નિશાળની નોટ-બુકથી લઈને આજે ડિજીટલ નોટ-બુક સુધીની સફર કરી ચુકેલા સિનિયર સિટિઝનો, જરા યાદ કરો…
***
યંગ હતા ત્યારે…
અરીસામાં વારંવાર જોઈને વિચારતા હતા કે માથે વાળ કેટલા મસ્ત ‘વધ્યા’ છે…
આજે…
અરીસામાં જોઈને વિચારીએ છીએ કે માથે વાળ કેટલા ‘બચ્યા’ છે !
***
યંગ હતા ત્યારે…
વારંવાર નજર ફેરવીને જોયા કરતા હતા કે કઈ ‘છોકરી આપણી સામું’ જુએ છે…
આજે…
વારંવાર ચાંપતી નજર રાખીને જોયા કરીએ છીએ કે ‘આપણી છોકરી સામું’ કયો છોકરો જોયા કરે છે !
***
યંગ હતા ત્યારે…
ઘરના લોકોની ફરિયાદ હતી કે ‘ઘરમાં ટાંટિયા વાળીને કદી બેસતો જ નથી !’
આજે…
આપણે ઘરમાં ફરિયાદ કરીએ છીએ કે ‘ટાંટિયા વાળીને બેસવાથી ઢીંચણમાં બહુ દુઃખાવો થાય છે, ભૈશાબ !’
***
યંગ હતા ત્યારે…
સૌ મોં ઉપર ચોપડાવતા હતા કે ‘સાવ વાંદરાની જેમ જ્યાં ને ત્યાં ઠેકડા શું મારે છે ?’
આજે…
સૌ પીઠ પાછળ ઘુસપુસ કરે છે કે ‘વાંદરો ઘરડો થયો છતાં ગુલાંટ મારવાનું ભૂલ્યો નથી, હોં !’
***
યંગ હતા ત્યારે…
વડીલોને એટલા માટે પગે લાગતા હતા કે એ બહાને ખિસ્સાખર્ચીના થોડા પૈસા મળી જાય…
આજે…
ખિસ્સામાં જોઈએ એટલા પૈસા છે પણ સાલું, કોઈ પગે લાગવા જ આવતું નથી ! શું કરીએ ?
(પછી નવરા બેઠાં ‘પગે લાગવાના દસ ફાયદા’વાળા વિડીયો બીજા ડોસા-ડોસીઓને ફોરવર્ડ કર્યા કરીએ છીએ ! બોલો.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment