ચાલો, વેકેશનો પતી ગયાં. સૌ પોતપોતાનાં બોરિંગ કામધંધે પણ લાગી ગયાં. સૌએ પોતપોતાની ફેસબુકમાં વેકેશનની સરસ મઝાની સેલ્ફીઓ, ગ્રુપીઓ અને જલ્સા કરતા હોય એવા વિડીયો અપલોડ કરીને લાઈકો અને કોમેન્ટો પણ ઉઘરાવી લીધી.
પણ દર વખતે આપણે અમુક યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરવાનું ભૂલી જ જતા હોઈએ છીએ ! જેમકે…
***
- સાડા છ વાગે થનારા સન-સેટને જોવા માટે પત્ની જે સાડા ચાર વાગ્યાની તૈયાર થઈ રહી હોય તેની રાહ જોઈ જોઈને કંટાળીને બગાસાં ખાતો, માથું ધૂણાવતો, અકળાતો છતાં કંઈ જ બોલી ના શકતો હોય એવા પતિનો પુરા દોઢ કલાકનો વિડીયો !
***
- અને પછી પત્ની બહાર આવીને પૂછે કે ‘હું કેવી લાગું છું ?’ એનો જવાબ આપતાં પહેલાં પતિના ચહેરા ઉપર જે મુંઝવણના હાવભાવ ઉપસતા હોય તેનો 30 સેકન્ડનો વિડીયો !
***
- ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં પેલા દૂધ-પાવડર, ટી-બેગ અને ઉકાળેલા પાણી વડે બનાવેલી સાવ ફીક્કી ચ્હામાં ઘરેથી લાવેલાં થેપલાં… એર હોસ્ટેસની નજરથી બચાવીને લિજ્જત ખાઈ રહેલાં આપણા ગ્રેટ ગુજુ અંકલો અને આન્ટીઓના 40-40 સેકન્ડના વિડીયોઝ !
***
- દરિયામાં નહાઈને થાક્યા પછી ઢીલા કોથળા જેવા થઈને બહાર આવી રહેલા ફાંદાળા અંકલને નજીકમાંથી કોઈ સુંદર બિકીની પહેરેલી યુવતી પસાર થતી દેખાય કે તરત જે ત્વરાથી પોતાની ફાંદ સાડા છ ઈંચ પાછી ખેંચી લેતા હોય છે… તેનો 10 સેકન્ડનો વિડીયો !
***
- મોંઘી હોટલમાં જ્યાં સવારનો નાસ્તો ફ્રી હોય ત્યાં બુકે-પ્લેટમાં ત્રણ ત્રણ વાર જુદી જુદી આઈટમો ભરી ભરીને ઠાંસી ઠાંસીને ખાધા પછી પણ જે માસીઓ અને કાકીઓ સ્ટાફની નજર ચૂકવીને પ્લેટમાંથી સેન્ડવીચો, મેદુવડાઓ, બિસ્કીટો અને કેળાંઓ સુધ્ધાં પોતાનાં પર્સમાં સરકાવી લેતાં હોય છે… તેના ‘સ્ટીંગ-ઓપરેશન’ વિડીયોઝ !
***
- મસ્ત રંગીન સાંજે હોટલના સ્વિમિંગ પુલમાં નહાવાને બદલે મેનેજર સાથે ‘વ્હાય તારક મહેતા ઈજ નોટ કમિંગ પ્રોપરલી ઈન અવર રુમ ?’ એવી કચકચ કરી રહેલા અંકલનો દોઢ મિનિટનો વિડીયો !
***
- નખી તળાવમાં હોંશે હોંશે જાતે ચલાવવાની પેડલ બોટ લઈને નીકળેલું કપલ અધવચ્ચે અટકી ગયું હોય અને બિચારો પતિ પેડલ મારતાં મારતાં ફેં... ફેં… થઈ ગયો હોય તેનો 4.5 મિનિટનો વિડીયો !
***
- મોંઘી રેસ્ટોરન્ટમાં ખાધા પછી વધેલી આઈટમોને પેક કરાવીને લાવ્યા પછી બીજા દિવસે લંચ-ટાઈમમાં ત્રણેય રૂમના ફેમિલીઓ એક રૂમમાં ભેગા થયાં હોય ત્યારે ઘરેથી લાવેલી પેપર ડીશો, કાઢીને ઘરનાં થેપલાં સાથે બધું શી રીતે ‘પતાવવું’ તેની ચર્ચામાં તથા તેની ‘વહેંચણી’માં મહિલાઓ પુરેપુરી વ્યસ્ત હોય તેનો દસ મિનિટ લાંબો કલબલાટભર્યો વિડીયો !
***
- અને ગુજરાતની બહારની હોટલમાં પણ… ડરતાં, ગભરાતાં અને જેમ જેમ મહેફિલ આગળ વધે તેમ તેમ મોટા અવાજે ‘ફલાણી જગ્યાએ પીધેલું ત્યારે કેવી મજા આવેલી, રાજ્જા…’ અને ‘બોસ, ઢીંકણા ટાઈપનો દારૂ શી રીતે પીવાય…’ એવી ચર્ચા કરતા ગુજરાતી ભાઈઓનો ટુકડે-ટુકડે ઉતારેલો વિડીયો !
***
- છેવટે ઘરે આવ્યા પછી ‘કેટલા ખરચવા જેવા હતા… અને કેટલા ખરચાઈ ગયા… છતાં કેટલી મઝા આવી…’ તેની મનમાં ને મનમાં સરવાળા-બાદબાકી કરી રહેલા આપણા દિમાગનો લાઈવ-એક્સ-રે !
(આ તો હજી મનમાં ચાલી રહ્યો હશે, નહીં ?)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Apt observation.
ReplyDeleteThanks 🙏
Delete👍🏼👍🏼👍🏼
ReplyDeleteઘોડા પર બેઠેલા આન્ટીની ગભરાહટ ભર્યા અવાજ સાથે ઘોડાને સાચવીને ચાલવાની આજીજી કરતો ૨૦ સેકન્ડનો વીડીયો
😄😄😄👌👌👌
Deleteઅદભૂતમ
ReplyDelete