ગંભીર ડાચું રાખીને, જાડા ચશ્મા પહેરેલા, ભણેલા લોકો પણ ક્યારેક એવી દોઢ-ચાંપલી સલાહ આપતા હોય છે કે બે ઘડી સમજ જ ના પડે કે આમાં હસવું કે માથાનાં વાળ ખેંચવા ? દાખલા તરીકે…
***
તાજેતરમાં થયેલો લઠ્ઠાકાંડ ફરી ન થાય એ માટે :
‘મારું નમ્ર સૂચન છે કે બૂટલેગરોને કેમિસ્ટ્રી બાબતની થોડી ટ્રેનીંગ આપવી જોઈએ જેથી કરીને સારી ગુણવત્તાવાળો લઠ્ઠો જનતાને સલામતી સાથે મળી શકે…’
- બોલો, ખોટી વાત છે ?
***
છેલ્લા કેટલાક મહિનાથી ED ઠેરઠેર દરોડા પાડીને કરોડોની બિન-હિસાબી સંપત્તિ પકડી રહ્યું છે એ બાબતે :
‘અમારું નમ્ર સૂચન છે કે ED, CBI કે ઇન્કમટેક્સે દરોડા પાડવાના એક મહિના પહેલાં વ્યવસ્થિત નોટિસ મોકલવી જોઈએ, જેથી કરીને દેશમાં કાળા નાણાંનું પ્રમાણે બહુ વધે નહીં…’
- શું કહો છો !
***
રણવીર સિંઘે કોઈ મેગેઝિન માટે ન્યુડ પોઝ આપીને ફોટા પડાવ્યા છે એ વિશે :
‘દેશના સોશિયલ મિડિયાના ચાહકોનું એક સામુહિક સૂચન છે કે આ જ પ્રકારની સની લિઓનની તસવીરો પણ વાયરલ કરવામાં આવે જેથી નારી પણ પુરુષ સમોવડી છે તે સાબિત થઈ શકે…’
- બોલો, આમાં તો રિસ્પેક્ટની જ વાત છે ને ?
***
ચોમાસામાં વરસાદ પડતાં જ રોડમાં ખાડા પડી જાય છે તેના માટે તો બેસ્ટ સૂચન છે :
‘બિચારા કોન્ટ્રાક્ટરો પણ આખરે તો માનવી જ છે. (આતંકવાદીની જેમ જ) એટલે એમને પોતાની ભૂલો સુધારવાની તક મળવી જ જોઈએ ! આ માટે એમને એ જ રસ્તાઓ ફરી વાર બાંધવાના કોન્ટ્રાક્ટો મળતા રહેવાં જોઈએ… જ્યાં સુધી રોડમાં ખાડા પડતા બંધ ના થાય ત્યાં સુધી !’
- જોકે, આ સૂચન તો વરસોથી અમલમાં છે જ ! હેં ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment