આરોગ્યને લગતી તકલીફો કોને નથી હોતી ? બિચારા સુપરમેનને પણ ચોમાસામાં વારંવાર પેશાબ લાગે તો એને ત્રાસ ત્રાસ થઈ જાય છે !
પરંતુ તકલીફો તો રહેવાની, બોસ ! મજા એમાં છે કે તકલીફોના ઉપાયો પણ કેટલા મજેદાર હોઈ શકે છે ! દાખલા તરીકે...
***
તકલીફ
હમણાં હમણાં મારા પેટમાં રોજ ગેસનો ગોળો ચડે છે, શું કરું ?
ઉપાય
(1) વજનદાર બૂટ પહેરવાનું રાખો ! નહિતર તમે ઊડી જશો, બોસ !
(2) ગેસની એજન્સી લઈ લો ને ? રોજ ભેળસેળ કરતાં ફાવશે.
(3) એક કામ કરો ‘ગુજરાત ટુરિઝમ’નો પ્રચાર કરો. ‘ખુશ્બુ ગુજરાત કી’ ફેલાવો !
***
તકલીફ
હમણાં હમણાંથી મારા પેટમાં બહુ બિલાડાં બોલે છે. શું કરૂં ?
ઉપાય
(1) બોલવા દેવાં પડે ! લોકશાહીમાં સૌને બોલવાનો અધિકાર છે.
(2) એક કામ કરો. મોં વડે ઉંદર જેવા અવાજો કાઢો. એ સાંભળીને બિલાડાં બહાર દોડી આવશે !
(3) અથવા એક કામ કરો. કોઈ પ્રાણીના ડોક્ટરને બતાડો. એ સારી રીતે તમારી ડિલીવરી કરાવી આપશે.
***
તકલીફ
હમણાં હમણાંથી મને બહુ બગાસા આવે છે. શું કરું ?
ઉપાય
(1) ખાઓને યાર ! એની ઉપર GST નથી.
(2) અચ્છા, ના ખાઓ. ઉપવાસ કરો.
(3) ચાલો, એક કામ કરો. એકટાણું કરો ! દિવસમાં એક જ વાર બગાસાં ખાઓ.
(4) બેસ્ટ એ છે કે ખવાય એટલાં બગાસાં ખાતાં જ રહો. પણ સાથે સાથે હરડે લેતા રહેજો. જેથી અપચો ના થાય !
(5) અને સમાજની સેવા કરવી હોય તો દરેક કવિ-સંમેલનમાં જાઓ અને પહેલી જ લાઈનમાં બેસીને સતત મોટા અવાજે બગાસાં ખાધા કરો ! ભગવાન તમારું ભલું કરશે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment