જે વડીલો ’70ના દશકમાં જુવાન હતા એમને યાદ હશે કે એ સમયે અચાનક ‘એલ્વિસ પ્રિસ્ટ્લી’ નામના અમેરિકન ગાયકની ફેશનનું મસમોટું વાવાઝોડું આખા ઇન્ડિયામાં ફરી વળ્યું હતું. (જે વડીલોને એલ્વિસભાઈ કોણ ? એવો સવાલ થતો હોય તેમણે ગુગલદાદાને પૂછી લેવું.)
સાલી, ગમ્મતની વાત એ હતી કે બોચી ઉપર લાંબા વાળ, કાન ઢંકાય એવી હેરસ્ટાઈલ, ગાલ ઉપર જાડાં મોટાં થોભિયાં, (અંગ્રેજીમાં સાઈડલોગ્સ કહેવાય) ચહેરા કરતાં મોટા ગોગલ્સ, કમર કરતાં જાડા બેલ્ટ, જાંઘની પહોળાઈ કરતાં બમણી સાઈઝનાં બેલ-બોટમ પેન્ટ, (‘ઘંટાકાર તળિયું’… એવું ગુજરાતી થાય, એનું !) ખભા કરતાં મોટા કોલર, કાંડા કરતાં મોટા શર્ટના કફ, આપણી ‘કડકી’ કરતાં ત્રણ ગણી સાઈઝનાં ખિસ્સાં અને સવા પાંચ ફૂટની હાઈટને લગભગ સાડા પાંચ ફૂટિયા હોવાનો વહેમ ઊભો કરી આપે એવાં મજબૂત હાઈ-હિલ્સનાં ચામડાનાં જુતાં !... (આ હાઈ-હિલ્સને લીધે તે સમયે તમામ જુવાનિયાઓ ‘મુઠ્ઠી ઊંચેરા માનવી’ લાગતા હતા)… આ તમામ સ્ટાઈલો પેલા અમેરિકન ‘એલ્વિસડા’ની હતી એની અમારી આખેઆખી પેઢીને ખબર જ નહોતી ! બોલો.
અમને તો હજીયે નવાઈ લાગે છે કે અલ્યા, આપણે બધાં શું જોઈને આવી ફેશનોના રવાડે ચડ્યા હતા ? માં કસમ, એ વખતે કોઈની હોસ્ટેલ રૂમમાં એલ્વિસ પ્રિસ્ટ્લીના ફોટા દીઠા જોવા મળતા નહોતા ! ભલે દુનિયા આખી આજે પણ એમ માનતી હોય કે જે તે સમયનાં જુવાનિયાંવ એમના ફિલ્મ-સ્ટારોની નકલ કરતા હોય છે, પણ હકીકત તો એ હતી કે આ ‘ફેશન-ઝોડું’ યુવાનોમાં આવ્યું એ પહેલાં ફિલ્મોમાં આવ્યું જ નહોતું !
અમે હજી માંડ માંડ 1969માં સુપરસ્ટાર બની ગયેલા રાજેશ ખન્નાની જેમ વચમાં પાંથી પાડવાની અને પેન્ટ ઉપર ઝભ્ભા જેવું ગુરુ-શર્ટ પહેરવાની નકલ કરતા ં શીખ્યા હતાં ત્યાં તો ચારેબાજુ બધાના વાળ કોઈ અદૃશ્ય રાક્ષસી શક્તિ વડે વધવા લાગ્યા હતા !
તમે નહીં માનો, છેક ‘કલ આજ ઔર કલ’માં (1971) ફિલ્મી પરદા ઉપર રણધીર કપૂર અમુક સીનમાં ટાઈટ મોરીવાળાં પેન્ટ અને અમુક સીનમાં તો યાર, ધોતી-ઝભ્ભો પહેરીને દાદા જોડે ભજન ગાતો દેખાયો હતો ! જ્યાં સુધી અમને યાદ છે, ‘જવાની દિવાની’ (1972) પહેલી ફિલ્મ એવી હતી જેમાં બધા સીનમાં બધા જુવાનિયા (અને જુવાનિયણો) બેલ-બોટમ યાને કે ઘંટાકાર તળિયાંવાળાં પેન્ટમાં દેખાતાં હતાં.
એમાં જયા ભાદૂરીને માપસરની બતાડવા માટે છ ઈંચ ઊંચો ‘બન’ માથામાં ઘૂસાડીને પિન્ક રીબિનવાળી શર્મિલા કટ હેર-સ્ટાઈલ આપેલી અને પગમાં બીજી છ ઈંચ હાઈટ વધારનારાં ‘પ્લેટફોર્મ’ સેન્ડલ પહેરાવેલાં ! (જેને ઘંટાકાર તળિયાં વડે ઢાંકવામાં આવેલાં !) એ જ જયા ભાદૂરીની ‘ગુડ્ડી’ ફિલ્મમાં ધર્મન્દ્રને જાંઘના ગોટલા દેખાય એવાં ટાઈટ ફિટીંગ ‘નેરો’ પેન્ટ પહેરનારો ‘ફિલ્મ-સ્ટાર’ દેખાડ્યો હતો ! બોલો, ના ચાલે ને ?
આમાં ખરો ઘડો લાડવો રાજેન્દ્રકુમારનો થઈ જતો હતો. એ ભાઈ ‘કુમાર’માંથી ‘અંકલ’ની ઉંમરમાં તો ક્યારના પહોંચી ગયા હતા છતાં મેકપના થથેડા કરીને, ગુલાબી ફૂલની ડિઝાઈનવાળાં શર્ટ અને ઓરેન્જ જ્યુસના કલરવાળાં ટાઈટ ‘નેરો’ પેન્ટ પહેરીને, સાધના, વહિદા અને માલાસિંહા જેવી આન્ટી સાથે ‘ડાન્સ’ કરતાં કરતાં વારાફરતી ડાબો અને જમણો હાથ ભીખ માગવાની અદામાં ઊંચો કરતા રહેતા હતા !
‘હું તો મોટો સ્ટાર’ એવા ફાંકામાં રહેવાને કારણે એમની ફિલ્મો પણ ત્રણ ત્રણ વરસે પુરી થતી. હવે તમે જ કહો, તેમના વાળ કાન આગળથી ‘સાફ’ હોય, થોભિયાં કાનનાં કાણાંથી યે આગળ ના વધતાં હોય, બોચીના વાળ ઉમર હમણા જ ઘાસ કાપવાનું મશીન ફરી ગયું હોય એવા ઝીણા હોય અને ગાલ સરખા રાખવા માટે ક્રિકેટની પિચનું રોલર ફરી વળ્યું હોય… એવા રાજુ-અંકલ જ્યારે ‘આપ આયે બહાર આઆઆઈ’ ગાતા હોય ત્યારે થિયેટરમાંથી જ ‘બહાર’ નીકળી જવાનું મન થાય કે નહીં ?
જોકે કાન પાસેનાં જાડાં-ભમ્મર થોભિયાં બાબતે બે ફિલ્મ-સ્ટારો ‘અડગ’ નીકળ્યા. એક રાજેશ ખન્ના (એને કદાચ એવા વાળ ઊગતા જ નહોતા) અને બીજો ધર્મેન્દ્ર. બાકી સુનીલ દત્ત, ફિરોઝ ખાન અને જિતેન્દ્ર વગેરેનાં થોભિયાં-જુલ્ફાંની પંચાતો આવતા સોમવારે…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment