સીરિયલો ટ્વેન્ટી ટ્વેન્ટીની સ્પીડમાં !

પાંચસો-પાંચસો અને હજાર-હજાર એપિસોડ સુધી ચાલ્યા કરતી સિરીયલો જોઈને ક્યારેક વિચાર આવે છે કે યાર, આને પણ 20-20ની મેચોની જેમ ફટાફટ સ્પીડમાં ભગાવવા જેવી છે !
જો ખરેખર એવો ચમત્કાર થાય તો ?....

*** 

અનુપમાનું બીજું લગ્ન ચાલી રહ્યું છે… પંડિતજી મંત્રો ભણી રહ્યા છે. ત્યાં અનુપમા પંડિતજીને કહે છે :

‘પંડિતજી, જરા ઉતાવળ રાખો ! હજી તો આ સિરીયલમાં મારે બીજાં બે લગ્નો કરવાનાં છે ! ઝટ પતાવો…’

*** 

એકતા કપૂરની સિરીયલોમાં ‘મિલતે હૈ બ્રેક કે બાદ…’ ને બદલે કહેતા હોત કે ‘મિલતે હૈં બીસ સાલ કે જમ્પ કે બાદ !’

*** 

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ બબિતા આગળ અચાનક રડવા જેવા થઈને કહેતા હોત :

‘ક્યા કરું બબિતાજી ! આજકલ દયા કી આદત બોત બિગડ ગઈ હે… વો જબ પિયર જાતી હૈ તો સિર્ફ દો એપિસોડ મેં વાપસ આ જાતી હૈ !’

*** 

‘ઉલ્ટા ચશ્મા’માં પોપટલાલનાં લગ્ન તો ક્યારનાં થઈ ગયાં હોત ! એ જ એપિસોડમાં લગ્નની પાર્ટી પણ ચાલતી હોત ! અને હજી પાર્ટીનો એપિસોડ પતવા આવે ત્યાં તો પોપટલાલ આવીને કહેતા હોત :

‘ગજબ હો ગયા… ગજબ હો ગયા… મેરી બીવી મેરા સારા પૈસા લે કે ભાગ ગઈ ! લો બોલો.’

*** 

‘ક્રાઈમ પેટ્રોલ’માં તો પોલીસ ખૂનીને પહેલાં પકડી લેશે અને ખૂન શી રીતે કર્યું તેની ઝલક મેચની હાઈલાઈટ્સની માફક બતાડી દેશે !

*** 

… અને ‘અનુપમા’માં એ અનુપમા બૂમો પાડતી હોત કે ‘હું જ્યારે પણ લાંબા લાંબા ડાયલોગ બોલવાનું ચાલુ કરું કે તરત તમે ઢગલાબંધ જાહેરાતો શેના ઘૂસાડી દો છો ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments