ભૈશાબ, કવિને કહો કે...

આ ચારે બાજુ વરસાદ થયો નથી કે તરત જ ફેસબુકિયા કવિઓના મનમાં ભાદરવાના ભીંડાઓની જેમ કવિતાઓ ઊગવા માંડે છે ! ચાલો, એનો ય વાંધો નથી પણ એમાં કંઈ સબ્જેક્ટોની વેરાયટીઓ તો લાવો ?
*** 
કહો કવિને કરે કવિતા
વરસાદોના વાંધા પર
કહો કવિને કરે કવિતા
સ્લીપરથી ઉડતા છાંટા પર !
*** 
કહો કવિને કરે શાયરી
રોડમાં પડતા ખાડા પર
ખાડાનાં ખાબોચિયાં પર
એના ડહોળાં ગંદા પાણી પર
- ને સુધરાઈની ‘સુધરાઈ’ પર !
*** 
કહો કવિને લખે ગઝલ
ફૂદાં, જીવડાં, તમરાં પર
માખીના બણબણાટ પર
મચ્છરના ગણગણાટ પર
ને ‘ગુડનાઈટ’ની લાઈટ પર !
*** 
કહો કવિને લખે નઝમ
નહીં સૂકાયેલાં કપડાં પર
ઘરમાં બાંધેલી દોરીઓ પર
ભીના બોદા ટુવાલો પર
- ને વાસીપણાંની ગંધો પર !
*** 
કહો કવિને લખે અછાંદસ
શરદી, ખાંસી તાવ પર
તુલસી-મરીના ઉકાળા પર
કોરોનાનાં કુલક્ષણ પર
- ને વધતા દવાના ભાવ પર !
*** 
કહો કવિને લખે હાઈકુ
કાણાંવાળી છત્રી પર
લીક થતા રેઈનકોટ પર
પચ-પચ થઈ જતાં મોજાં પર
- ને છીંક લાવતા વાળ પર !
*** 
કહો કવિને લખે જોડકણાં
અંબાલાલની આગાહી પર
ભજીયાંની તળનારી પર
એની મરચાં જેવી વાણી પર
- ને વાદળની સરકાર પર !

***

- મન્નુ શેખચલ્લી

Comments