એક કાચબો વેકેશન કરવા માટે દરિયા કિનારે ગયો.
અહીં એક મસ્ત દારૂનો બાર હતો. મસ્ત મ્યુઝિક વાગી રહ્યું હતું. લોકો બિયર-દારૂ વગેરે પીને ઝૂમી-નાચી રહ્યા હતા.
કાચબો માંડ માંડ રસ્તો શોધતો બારના કાઉન્ટર પાસે પહોંચ્યો. ખૂબ મહેનત કરીને તે જેમ તેમ કરીને એક ખુરશી ઉપર ચડ્યો. પછી હાંફતાં હાંફતા તેણે ઓર્ડર આપ્યો :
‘એક બિયર પ્લીઝ !’
બાર-ટેન્ડર કાચબાને જોઈને ચોંક્યો. કેમકે અહીં કાચબાઓ તથા કોઈપણ પ્રાણીને નશીલી ચીજો આપવાની સખત મનાઈ હતી.
બાર-ટેન્ડરે કશુંય કીધા વિના કાચબાને પૂંછડીથી પકડ્યો અને ગોળ ગોળ ઘૂમાવીને દૂર દૂર ક્યાંનો ક્યાંય ફેંકી દીધો.
એ વાતને છ મહિના વીતી ગયા.
ફરી વાર પેલો કાચબો ધીમે ધીમે આવ્યો. ખૂબ મહેનત કરીને ખુરશી ઉપર ચડ્યો. અને બાર ટેન્ડરને કહે છે :
‘ઠીક છે… પણ કારણ તો કહો ?’
***
ત્રણ કાચબા વેકેશનમાં પિકનિક કરવા માટે દરિયા કિનારે ગયા.
ત્યાં પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે સોફ્ટ-ડ્રીંક્સમાં નાખવા માટે જે બરફ લાવવાનો હતો એ બરફ ભરેલું થર્મોસ તો ઘરે જ રહી ગયું છે !
ત્રણ કાચબામાંથી જે સૌથી નાનો હતો તેને કહ્યું, ‘બકા, જા ને ? બરફનું થર્મોસ લઈ આવને ?’
નાનો કાચબો ગયો. સવારની બપોર થઈ… બપોરની સાંજ થવા આવી…
આ બાજુ બીજા બે કાચબા અકળાયા. એકે કહ્યું ‘યાર મને તો તરસ લાગી છે. ચાલ ને, વગર બરફે ડ્રીંક્સ પી લઈએ ?’
ત્યાં જ પાછળની ઝાડીમાંથી અવાજ આવ્યો : ‘તમે એકલા એકલા પી જવાના હો તો હું નથી જતો !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment