એ જમાનાનું ટીવી હતું કે નવી વહુ ?

જે જમાનામાં ગેસનો બાટલો અને રેશનની ખાંડ પણ ચાર ધક્કા ખાધા વિના મળતી નહોતી, જે જમાનામાં પેલું સાલું તીતીઘોડા જેવું ‘લુના’, ‘મોપેડ’ પણ છ મહિના વેઈટિંગમાં ચાલતું હતું અને ત્રાંસું કર્યા વિના કદી સ્ટાર્ટ ના થાય એવું સ્કુટર પણ ‘ઓન’ વિના મળતું નહોતું... 

એ જમાનામાં ખરેખર ચમત્કાર જેવું લાગતું હતું કે આપણે રોકડા લઈને જઈએ અને શો-રૂમમાંથી વટ કે સાથ (જાણે આજે ‘ચાર બંગડીવાળી’ ઓડી છોડાવીને લાવ્યા હોઈએ એમ) નવું નક્કોર ટીવી લઈને ‘એ જ દિવસે’ ઘરે આવી જતા હતા !

ઘરમાં ટીવી આવે એ શરૂઆતમાં ઘરે ‘બાબો’ આવ્યો હોય એવી ભ્રામક અને ભોળી અંધશ્રધ્ધામાં આવીને અમુક લોકો અડોશ-પડોશમાં પેડાં વહેચી આવતા હતા. જોકે થોડા જ સમયમાં એ ભ્રમ ભાંગી જતો હતો અને સમજાઈ જતું હતું કે આ ઘરનો કુળદિપક નહીં પણ નવી, નખરાળી, ઘમંડી અને દોઢ-ચાંપલી ‘વહુ’ લઈ આવ્યા છીએ !

સૌથી પહેલાં તો એને ‘એસેસરીઝ’ કેટલી ? આજના ટીવીને તો દિવાલ પર હૂક લગાડીને લટકાવી દો એટલે પત્યું પણ એ જમાનામાં ? નવી વહુ માટે નવી ટીવી-ટ્રોલી લાવવાની ! જેમાં પૈંડા તો હોય પણ બિચારી શોભાની પૂતળીની જેમ એક ખૂણામાં જ ઊભી રહે ! ઉપરથી ‘ટીવી-વહુ’ માટે સરસ મઝાનું ‘ઘુમટા’વાળું ટીવી-ફેસ લાવવાનું ! 

આ ટીવી-વહુને ગમે તે ‘અડકી’ પણ ના શકે ! ઘરનો જે માલિક હોય, તે  બરોબર સાંજના સમયે, જ્યારે પેલા શરણાઈના ‘ટેંણેંણેંણે…’ સૂર સંભળાય ત્યારે જ ટીવીનાં ‘પડખાં’ બન્ને તરફ સરકાવે ! પછી વિધિવત્ સ્વીચ ઓન થાય, જાદૂઈ ગોળા સમાન ટીવી વહુનું મુખારવિંદ ધીમે ધીમે, લજામણીની ઝડપે ખીલે… ઉજ્જવલિત અને પ્રજ્વલિત થાય… ઘરનાં સૌ રાહ જોતાં બેઠાં હોય કે હમણાં આ વહુ રૂપાળી ટ્રેમાં ગરમ ચ્હા સાથે કંઈક નવો નાસ્તો લઈને આવશે.. ત્યાં તો વહુ એક ઝબકારા જેવો છણકો કરીને રીસાઈ જાય ! ઉજ્જવલિત મુખારવિંદ ‘ભપ્’ કરતું અદૃશ્ય થઈને એક નાનકડા બિંદુમાં સમાઈ જાય !

હવે ? સીધી વાત છે, રીસામણાંનાં મનામણાં કરવાં પડે ને ! એટલે વહુના પતિ (ઘરનો મોભી) એને તો પહેલાં વ્હાલથી જ સ્હેજ ટપલી મારે… છતાંય ના માને તો જરા મીઠા કડપ સાથે વધારે ટપલી મારે… પણ એમ કંઈ મનામણાં સહેલાં થોડાં હતાં ? ટપલીની થપ્પડ થાય, થપ્પડનો લાફો થાય, લાફાની ધોલ-ધપાટ થાય....

એ પછી વહુરાણી ના માને તો ‘પિયર’માં સંદેશો જાય ! શી રીતે ? અરે ભઈ, એન્ટેના સરખું કરો ! (આ એન્ટેના એક જાતનું ‘દહેજ’ જ હતું ને ?) પેલો શો-રૂમવાળો, સસરો કન્યાને અહીં સુધી પહોંચાડી ગયો ત્યારે તો એન્ટેના સરખું ચાલતું હતું હવે કેમ આડું ફાટ્યું ?

છેક ત્યારે સમજાતું હતું પેલું એન્ટેના હકીકતમાં ‘દહેજ’ નહીં પણ વહુ સાથે ઘરમાં રહેવા આવેલો માથે પડેલો ‘સાળો’ હતો ! હવે આ સાળાને ઠેકાણે નહીં પાડો ત્યાં લગી વહુનો મિજાજ સુધરવાનો નથી એમ માનીને સાળો એન્ટેનાને વિવિધ રીતે (હકીકતમાં તો બહુ ક્રુર રીતે) મચડવામાં આવતો ! અહીં ચા કરતાં કીટલી ગરમ હોય એ રીતે ધાબા ઉપર ચામાચિડીયું બનીને બેઠો હોય એમ એન્ટેના બધાનો ‘દાવ’ લેવાનું, ચાલુ કરતો !

એમાં વળી જો આપણું ઘર પહેલા માળે હોય અને સાલું (સાલું નહીં સાળો) એન્ટેના છેક પાંચમા માળના ધાબે આડું ફાટ્યું હોય તો વચ્ચે STD કોલ નહીં, ISD કોલ લગાડતા હોઈએ એમ બબ્બે ત્રણ-ત્રણ ટેલિફોન એક્સચેન્જ જેવા લાઈવ સંદેશાવાહકો રાખવા પડતા હતા… ‘આવ્યું ? ના હવે આવ્યું ? હા… ના ! પાછું ગયું ? હવેએએ ? ના… હવે આવ્યું ? હા… ના ! પાછું ગયું ? હવેએએ? નાઆઆ…?’ 

આવું દસ મિનિટ સુધી ચાલે પછી ધાબે ચડેલો નમૂનો થર્ડ ક્લાસ સસ્પેન્સ પિક્ચરનું સાવ ફાલતુ રહસ્ય ખોલતો હોય એમ બોલે ‘અલ્યાઓ, હું તો હજી એન્ટેનાને અડ્યો પણ નથી !’

- છેવટે બધું ઓકે થાય ત્યારે રીઝેલી ટીવી-વહુના મુખારવિંદ ઉપર લખેલું આવતું ‘રૂકાવટ કે લિયે ખેદ હૈ !’ (એમાં બાજુમાં પાછા હાથ જોડ્યા હોય, ભૈશાઆઆબ!)

બોલો, તમારી પુત્રવધૂએ પણ આટલાં નખરાં કર્યાં હતાં ખરાં ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments