વાસિમ અકરમે કહ્યું કે ‘હવે વન-ડે ક્રિકેટની મેચો બંધ કરી દેવી જોઈએ ! મને તો કોમેન્ટ્રી કરતી વખતે પણ કંટાળો આવે છે…’
જોકે અમારી પાસે વન-ડે ક્રિકેટને બચાવવાના જોરદાર આઈડિયાઝ છે ! સાંભળો…
***
સૌથી પહેલી વાત તો એ કે વન-ડે મેચો ફક્ત એક દિવસ માટે નહીં હોય ! ઉલ્ટું એ તો મહિનાઓ સુધી ચાલશે !
નવાઈ લાગી ને ? તો સાંભળો…
***
ટીમોમાં સૌથી પહેલાં તો ફક્ત પુરુષોની ટીમ નહીં હોય ! બલ્કે, પુરુષો અને મહિલાઓની જોડીઓ બનાવવામાં આવશે !
દાખલા તરીકે વિરાટ કોહલી સાથે મિતાલી રાજ અને ચહલ સાથે ઝુલન ગોસ્વામી !
આના કારણે થશે શું, કે વિરાટની પત્ની અનુષ્કાને જેલસી થશે અને ચહલની વાઈફ તો ઘરમાં તોડફોડ કરી મુકશે !
- આ બધું જ ટીવીમાં સિરિયલની જેમ (યાને કે રિયાલીટી શોની જેમ) બતાડવાનું !
બોલો, હવે મઝા પડીને ? બહેનો તો ટીવીમાં ચોંટી જ જશે !
***
મેચની પહેલાં જાતજાતનાં કાવતરાં થસે… હરમનપ્રીત કૌરના હેલ્થ ડ્રીંક્સમાં એની ‘હોનેવાલી’ નણંદ, અંદર ઊંઘની દવા ભેળવી દેશે !
પેલી બાજુ કે એલ રાહુલની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટીનો એક્સ બોયફ્રેન્ડ આથિયાનું અપહરણ કરાવી નાંખશે ! અને… સુનીલ શેટ્ટી પાસે દસ કરોડ રૂપિયાની માગણી કરશે !
***
અરે, માંડ માંડ ટીમમાં સિલેક્ટ થયેલી કોઈ છોકરી ઝીરોમાં આઉટ થઈ જાય તો એનાં મા-બાપ રડારોડ કરી મુકશે ! અને હા, કોમેન્ટેટરો જઈને પેલી છોકરીને છાતીએ વળગાડીને પોતે આંસુ સારતાં સારતાં એને સાંત્વના આપશે !
***
તમે કહેશો કે બોસ, આ તો બધું ટીવી સિરિયલો અને રિયાલીટી શો જેવું જ થઈ ગયું !
તો હા, મારા સાહેબો ! અગાઉ આપણે દુરદર્શન ઉપર માત્ર 13 એપિસોડની સુંદર સિરિયલો જોતા જ હતા ને ? પણ ના, પછી 1300 એપિસોડની સિરિયલો આવી…
- અને છેવટે તો પાછા 10 એપિસોડની વેબસિરિઝો ઉપર જ આવ્યા ને ? બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment