એ જમાનામાં અમુક ગાયનો શી રીતે બન્યાં એની જાતજાતની કહાણીઓ કર્ણોપકર્ણ વહેતી વહેતી આજ સુધી ટકી રહી છે. (આમાં કર્ણોપકર્ણ એટલે મહાભારતના કર્ણની વાત નથી, ભાઈ ! કર્ણ એટલે કાન ! અને કર્ણોપકર્ણ એટલે કાન ઉપર કાન ! ) ટુંકમાં, આ બધી કાનોકાન સાંભળેલી વાતો છે. ઠીક છે ?
એક કિસ્સો એવો છે કે ફિલ્મ ‘દો રાસ્તે’ માટે એક ગીતની રચના કરવા માટે કવિશ્રી આનંદ બક્ષી (એમણે 4000થી વધારે ગીતો લખ્યાં છે તો 'કવિશ્રી' કેમ ના કહેવાય?) લક્ષ્મીકાંત પ્યારેલાલના ઘરે એમના મ્યુઝિક રૂમમાં બેઠા હતા. ખાસ્સા સમય પછી કંઈ વાત જામી નહીં એટલે બક્ષી સાહેબ કહે, ‘કાલે વાત, આજે કંઈ જામતું નથી.’ એ બહાર જવા માટે પગથિયાં ઉતરી રહ્યા હતા એ દરમ્યાન લક્ષ્મી-પ્યારેએ એમના સાજિંદા સાથે ઢોલકનો એક ખાસ તાલ વગાડવા માંડ્યો…
કહે છે કે એ સાંભળતાં જ આનંદ બક્ષી દોડતા પાછા આવ્યા અને કહેવા લાગ્યા ‘ચાલુ રાખો… ગાયન સુઝી રહ્યું છે !’ બોલો, આ રીતે બન્યું પેલું ફેમસ ગીત ‘બિંદીયા ચમકેગી… ચૂડી ખનકેગી…’
બીજો એક કિસ્સો પણ આવો જ છે, બોલો ! એમાં પણ કલાકો સુધી મથ્યા પછી વાત જામતી નહોતી એટલે આનંદબક્ષી ઊભા થતાં કહે, ‘અચ્છા, તો હમ ચલતે હૈં…’ લક્ષ્મીકાંતે પૂછ્યું ‘ફિર કબ મિલોગે ?’… અને તમે સમજી ગયા હશો કે આનંદ બક્ષીએ કહ્યું હશે ‘જબ તુમ કહોગે !’
જોકે પછી ‘જુમ્મે રાત કો… હાં હાં આધી રાત કો…’ એવી અઘરી અઘરી એપોઈન્ટમેન્ટો નક્કી નહોતી થઈ ! પણ કહેવાય છે કે ઊભા થયેલા બક્ષી સાહેબ પાછા બેસી ગયા અને કહેવા લાગ્યા ‘લો, બની ગયું મુખડું ! આની હવે ધૂન બનાવો !’
આ તો ‘આન મિલો સજના’ના ગાયનની વારતા થઈ જેમાં બક્ષી સાહેબનો આગ્રહ હતો કે પ્રેમી-પ્રેમિકા અમસ્તાં વાતો કરતાં હોય એવા જ આડા-તેડા શબ્દો હોવા જોઈએ. (જોકે આનંદ બક્ષીની માસ્ટરી એ પછી આવે છે કે પહેલા અંતરાના આડાતેડા શબ્દોની ધૂન મુજબ જ બીજા અંતરાના તેડા-આડા શબ્દો પરફેક્ટલી ફીટ થાય એ રીતે લખ્યા છે. ‘કવિશ્રી’ કંઈ અમથા નથી કીધા, એમને !)
આડાતેડા શબ્દોનો ગુલઝાર સાહેબનો કિસ્સો તો બહુ મશહુર છે. ‘ઇજાજત’ ફિલ્મ માટે એમણે લખ્યું ‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ, સાવન કે કુછ ભીગે ભીગે દિન રખ્ખે હૈ, ઔર મેરે એક ખત મેં લિપટી રાત પડી હૈ, વો રાત બુઝા દો, મેરા વો સામાન લૌટા દો…’ આ વાંચીને આરડી બર્મન બગડ્યા. ‘યાર, કાલે ઊઠીને તમે મને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઈન કાપી આપી દેશો, તો શું મારે એની પણ ધૂન બનાવવાની ?’
ખેર, એ પછી આરડીએ ધૂન તો બનાવવી જ પડી ! જોકે એ પછી ગુલઝાર સાહેબે આવું અટપટું ગીત RDને પધરાવ્યું હોય એવા નમૂના મળતા નથી. એ ઉપરથી કહી શકાય કે RDએ એ ધૂન બનાવતાં પહેલાં કેવું મોં ફૂલાવ્યું હશે ?
જોકે ગુલઝાર સાહેબના ‘શીઘ્રકાવ્ય’ના કિસ્સા ઓછા છે. અને હોય જ ને ? એમણે લખેલું સૌથી પહેલું ગીત ‘મોરા ગોરા અંગ લઈ લઈ મોહે શ્યામ રંગ દઈ દઈ’માં એવું થયેલું કે એસડી બર્મનદાદાએ ધૂન સંભળાવી ત્યારે ડમી શબ્દો કંઈક આવા હતા : ‘ડા ડા ડાડા ડાડા દઈ દઈ, લા લા લાલા લાલા લઈ લઈ.’ હવે એ જ ડમી શબ્દો ઉપરથી નવા શબ્દો તો એમને છેક મોડી રાત્રે સૂઝ્યા હતા !
બાકી તમને તો ખબર જ હશે કે ‘તેજાબ’ માટે લક્ષ્મી-પ્યારે એ ધૂન સંભળાવી ત્યારે ડમી શબ્દો ગાયા કે ‘એક દો તીન, ચાર પાંચ છે સાત આઠ નૌ…’ તો જાવેદ અખ્તરે તત્કાલ બુકિંગની ઝડપે કીધું હતું કે આ જ શબ્દો રાખો ! (ત્યારે વળી શું ? ગીતના શબ્દો લખવામાં ‘ગિન ગિન કે ઇન્તેજારો’ શેના કરવાના હોય ? )
જોકે સાવ એવું પણ નથી કે ગીતનું મુખડું કવિ અને સંગીતકારની વાતચીતમાંથી આવ્યું હોય. કહેવાય છે કે ફિલ્મ સંગમ માટે રાજકપૂરે મુંબઈથી ચેન્નાઈ વૈજયંતિમાલાને ફોન કરીને પૂછેલું કે ‘બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં ।’ એમાંથી હસરત જયપુરીએ આખું ગીત બનાવી કાઢેલું !
અને ‘યે ઈલુ ઈલુ ક્યા હૈ’ની વારતા એવી છે કે સુભાષ ઘાઈ એમની પિયરમાં રહેતી પત્નીને ચીઠ્ઠીમાં ILU (આઈ લવ યુનું શોર્ટ ફોર્મ) લખીને મોકલેલું… જવાબમાં સામેથી ફોન આવેલો : ‘યે ઇલુ ઇલુ ક્યા હૈ ?’
હવે તમે જ કહો, ગીતકાર થવું કેટલું સહેલું છે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment