નવા નવા મંત્રીઓ !

જે રીતે થોડાં વરસોથી ‘નાયબ-મુખ્યમંત્રી’ બનાવવાનો રિવાજ ચાલ્યો છે, અને જે રીતે મહારાષ્ટ્રમાં હવે ‘નવી-અઘાડી સરકાર’માં સત્તા વહેંચણી માટે ખાતાંની ખેંચતાણ થશે એ હિસાબે અમને લાગે છે કે હવે થોડાં નવાં ખાતાં ખોલીને નવા મંત્રીઓ બનાવવાની જરૂર છે. જેમ કે…

*** 

ઉદ્ઘાટન એવમ્ ભાષમ મંત્રી
બિચારા મુખ્યમંત્રી ક્યાં ક્યાં ઉદ્ઘાટનો કરતા ફરશે ? તો એના માટે ખાસ એક મંત્રી રાખો જે આખો દહાડો ઠેર ઠેર ઉદ્ઘાટનો જ કરતા ફરશે !

*** 

ખુલાસા એવમ્ રદિયા મંત્રી
લોકશાહીમાં પોતાની જ પાર્ટીના લોકોની જીભ લપસણી થઈ જાય છે ! એમાંથી છેક દૂર દૂરના દેશોમાં હોબાળા મચે છે. હવે બિચારા વડાપ્રધાનશ્રી ક્યાં ક્યાં ખુલાસા કરતા ફરે ? એટલે આવા મંત્રીઓનું કામ જ એ હશે કે ખુલાસાઓ અને રદિયા આપતા ફરે !

*** 

રેઈડ એવમ્ પ્રતિ-રેઈડ મંત્રી
કેન્દ્ર સરકાર EDની રેઈડ પાડે તો રાજ્ય GSTની રેઈડ પાડવી પડે છે ! રાજ્ય સરકાર કેન્દ્રીય કર્મચારીની ધરપકડ કરે તો કેન્દ્ર સરકારે CBIને ‘છૂ…’ કરીને છોડી મુકવી પડે છે. આ બધો ફૂલ-ટાઈમ કારભાર સંભાળવા માટે કેન્દ્રમાં અને રાજ્યોમાં આવા મંત્રીઓ જોઈશે !

*** 

તોડફોડ એવમ્ બુલડોઝર મંત્રી
બિચારા યુપીના બુલડોઝર બાબા ક્યાં ક્યાં પહોંચી વળશે ? લોકો ઓફ-લાઈન તોડફોડ કરે કે ઓન-લાઈન ટીકાઓ કરે એના જડબાતોડ જવાબો આપવા માટે હવે બુલડોઝર જ કામમાં આવે છે ! આ મંત્રીઓ હવે નવાં બુલડોઝરો લઈને ઠેર ઠેર ફરતા દેખાશે !

*** 

આરતી એવમ્ પ્રસંશા મંત્રાલય
પોતાની સરકારની તથા પોતાના નેતાની પ્રસંશા કરતા રહેવું એ હવે 24 x 7 કામ થઈ ગયું છે ! આના માટે પણ મંત્રીઓ રાખો ને ? કાર્યાલયો તો લાખો વોટ્સએપ ગ્રુપમાં તૈયાર જ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments