અવાજો કરી રહ્યું છે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
છાસ વલોવવાથી માખણ નિકળે,તો પાણી વલોવવાથી શું નિકળે???
ReplyDeleteરૂ...પાણી... એ ય નીકળી ગયા ને.!
ReplyDelete😃😃😃😃
Deleteપાણી..ચુ....આ તો એક વાત છે
ReplyDelete