ના ના, ધારો કે ખરેખર પાણીપુરી ઉપર GST નાંખવામાં આવે તો શું શું થાય ?
મહિલાઓ સરકાર ઉથલાવી દે એ તો દૂરની વાત થઈ પણ એ પહેલાં શું શું થાય ? જરા વિચારો તો ખરા…
***
સૌથી પહેલાં તો મહિલાઓ એકને બદલે બે કોરી પુરી માગશે ! બેને બદલે ચાર કોરી પુરી ફ્રીમાં માગશે !
કેમ ? તો કહેશે ‘ભૈયાજી, ‘પાણી’પુરી ઉપર GST છે, પણ ‘કોરી’પુરી ઉપર તો નથી ને !’
***
દેશનાં નાણામંત્રી ઉપર ટ્વીટર વડે મેસેજો જશે : ‘એક પાણીપુરી કી કિમત તુમ ક્યા જાનો નિર્મલા જી ? ગૃહિણી કા અધિકાર હોતા હૈ પાણીપુરી… શાક મારકેટ કા સિંગાર હોતા હૈ પાણીપુરી…’
***
પાણીપુરીને હિન્દીમાં ‘ગોલગપ્પા’ કહે છે. એટલે કે અમુક મહિલાઓ કોર્ટમાં PIL કરશે કે જો ગોલ ‘ગપ્પા’ ઉપર GST લગાડો છો તો વિકાસની બડી બડી વાતો કરનાર રાજકીય પાર્ટીઓ ઉપર કેમ GST નથી લગાડતા ? બોલો.
***
તમને શું લાગે છે, મહિલાઓ GSTની ઓફિસે જઈને પાણીપુરીનાં માટલાં ફોડશે ?
ના ! ઉલ્ટું GSTના સ્ટાફને જબરદસ્તીથી પાણીપુરી ખવડાવશે ! મજા એ હશે કે પુરીમાં મ્યુનિસિપાલિટીના નળનું પાણી હશે ! લેતા જાવ !
***
કઈ મહિલાને પાણીપુરી નથી ભાવતી ? મામલો એ હદે આગળ વધશે કે દેશની તમામ મહિલા કોર્પોરેટર, મહિલા ધારાસભ્યો અને મહિલા સાંસદો ધડાધડ રાજીનામાં આપવા માંડશે ! સરકાર ખળભળી ઊઠશે !
***
દરમ્યાનમાં કેજરીવાલે તો જાહેર કરી જ દીધું હશે કે જો તેઓ જીતશે તો ગુજરાતની મહિલાઓને ફ્રીમાં પાણીપુરી મળશે !
***
છેવટે, GST હટે ત્યારે પણ પતિઓનાં પાકિટમાંથી વધારાની 500ની નોટો ગાયબ થવા માંડશે ! પત્ની પૂછશે તો કહેશે : ‘જોતા નથી ? શાકભાજી કેટલી મોંઘી થઈ ગઈ છે ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment